Sep 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-915

(25) બંધપ્રદ બીજચતુષ્ટ્ય અને તેના નાશનો ઉપાય

વસિષ્ઠ (મંકિઋષિને)કહે છે કે-પ્રથમ તો ઇન્દ્રિયો વડે
(1) "વિષયોનો ઉપભોગ કરવા-રૂપી-સંકલ્પ" સ્ફુરે છે,પછી,
(2) એ વિષયોનો વિયોગ થતા,તેના ગુણો સ્મરણમાં આવતાં,
ચિત્તમાં વારંવાર  તેની ભાવના થયા કરે છે,પછી,
(3) ચિત્તમાં તેની દૃઢ  વાસના બંધાય છે,અને તેને લીધે
(4) મરણકાળમાં પણ,ભાવિ દેહને પેદા કરવામાં અનુકૂળ એવી "સ્મૃતિ" થાય છે.
આ ચાર બીજ (બીજ-ચતુષ્ટય) આ સંસારની અંદર સર્વ અનર્થોના બીજ-રૂપ છે.
ખરી રીતે એ પોતે મિથ્યા છે છતાં અવિદ્યાને લીધે જ એ પદાર્થ-રૂપે ભાસી રહે છે.

ઇન્દ્રિયો વડે વિષયોનો ઉપભોગ કરવા-રૂપી-સંકલ્પ જ પદાર્થોમાં સુખ-બુદ્ધિ પેદા કરી,વારંવાર ભાવના થવાના મૂળ-રૂપ છે-એમ તમે સમજો.તેની અંદર જ સર્વ દોષોનો સમાવેશ રહેલો છે.સર્વ આપત્તિઓ સૂક્ષ્મ-રૂપે
તેની અંદર જ  રહેલી છે.આ અતિ વિકટ સંસાર-માર્ગમાં,વાસનાઓને વેગને વશ થનારા જીવોનાં,
અનેક ચરિત્રો અને વૃતાંતોના વિચિત્ર તરેહના પ્રવાહ નિરંતર ચાલ્યા કરે છે.

જેમ,વસંત-ઋતુના અંતમાં,ધીરેધીરે પૃથ્વીનો રસ ઓછો થઇ જાય છે,તેમ, વિવેકી પુરુષની,પણ આ સંસાર-રૂપી-ભ્રાંતિ,એ વાસનાઓ સહિત ધીરેધીરે ક્ષીણ થતી જાય છે.
વાસના જ આ સંસાર-રૂપી-કાંટા વાળા વેલાની વૃદ્ધિ કરે છે.અજ્ઞાનના આશ્રય-રૂપ જીવ-ચૈતન્યની અંદર,
વાસના-રૂપી-રસ,સંસાર-રૂપી-અંધાપા (અજ્ઞાન) તરીકે ઉદય પામે છે.

જો કે,સર્વ દૃશ્ય (જગત)-માત્રથી રહિત,"શુદ્ધ ચૈતન્ય પરમાત્મા"-સિવાય બીજું કશું છે જ નહિ.
"સાક્ષી-રૂપે સદા સ્ફૂર્યા કરતો,ચૈતન્ય આત્મા,દેહ-ઇન્દ્રિયો-આદિથી જુદો નથી અને તેથી જુદો દેખાતો નથી"
એવી જે અનાદિ-કાળની ભ્રાંતિ છે,તે જ અવિદ્યા-રૂપે,ભ્રમ-રૂપે અને સંસાર-રૂપે ફેલાઈ રહે છે.
જે પદાર્થ અસત્ય હોય અને ભ્રાંતિ વડે જ ખડો થઇ જતાં,સત્ય-રૂપે દેખાતો હોય,તે જ્ઞાન થતાં નષ્ટ થાય છે.
ચેતન-સત્તા એક જ છે,પણ દૃશ્ય-ઉપાધિને લીધે જુદીજુદી જણાય છે.
એટલે એ દૃશ્ય-સંબંધી-દૃષ્ટિનો બાધ થઇ જાય છે ત્યારે,સર્વના સાર-રૂપ એક ચેતન-તત્વ જ બાકી રહે છે.

જે વસ્તુ જ્ઞાન વડે જાણવામાં આવે છે -તે જ્ઞાન-રૂપ જ કહેવાય છે.અજ્ઞાન,એ જ્ઞાનથી વિરુદ્ધ રૂપ-વાળું છે,
પણ, તે જ્ઞાન વડે જોવામાં આવે તો તે જુદા-રૂપે જણાતું નથી.તેથી ચિદરૂપ જ્ઞાન સિવાય બીજું કશું છે જ નહિ.
દૃષ્ટા,દર્શન અને દૃશ્ય-એ પ્રત્યેકમાં જે વ્યાપ્ત-સત્તા-રૂપ-જ્ઞાન છે-તે જ માત્ર સાર-રૂપ છે.
સજાતીય પદાર્થ,પોતાના જેવા સજાતીય પદાર્થ સાથે જ એકતાને પ્રાપ્ત થાય છે,
એટલે ,"જગતમાં સાર-રૂપે રહેલી ચૈતન્ય-સત્તાનો" અને "મહા-ચૈતન્ય-સત્તાનો"
અન્યોન્ય એકતાનો અનુભવ સિદ્ધ થતાં,"તત્વ એક જ છે"  એવો નિર્ણય થાય છે.

જયારે આ સઘળા દૃશ્ય-વર્ગને (જગતને) એક બોધ-રૂપ (જ્ઞાન કે ચેતન-તત્વ-રૂપ) જ માનીએ,
ત્યારે તે બોધ (ચેતનતત્વ) થી અવિદ્યા જુદી નહિ હોવા છતાં,કોણ જાણે,તે જુદી હોય,તેમ,
તે ચેતન-તત્વ વડે ઇન્દ્રિય દ્વારા પ્રગટ થઈ જઈને (આ જગત) અનુભવમાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE