Jul 31, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-874

વસિષ્ઠ કહે છે કે-વાસના વગરની ક્રિયા (કર્મ) ભલે,મોટા આરંભ-વાળી હોય તો પણ,
તેનું અંદરનું બીજ બળી ગયેલું હોવાથી અક્રિયા (અકર્મ)-રૂપ જ છે.
બુદ્ધિ-સહિત ઇન્દ્રિયોએ ભોગોમાં આસક્તિ પેદા કરી-કરેલું કર્મ,ફળ આપે છે,
પણ આસક્તિ વિનાનું કર્મ,પુનર્જન્મ-વગેરે ફળ નહિ આપવાથી ફળ વિનાનું જ છે.
જ્ઞાન વડે કર્મ-ત્યાગ થઇ જતાં,વાસના રહિત થઇ રહેલો જીવનમુક્ત પુરુષ ઘરમાં રહે,જંગલમાં રહે,
લક્ષ્મીવાન-સમૃદ્ધિ-વાન બને કે ના બને-પરંતુ સદાકાળ તે "સમાનતા-વાળો" જ રહે છે.


(૪) અહંકારનો નાશ કરવાનો ઉપાય

વસિષ્ઠ કહે છે કે-તેલ વિના ઓલવાઈ જનાર દીવાની જેમ,અજ્ઞાનનો નાશ થઇ જવાથી થનારો ત્યાગ,એ,
"અહંકાર-આદિ સર્વ જગતનું મિથ્યા-પણું જણાતાં,પરબ્રહ્મ કે જે જીવ-ચૈતન્ય-રૂપ-કળાઓનું મૂળ સ્વરૂપ છે"
તેવું જ્ઞાન થવાથી સિદ્ધ થાય છે,તે વિના બીજી કોઈ રીતે (તે ત્યાગ) સિદ્ધ થતો નથી.
"આ દૃશ્ય-રૂપે દેખાવમાં આવતો દેહ-આદિ હું જ છું અને એ દેહ-આદિ સાથે સંબંધ રાખનાર જગત મારું
ભોગ્ય છે" એવો બે જાતનો અધ્યાસ,તેલ વિનાના દીવાની જેમ શાંત થઇ જતાં,શુદ્ધ ચૈતન્ય જ બાકી રહે છે.

"હું અમુક દેહ-આદિ-રૂપ છું અને અમુક મારું છે" એવો ભ્રમ જેમનો શાંત થયો નથી,તેમને જ્ઞાન થતું નથી,
શાંતિ મળતી નથી,ત્યાગ સિદ્ધ થતો નથી અને નિવૃત્તિ પણ પ્રાપ્ત થતી નથી.
પણ,જો માત્ર આ "ભ્રમ" (અહંકાર) નો નાશ થઇ જાય તો જ્ઞાન-સ્વરૂપ આત્મા જ શેષ (બાકી) રહે છે.
તત્વજ્ઞાન વડે જો અહંકારનો અંશ નાશ પામી જાય તો-મમતા (આસક્તિ) ના સ્થાન-રૂપ જગતનો પણ
નાશ થઇ જાય છે. (નોંધ-નીચે મુજબ -જો કે તત્વ-દૃષ્ટિથી જોતાં,કોઈ ઠેકાણે કશાનો નાશ થતો નથી જ.)

"હું -એવી કોઈ વસ્તુ પરમાત્માની સત્તાથી જુદી છે જ નહિ" એમ નિરહંકાર-પણાની ભાવના કરવાથી,
"અહંભાવ" (અહંકાર) કે જે સર્વ "અવિદ્યા (અજ્ઞાન) નું મૂળ" છે,તે નિર્વિઘ્ને શાંત થઇ જાય છે.
ને માત્ર આટલા પ્રયત્નથી જ મોક્ષ મળે એમ છે-તો તેમાં શા માટે કંટાળી જવાનું છે?
"હું અહંરૂપ (અહંકાર-રૂપ) નથી"એવા અધ્યાસનું અધિષ્ઠાન પણ ચૈતન્ય-રૂપ-આત્મા સિવાય બીજું નથી,
કેમ કે-એ નિર્વિકાર ચૈતન્યરૂપ-આત્મામાં "અહંકારના અધ્યાસ"ની સ્થિતિ કોઈ કાળે સંભવી શકે નહિ.

ભ્રાંતિ,ભ્રાંતિનું સાધન,ભ્રાંતિનો આશ્રય અને ભ્રાંતિનું ફળ-એ કશું ખરી રીતે છે જ નહિ,માત્ર અજ્ઞાનનો એ
સઘળો વિલાસ હોવાથી તે અજ્ઞાન-રૂપ જ છે-અને જ્ઞાન થતાં-તેમાંનું કંઈ પણ છે જ નહિ-એમ જણાય છે.
જે આ સત્તાના સ્વરૂપ વિનાનું "જગત"ના જેવું પ્રતીતિમાં આવે છે-તે સર્વ-વ્યાપી કેવળ પરમ-તત્વ જ છે,
માટે તમે મનમાં "વિચાર-પણ ન કરવા-રૂપી મૌન" ને ધારણ કરીને રહો,કેમ કે,આ સઘળું મોક્ષ-રૂપ જ છે.

જે પળમાં "હું" એવો "અહંકાર" સ્ફુરે,તે જ પળે "હું-એવી કોઈ વસ્તુ છે જ નહિ"
એમ ચિત્તમાં લાવવાથી,સંસારના જન્મ-મરણ-આદિ અનર્થોમાં પડી ફરીવાર શોક કરવો પડતો નથી.
નિરંતર ઉપર પ્રમાણે "અહંકાર"નો ભાવ છોડી દીધા પછી પણ જો કોઈ વખત એ ફરી પ્રતીતિમાં આવે તો,
(તેની સામે) દૃઢ બની,બ્રહ્મ-રૂપ પરમ-પદનું અવલંબન કરો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE