Sep 20, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-925

હે રામચંદ્રજી,પોતાના આત્મામાં જ ચિત્ત રાખી રહેવાથી,અંતર્મુખપણાને લીધે,સદાકાળ આનંદમાં રહી,
શાંતિ વડે ઉદારતાનો આશ્રય કરી,અસંગ-પણાથી તમે જે કોઈ કર્મ કરશો તે કર્મના તમે કર્તા નથી,એમ સમજો.
મનની સ્થિતિ જો તમે કેવળ પરમાત્મામાં જ રાખશો,તો હું ધારું છું કે વજ્રની ધાર (દુઃખો) પણ બૂઠી થઇ જશે.
સંકલ્પની કલ્પના વિનાના અને પોતાના હ્રદયાકાશમાં રહેલા આત્મ-સ્વરૂપમાં જ જે સ્થિર થઈને રહે છે,
તેવો,આત્માની અંદર રમી રહેલો પુરુષ મહેશ્વર જેવો છે.

એ આત્મ-તત્વને શસ્ત્રો ભેદી શકતાં નથી,અગ્નિ બાળી શકતો નથી,જળ ભીંજવી શકતું નથી અને પવન સુકવી
શકતો નથી.અજરામર અને અજન્મા એવા,પોતાના આત્માનું અવલંબન કરી,તમે અચળ થઈને રહો.
પુષ્પોના સુગંધ-સમ-સાર-રૂપી અચળ,બ્રહ્મ-સત્તાનો આશ્રય કરી,વૃત્તિને બ્રહ્મ-તત્વમાંથી ખસવા નહિ દેતાં,
અંતર્મુખ જ રાખી,તમે સુખથી જીવનમુક્ત થઈને રહો.

વસિષ્ઠ કહે છે કે-જીવનમુક્ત પુરુષો,ભલે બહાર વ્યવહારનાં કામકાજ કરતા રહેતા હોય,છતાં,
જેમ,પથ્થરમાં (જડપણાને લીધે) વાસનાનો ઉદય ન થાય,તેમ,ચિત્ત-વૃત્તિના નિરંતર અંતર્મુખપણાને લીધે,
તેમનામાં વાસનાનો ઉદય જ થતો નથી.તેમ,તમે પણ સર્વ વ્યવહાર-સંબંધી કામકાજ કરતા રહેજો,
પણ કાચબાના અંગની જેમ,વૃત્તિને (અંદર-બહાર પસારી નહિ દેતાં) સંકુચિત કરી દેજો.
તેમ જ ચિત્ત ફરીવાર પદાર્થો તરફ ફેલાઈ ન જાય તેવું આત્માકાર અને સંકલ્પ વિનાનું રાખજો.

અંદર સંકલ્પ વિનાનું અને બહાર કેમ જાણે સંકલ્પવાળું હોય,તેમ દેખાવ આપનારા-અર્ધા જાગતા બાળકની
જેમ,સંકલ્પ અને અનુસંધાન વિના,સ્વાભાવિક રીતે જ નિઃસંકલ્પ-પણે જ કાર્ય કરતા રહો.
બાળક અને મૂંગા પ્રાણીઓ-વગેરે બહાર સમજતાં ના હોય તેવાં દેખાય છે,છતાં અંદર બધું સમજે છે,
તેમ તમે પણ અંદર સર્વ વાત સમજતા રહી,વાસનાઓને છોડી દઈ,પ્રારબ્ધથી આવી પડેલ કાર્યો કરશો,
તો આકાશની જેમ,તમારા ચિત્તને જરા પણ લેપ લાગશે નહિ.

નિર્વિકલ્પ સમાધિની (કે જે કેવળ જ્ઞાનમય છે તેની) અંદર સંકલ્પો-વાળી સર્વ પ્રકારની વૃત્તિ નષ્ટ થઇ જાય છે.
તેના અભ્યાસને લીધે,નાશ (મહા-સુષુપ્તિ) પામેલા પણ,આવશ્યક વ્યવહાર માટે,માત્ર આભાસ-રૂપે બહાર
પ્રસરી રહેનાર,"ચિત્ત વડે" તમે સર્વ સંતાપથી રહિત થઇ આનંદઘન થઇ રહો.
હે રામચંદ્રજી,સંકલ્પ-રૂપી-કલંક-વિનાની,અને જ્ઞાનને લીધે ચિત્તનો ક્ષય થતાં ઉદય પામેલી,
શુદ્ધ આત્મસત્તામાં જ તમે સ્થિર થઇ રહી,કાર્ય કરો કે ના કરો,એ બંને સરખું જ છે.

તમે જાગ્રત અવસ્થામાં વ્યવહાર કરજો,હાલવા-ચાલવા-પણું કરજો,છતાં સુષુપ્તિ અવસ્થાની જેમ અત્યંત
લય પામેલી (નિઃસંકલ્પ) વૃત્તિ વડે,તમે કોઈ પદાર્થને પ્રિય ગણી પકડશો નહિ,તેમ કોઈ પદાર્થને ત્યજશો નહિ.
તમે જો,જાગ્રત અવસ્થામાં પણ સ્થૂળ-દેહ અને સૂક્ષ્મ-દેહ-રૂપી ઉપાધિનો લય કરીને,સુષુપ્તિ અવસ્થાને
પ્રાપ્ત થઇ ગયેલા જેવા નિર્વિકલ્પ થઈને રહેશો,તો એ "સુષુપ્તિ-જેવી અવસ્થા" માં પણ,
અજ્ઞાન-રૂપી આવરણના અભાવને લીધે,તમે જાગતા જ છો (જાગ્રતમાં સુષુપ્તિ અને સુષુપ્તિમાં જાગ્રતતા)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE