More Labels

Oct 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-939

આ બહારનો દૃશ્ય-પ્રપંચ,ભલે હો અથવા ના હો,એ વિશેનો વિચાર અહી કરવાનો નથી,
પરંતુ,ચિત્ત દ્વારા જો તે તરફ દૃષ્ટિ જશે,તો તે દુઃખની વૃદ્ધિ કરનાર થઇ પડશે.
એ "દૃશ્ય-સંકલ્પનો ક્ષય અને તેનું ના દેખાવું" એનો આધાર (એટલે કે તેવું થવું તે) ચિત્તનો નિરોધ કરી તેને કેવળ બ્રહ્માકાર કરી દેવા પર જ રહ્યો છે.

પ્રત્યેક પ્રાણીને આ લોક (પૃથ્વી) અને પરલોક(નરક) સંબંધી એવા બે મહા-ઘોર વ્યાધિ (રોગ)વળગેલા છે.
આ બે વ્યાધિ વડે,આધ્યાત્મિક,આધિભૌતિક અને આધિ દૈવિક-વગેરે અનેક જાતના તાપ વડે પીડાઈ જઈ.
દેહધારી જીવોને મહાઘોર દુઃખો સહન કરવાં પડે છે.
અજ્ઞાની પુરુષ,આ લોકમાં દેખાતા ભૂખ-તરસ-વગેરે અને  રોગો દુર કરવા,
ખાન-પાન આદિ અને ઔષધો લઈને જીવતાં સુધી પોતાનાથી બનતો પ્રયત્ન કર્યે જાય છે,
પણ પરલોક (નરક)ની વ્યાધિની ચિકિત્સા,કોઈ ભોગો-રૂપી ઔષધથી (તે અજ્ઞાનીથી) થઇ શકતી નથી.

જો કે ઉત્તમ પુરુષો, તો શાંતિ-સત્સંગ અને બોધ-રૂપી અમૃત વડે,પરલોક સંબંધી,મહા-વ્યાધિની ચિકિત્સા
કરવાનો યત્ન કરતા રહે છે.તેઓ ભોગો-રૂપી-અપથ્યનો ત્યાગ કરી સત્સંગ-ઔષધિનું સેવન કરે છે.
એથી, તેઓ શાંતિ-રૂપી ઔષધના પ્રભાવથી,મોક્ષ-માર્ગની મોટી ઈચ્છા પૂર્ણ કરવામાં વિજયી થાય છે.
માટે,હે અવિવેકી પુરુષો,તમારું જીવન કેવળ આ લોક (પૃથ્વી) સંબંધી વ્યાધિની (ભૂખ-રોગ વગેરે)
ચિકિત્સા કરવામાં જ ક્ષયને પ્રાપ્ત ના થઈ જાઓ.પરંતુ તમારે આત્મજ્ઞાન-રૂપી ઔષધ દ્વારા,
પરલોક સંબંધી (સ્વર્ગ-નરક-વગેરેની) પણ ચિકિત્સા કરવાની છે.

નિર્મળ ચિદાકાશની અંદર ભ્રાંતિ વડે જ આત્માના વિવર્ત-રૂપે જગત અનુભવમાં આવે છે,માટે તે સત્ય નથી.
(મિથ્યા હોવા છતાં) તે જગતમાં અનેકવાર પ્રલયો જોવામાં આવે છે,તો પણ તેનો નાશ થતો નથી.
તેની અનેક સૃષ્ટિઓ નજરે જોવામાં આવે છે,પણ તેનું મૂળ સ્વરૂપ વિચારવા જતાં-તે ભ્રાંતિરૂપ જ જણાય છે.

ભોગ-રૂપી કાદવમાં ખૂંચી ગયેલા પોતાના આત્માને,જો પોતાના પુરુષાર્થના ચમત્કાર વડે બહાર
ખેંચી કાઢવામાં ના આવે તો,તેને (તે આત્માને) તે ભોગ-રૂપી-કાદવમાંથી નીકળવાનો કોઈ બીજો ઉપાય નથી.
જે મનુષ્ય મન નહિ જીતાવાને લીધે,મૂઢપણાથી કેવળ ભોગો-રૂપી-કાદવમાં ખુંચાયેલો રહે છે,
તે અનેક આપત્તિઓને (દુઃખને) પ્રાપ્ત થાય છે.

જેમ,આયુષ્યના આરંભકાળમાં,પ્રથમ બાલ્યાવસ્થા જોવામાં આવે છે,તેમ,મોક્ષ-દશાના આરંભકાળમાં જ,
પ્રથમ રાગ (આસક્તિ) ની શાંતિ કરનાર "ભોગોનો ત્યાગ" જોવામાં આવે છે.
તત્વજ્ઞ જીવનમુક્ત પુરુષની જીવન-રૂપી-નદી,જો કે સુખ-દુઃખ-રૂપી અનેક તરંગો-વાળી હોય છે,
તો પણ કેમ જાણે તે (નદી) ચિત્રમાં આલેખાયેલી હોય-તેમ (ચિત્રની જેમ) શાંત-રૂપે એક-સરખી-રીતે
રહ્યા કરે છે,અને તેમનામાં ક્ષોભ કરનારો વિષય-રાગ (વિષયો પ્રત્યેની આસક્તિ) હોતો નથી.
જયારે,અજ્ઞાની પુરુષની જીવન-રૂપી-નદીમાં તો અનેક સુખ-દુઃખ-રૂપી તરંગો
અને કામ-ક્રોધ વગેરે-રૂપી ચકરીઓનાં કૂંડાળાનો મોટો ખળભળાટ જોવામાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE