Aug 31, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-905

જે પુરુષ,શાસ્ત્રનો અભ્યાસ કરી,તે શાસ્ત્રોનો ઉપર-ઉપરનો શબ્દ-બોધ લઈને,વ્યવહારમાં,વિવેક-વૈરાગ્ય-વગેરે
રાખ્યા વિના,માત્ર પૈસા કમાવવા (આજીવિકા માટે-કથાઓ કરી) બીજાને બોધ આપવા-રૂપ,
એક જાતની પોતાની કારીગીરી (ચતુરાઈ) વાપરે છે-તે જ્ઞાનબંધુ કહેવાય છે.
જે પુરુષો,બીજાઓને આધ્યાત્મ-શાસ્ત્ર સંભળાવી,તેમાંથી પ્રાપ્ત થતાં,અન્ન-વસ્ત્ર-આદિ લાભથી જ માત્ર સંતોષ
પામે છે,અને પોતાનું જીવન ચલાવવું -એ જ માત્ર શાસ્ત્ર-જ્ઞાનનું ફળ સમજે છે,તેમણે જ્ઞાનબંધુ સમજવા.

આવા આજીવિકા ચલાવવા,માટે જ વેદાંત-શાસ્ત્રની કથા કરનાર,પુરુષો,ખાલી ઉપરનો 'ડોળ' જ બતાવે છે,
એટલે તેમણે નટ (નાટ્ય-કલાકાર) ના જેવા માત્ર વેશધારી જ ગણવાના છે.
આ જાતનું અશુભ-કે અધમ-જ્ઞાનબંધુ-પણું ત્યજવા યોગ્ય જ ગણાય છે.
પણ,વેદમાં બતાવેલ યજ્ઞ-યાગાદિ કર્મોને ધર્મ સમજીને જે કરે છે,
તે પુરુષ જ્ઞાનથી દૂર ના હોવાને લીધે,શુભ (યોગ્ય) જ્ઞાનબંધુ કહેવાય છે.
એટલે -જેઓ,આત્મજ્ઞાન ને મેળવ્યા સિવાય,બીજું કંઇક સહેજસાજ જ્ઞાન મેળવે છે,
અને પછી કષ્ટ આપનારી અનેક ચેષ્ટાઓ કરીને સંતોષ પામે છે-તેમને અધમ (અશુભ) જ્ઞાનબંધુ જ જાણવા.

આ સંસારમાં,બહારના અને અંદરના વિષયોને અનુભવનારી વૃત્તિઓની,તેનાં કારણોની,તેના આશ્રયની,અને
વિષયોની જે કંઈ પ્રતીતિ થાય છે,તે સર્વની સંકલ્પના ક્ષય (સન્યાસ) દ્વારા આત્યંતિક શાંતિ મેળવવી જ જોઈએ,
એટલે કે મુમુક્ષુએ,છેવટની સાતમી ભૂમિકાએ પહોંચ્યા વિના વચલી ભૂમિકામાં સંતોષ માનીને બેસવું જોઈએ
નહિ,અને પોતાના પ્રયત્નને જરાય શિથિલ કરવો જોઈ નહિ.

હે રામચંદ્રજી,તમે એવા અધમ-જ્ઞાનબંધુ-પણાને પ્રાપ્ત થઇ,આ સંસારના ભોગ-રૂપી-રોગોમાં કદી પણ આસક્ત થશો નહિ.આ જગતમાં 'હિતકર અને માફકસર-આહાર' મેળવવા માટે શ્રુતિ-વગેરેમાં બતાવેલું શુદ્ધ કર્મ કરવું.
આહારનો ઉપયોગ "પ્રાણ-ધારણ" કરી રાખવા માટે છે,અને "પ્રાણ-ધારણ" રાખવો તે "તત્વ-જીજ્ઞાસા" માટે છે.
અને આ તત્વજ્ઞાન -એ ફરીવાર સંસારમાં જન્મ-મરણનું દુઃખ ના ભોગવવું પડે તેના માટે છે.

(૨૨) જીવ,જગત અને બ્રહ્મતત્વ

વસિષ્ઠ કહે છે કે-"જુદા જુદા, સર્વ પ્રકારે,કામ-સંકલ્પ-આદિ અનેક "વૃત્તિઓ-રૂપ-પરિણામ"પામનારું,એવું,
તે એક "ચિત્ત" જ છે.કે એજ ચિત્ત,જ્ઞાન થતાંવેંત,તરત  નાશ (ક્ષય) પામે છે.એટલે તે "સત્ય"નથી,અને માત્ર
એક "આભાસ-રૂપ" છે"-તેવું જે જાણે છે-તે "જ્ઞાની" છે.(એટલે કે મનની વૃત્તિઓનો નાશ-એ જ્ઞાન છે)

વિષયો (શબ્દ-આદિ)નો ઉપભોગ કરનારા અંતઃકરણમાં,"વિષયોના જ્ઞાન" (સાંભળવું-આદિ) નો ઉદય થાય છે,
તે જ્ઞાનમાં સર્વના સાક્ષી-રુપે રહેલા-પરમાત્માને જ "સત્ય" જાણીને,તથા તે ,સત્ય-જ્ઞાનથી સર્વ-દૃશ્ય વસ્તુને
મિથ્યા જાણી,વાસના-રહિત-એવા શુદ્ધ "બ્રહ્મ"ને જે પુરુષ પોતામાં "અનુભવે" છે તે પુરુષ "જ્ઞાની" છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE