More Labels

Sep 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-933

"આ જગત જો મિથ્યા છે તો પછી તેને અનર્થ-રૂપે વર્ણવી તેની નિંદા શા માટે કરવામાં આવે છે?
અને શા માટે તેને ત્યાગ કરવા યોગ્ય કે અસાર ગણવામાં આવે છે?"
આવી શંકા  અહી લાવવાની નથી,કેમ કે જે વસ્તુ નથી તેના માટેનો કશો નિર્ણય સંભવતો જ નથી.

"પોતાના સ્વરૂપની જે (સત્ય) સ્થિતિ છે,તે પાછી પ્રાપ્ત થાય,તેને માટે,
આ જગત કે મિથ્યા છે-તેને સાચું "કલ્પી" લઇ,તેની નિંદા-આદિ વડે -વિવેક-વૈરાગ્યથી માંડીને છેક
તત્વ-સાક્ષાત્કાર સુધીનો ઉપાય કલ્પી કાઢવામાં આવ્યો છે." એટલો આ બાબતમાં નિર્ણય કરી શકાય છે.
માટે આ બાબતનો મુખ્ય સિધ્ધાંત એ છે કે-બીજા કશા પદાર્થની ભાવના ના કરતાં,એક આત્મામાં જ સ્થિતિ રાખી,શાસ્ત્ર અનુસાર ક્રમ પ્રમાણે ભૂમિકાઓનો અભ્યાસ કરી,પોતાના કર્તવ્યમાં,પથ્થર જેવા દૃઢ થઈને રહો.

જે કંઈ આ સૃષ્ટિની ભ્રાંતિ દેખાય છે,તેના સંબંધમાં એવો નિર્ણય જણાય છે કે-
જેવા તમે ઉત્તમ એવી સ્થિર દશાને પ્રાપ્ત થયા,એટલે આખું જગત તમારા સંકલ્પ-માત્ર છે,એમ તમને જણાશે,
અને ક્ષણ-માત્રમાં એ જગતની ભ્રાંતિ પૂરી રીતે મટી જશે.
આમ,જ્ઞાન વડે આ સૃષ્ટિ બ્રહ્મરૂપ જણાયાથી,તે સૃષ્ટિનો મૂળસહિત ક્ષય થઇ જાય છે.
બાકી,પ્રલય વખતે જો કે સૃષ્ટિનો ક્ષય થાય છે,ત્યારે તે કાર્ય-રૂપ નથી રહેતી,પણ સૂક્ષ્મ-બીજ-રૂપે રહે છે,
એટલે કેટલાંક,સંકલ્પ-સંબંધી,કાર્યો તો એમ કાયમ રહે જ છે.
માટે જ્ઞાન વિના મૂળ-સહિત,સંસારનો ક્ષય થવાનો બીજો એકે ય ઉપાય નથી.

સ્વપ્નમાં મિથ્યા-રૂપે દેખાતા,પુરુષોની જેમ,મિથ્યા-રૂપે જ જે પુરુષો આ સૃષ્ટિમાં જોવામાં આવે છે,
તે સૃષ્ટિ અને તે પુરુષો,બંને ઝાંઝવાના જળના તરંગો જેવા મિથ્યા અને કલ્પના-માત્ર છે.
જેમ,"વંધ્યા-પુત્રની વાણી"નો નિર્ણય કરવાની વાત અશક્ય જેવી છે,તેમ,ખરી રીતે મિથ્યા છતાં કેમ જાણે
સત્ય હોય,તેવા થઇ રહેલ જીવ-જગત-આદિ પદાર્થો અનિર્વચનીય(જેનું વર્ણન કે નિર્ણય ન થાય તેવા) છે.

તત્વજ્ઞ પુરુષોની પૂર્ણતા,પરિપૂર્ણ મહા-સાગરના જેવી,કાંઇક અપૂર્વ જ છે,કેમ કે,"હું દૃષ્ટા છું અને અમુક રૂપ છું"
એવી ભેદ-દૃષ્ટિમાં તેમનો આગ્રહ હોતો નથી.વિવેકી તત્વજ્ઞ પુરુષો,પર્વત સમાન અચળ હોય છે અને
વાયુ વગરના સ્થાનમાં રહેલ દીવાની જેવા,સદાકાળ સમાન કાંતિ-વાળા રહે છે.
તેઓ બહાર આચાર-વાળા કે આચાર-રહિત જેવા દેખાય છે પણ અંદર શાંત અને સ્વસ્થ જ રહેતા હોય છે.
તેમના ચિત્તની અંદર કોઈ અપૂર્વ પૂર્ણતાનો અને અપૂર્વ શીતળતાતો પ્રકાશ  ઉદય થાય છે.

મૂર્ખ પુરુષ વાસનામય હોય છે,પણ જો વિવેકથી જોવામાં આવે તો વાસના-તો (નિર્મૂળ હોવાથી) છે જ નહિ,
એટલે આમ વિવેક વડે નહિ જોવાને લીધે તે મૂર્ખ પુરુષને ભવાટવીમાં ભટકવું પડે છે.
વસ્તુનું બરાબર સ્પષ્ટ રૂપ નહિ સમજાયાથી જે ભ્રાંતિ દેખાતી હોય તે,વસ્તુનું યથાર્થ રૂપ સમજાયાથી નષ્ટ થઇ જાય છે.આ બાબતનું સ્પષ્ટ દૃષ્ટાંત,અંધારાનું છે.જ્યાં સુધી પ્રકાશ વડે બરાબર ના જોઈએ-ત્યાં સુધી અંધારું દેખાય છે,પરંતુ દીવો સળગાવતાં,દીવાના પ્રકાશથી જોતાં અંધારું દેખાતું નથી.

એવી રીતે,જ્યાં સુધી આત્મજ્ઞાનનો પ્રકાશ ન થાય અને વસ્તુનું ખરું રૂપ ના ઓળખાય ત્યાં સુધી,
તે અવિદ્યા રહે છે,પણ જેવો આત્મજ્ઞાનનો પ્રકાશ થાય ત્યારે તે અવિદ્યા (અજ્ઞાન કે માયા) ક્યાંય ભાગી જાય છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE