Sep 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-926

વસિષ્ઠ કહે છે કે-જાગ્રત અને સુષુપ્તિને જુદાં પાડનાર "અજ્ઞાન અને તેનાં કાર્યો"નો
જ્ઞાન વડે બાધ થઇ જતાં,એ બંને અવસ્થાઓનું એક "આત્મ-તત્વ-રૂપ-પણું" થઇ જતાં,
સર્વના અવધિ-રૂપ જે ચિન્માત્ર પરમતત્વ અવશેષ રહે છે તે તમે પોતે જ છો.
એટલે ધીરેધીરે અભ્યાસ કરતા રહીને તમે અનાદિ-અનંત-અદ્વિતીય એવા પરમપદને પ્રાપ્ત થાઓ.
કે જે પરમપદ સર્વ વસ્તુમાત્રથી વિલક્ષણ અને લોકોત્તર (ત્રણે લોક થી પર) છે.
"તત્વદ્રષ્ટિથી -જગત અને પરમાત્મા-એ બંનેનું દ્વૈત કે અદ્વૈત-પણું સંભવતું નથી" એવો નિશ્ચય બાંધી,તમે આકાશના જેવું વિશાળ અને નિર્વિકાર હૃદય રાખી,પરમ શાંતિને પ્રાપ્ત થાઓ.

રામ કહે છે કે-હે મહારાજ,આપ જેમ કહો છો તેમ અહંકાર-આદિ કંઈ ના હોય તો,"હું" એવા વ્યવહારના આધાર-રૂપ તમે પોતે કે જે "વસિષ્ઠ" ના નામને ધારણ કરીને બેઠા છો,તે શી રીતે બેઠા છો?

વાલ્મીકિ કહે છે કે-રામચંદ્રજીએ જયારે વસિષ્ઠને ઉપર પ્રમાણે કહ્યું,ત્યારે વસિષ્ઠ અર્ધો મુહુર્ત મૌન ધારણ કરી રહ્યા.
સભામાં બેઠેલ સર્વ મહાજન પણ "આમ આ મૌનનો શું હેતુ હશે?" એવા સંશયમાં પડી ગયા.

ત્યારે રામચંદ્રજીએ વસિષ્ઠને ફરીવાર કહ્યું કે-આપ મારી જેમ જ આ પ્રશ્ન સંબંધી કેમ મૌન ધારણ કરી રહ્યા છો?
આ જગતમાં શિષ્યનો કોઈ એવો તર્ક (પ્રશ્ન) હોઈ શકતો નથી કે -
જેનો જવાબ આપવાનો આપ જેવા વિદ્વાન મહાત્મા ગુરુને કઠણ પડે.

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,હું કશું બોલતો નથી,તેથી "આ પ્રશ્નનો ઉત્તર અશક્ય હોવાથી મને યુક્તિ સૂઝતી નથી" એવું તમારે સમજવાનું નથી.પરંતુ તમે પૂછેલા પ્રશ્નના જવાબમાં "મૌન" જ પરમ અવધિરૂપ હોવાથી,
"એ "મૌન" જ મેં તમારા પ્રશ્નના જવાબ-રૂપે બતાવ્યું છે" એમ સમજવાનું છે.
પ્રશ્ન કરનાર પુરુષો બે જાતના હોય છે-એક જ્ઞાની અને બીજો અજ્ઞાની.
તેમાં અજ્ઞાની પુરુષને અજ્ઞાન-કોટિમાં રહી જવાબ આપવો અને જ્ઞાનીને જ્ઞાન-કોટિમાં રહી જવાબ આપવો.

હે મહાબુધ્ધિશાળી રામચંદ્રજી,અત્યાર સુધી તમે પરમપદને નહિ ઓળખેલું હોવાથી,વિકલ્પો-વાળા ઉત્તરો આપવાને પાત્ર હતા, પણ હવે તમે તત્વજ્ઞ થયા છે અને પરમપદમાં શાંત છો,માટે હવે તમને પ્રસિદ્ધ એવા વિકલ્પો-વાળો ઉત્તર આપવો યોગ્ય નથી.
સૂક્ષ્મ-અર્થ-વાળો હોય,કે વિશેષ અર્થ-વાળો હોય,કે પછી,થોડો હોય કે અધિક હોય,
પણ,વાણીનો જે વિષય (વ્યવહાર) છે,તે સર્વ,અવિચ્છેદ (એક-બીજાથી ભિન્ન-પણું)
સંખ્યા (એક-બે-વગેરે) અને કાળ (ભૂત-ભવિષ્ય) વગેરે-કલ્પનાઓ-રૂપી-"કલંક" વડે વીંટળાયેલ છે.
એટલે તત્વજ્ઞ પુરુષને "કલંક" (વાણી) વાળો ઉત્તર આપવો યોગ્ય નથી (મૌન જ તેનો વધુ સારો જવાબ છે)

વાણીનો સર્વ વ્યવહાર ઉપર પ્રમાણે કલંક-વાળો હોવાથી,કલંક વિનાની કોઈ વાણી છે જ નહિ.
અને તત્વજ્ઞ પુરુષને યથાર્થ (સત્ય) જ કહેવું જોઈએ,
પણ, યથાર્થ વાત એ (અંતથી રહિત-કાષ્ટના જેવું) મૌન જ છે.એમ વિવેકીઓ સમજે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE