Aug 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-889

અવિદ્યાનો "અડધો ભાગ" કે જે (સ્ત્રી-પુત્ર-ધન-વગેરેમાં) મમતા (આસક્તિ) નો અધ્યાસ થવામાં કારણ-રૂપ છે,તે (મહાત્માઓના સત્સંગ અને અભ્યાસથી) વૈરાગ્ય-આદિ સાધનની સિદ્ધિ થતાં નાશ પામી જાય છે.
એ અવિદ્યાનો "પા ભાગ" કે જે (ના સમજવું કે ઉલટું સમજવું-વગેરે રૂપે) "અહંતા"રૂપે રહેલ છે,અને જે અવિદ્યાની "વિક્ષેપ-શક્તિ" રૂપે કહેવાય છે-તે શાસ્ત્ર-વિચારથી શ્રવણ-મનન-આદિ થતાં નાશ પામે છે.
બાકી જે "પા ભાગ" રહ્યો તે-અવિદ્યાની "આવરણ-શક્તિ" રૂપ છે,કે જે નિદિધ્યાસન-આદિ દ્વારા.આત્માનું બ્રહ્મ-રૂપે અપરોક્ષ જ્ઞાન થવાથી નષ્ટ થઇ જાય છે.

આ રીતે એક પછી એક ભૂમિકાના અભ્યાસથી,ક્રમથી કે એકી વખતે જ,અવિદ્યાના ચારેય ભાગનો,
ઉપર જણાવ્યા મુજબ જો ક્ષય કરી દેવામાં આવે -એટલે પછી જે અવશેષ(બાકી) રહ્યું તે-
નામ-રૂપથી રહિત,સદ-રૂપ (સદ્રુપ) આત્મ-તત્વ જ છે કે જે પુરુષાર્થ-રૂપ છે.

રામ કહે છે કે-મહાત્માઓના સત્સંગથી,શી રીતે અવિદ્યાનો અડધો ભાગ નષ્ટ થઇ જાય છે?
અને પા-ભાગ શી રીતે શાસ્ત્ર-વિચારથી શ્રવણ-મનન દ્વારા નાશ પામી જાય છે? તથા બાકી રહેલો,
પા-ભાગ,આત્માનું અપરોક્ષ જ્ઞાન થવાથી શી રીતે નાશ પામી જાય છે? તે કહો.
વળી આપ જે કહો છો કે-બધા ભાગોનો ભેગો પણ ક્ષય થઇ શકે અને ક્રમે કરીને પણ ક્ષય થઇ શકે-તે વિષે આપ વિસ્તારથી કહો.તેમ જ જે બાકી રહે તે નામ-રૂપથી રહિત અને સત્તા-રૂપ રહે છે,તો તેમાં સત્તા-રૂપ શું અને અસત્તા-રૂપ શું? એ સર્વ આપ મને કહો.

વસિષ્ઠ કહે છે કે-મહાત્મા પુરુષનો સમાગમ થતાં જ -તે સર્વ (મહાત્માઓ) ભૂમિકાના મૂળ-રૂપ હોવાથી,
વૈરાગ્ય-આદિ સર્વથી શ્રેષ્ઠ ચાર-સાધન-રૂપ સંપત્તિની પ્રાપ્તિ થાય છે.આ પ્રથમ ભૂમિકામાં સ્થિતિ થવા-રૂપી,
ઉત્તમ દશાનો ઉદય થવાને લીધે,અવિદ્યાના અડધા ભાગનો તો તમે નાશ થયલો જ સમજો.
પા-ભાગ શાસ્ત્રવિચારથી શ્રવણ-મનન દ્વારા નાશ પામી જાય છે અને
બાકીનો પા-ભાગ નિદિધ્યાસન-આદિ દ્વારા પોતાના પુરુષ-પ્રયત્ન વડે જ નાશ કરવાનો છે.

ફક્ત,મોક્ષની તીવ્ર-ઈચ્છા-રૂપી એક જ અભિલાષા ઉત્પન્ન થાય તો-તે પુરુષને વૈરાગ્ય-આદિ
સાધન-સંપત્તિ દ્વારા,ભોગોથી અને તેને મેળવવાનાં સાધનોથી રોકે છે.અને મોક્ષની ઈચ્છા સિવાય
બીજી બધી ઇચ્છાઓ દૂર થતાં,પોતાના પુરુષાર્થથી અવિદ્યાનો ચોથો ભાગ ક્ષય પામી જાય છે.
આમ,મહાત્માઓના સમાગમથી,શાસ્ત્ર-વિચારથી,શ્રવણ-મનન-આદિથી અને
પોતાના યત્નથી,એ અવિદ્યા-રૂપી મેલનો (સંપૂર્ણ) ક્ષય થઇ જાય છે.

અવિદ્યાનો ક્ષય થઇ જતાં,જે તત્વ અવશેષ રહે છે-તે દૃશ્ય-વર્ગમાંનું કંઈ જ નથી,
અને જો કાંઇક છે એમ કહીએ તો-"અનિર્વચનીય જેવું કાંઇક છે" અને એ જ પરમ-તત્વ-રૂપ છે.
જે નામ-રૂપથી રહિત છે,આરોપિત દૃષ્ટિથી અસદરૂપ (અસદ્રુપ કે મિથ્યા) છે,અને અધિષ્ઠાન દૃષ્ટિથી સત્ય છે.
હે રામચંદ્રજી,જે અવશેષ રહેલી વસ્તુ છે તે બ્રહ્મ જ છે કે જે,
જરા-મરણ-આદિ વિકારોથી રહિત છે,અનંત છે,એક છે અને આનંદથી ભરપૂર (ઘટ્ટ) છે.
કે જેમાં જીવ-જગત-આદિ સંકલ્પ-રૂપે સ્ફૂરી આવે છે તે સાવ મિથ્યા છે અને ભ્રાંતિ વડે જ માત્ર ભાસે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE