Oct 5, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-940

આ જગત સદરૂપ (સદ્રુપ) પણ નથી,અસદ્રુપ પણ નથી અને સદસદ્રુપ પણ નથી,પરંતુ અનિર્વચનીય છે,તેમ જ બ્રહ્મ-તત્વના વિવર્ત-રૂપ હોવાથી "અદ્વિતીય-બ્રહ્મ-રૂપ" છે અને સદા નિત્ય છે.
જે પુરુષ યથાર્થ રીતે વર્તન કર્યા કરે છે,જેના મનમાં સંકલ્પનું સ્ફુરણ થતું નથી અને જેનો આત્મા,બહિર્મુખ ના થતાં,અંતર્મુખ થઈને શાંત-પણે નિર્વિકાર શુદ્ધ બ્રહ્મભાવમાં જ સ્થિર રહે છે,તેને વિદ્વાનો,જ્ઞાનનિષ્ઠ કહે છે.આ સંસારમાં દેહ-રૂપ ઉપાધિ વડે યુક્ત હોવા છતાં,જે પુરુષને કશો સંકલ્પ જ સ્ફુરતો નથી તથા જીવભાવ સહિત,આ આખું જગત એક આત્મ ચૈતન્યમાં જ ગળી ગયેલું દેખાય છે,તે મહાત્માને વિદ્વાનો જ્ઞાન-નિષ્ઠ કહે છે.

જેમ,સંકલ્પ વડે ખડું થઇ ગયેલ નગર,સંકલ્પનો ક્ષય થતાં પાછું જોવામાં આવતું નથી,
તેમ,આત્મ-ચૈતન્ય બહિર્મુખ થતાં,સંકલ્પથી ઉત્પન્ન થયેલ આ જગત અને જીવ,એ બંને,આત્મ-ચૈતન્ય,
અંતર્મુખ થતાં,સંકલ્પનો ક્ષય થઇ જવાથી,અધિષ્ઠાન-ચૈતન્યમાં જ શમી જાય છે,અને પાછા જોવામાં આવતા નથી.
સર્વ દૃશ્ય-જડ પદાર્થોનું,મૂળ કારણ એક પ્રકૃતિ (અવિદ્યા કે માયા) છે,પણ,તે પ્રકૃતિનું કોઈ કારણ નથી,
તો પણ સાક્ષી-તરીકે તેને સિદ્ધ કરનાર આત્મા છે.અને તે આત્માનું ધ્યાન કરવું તે મુક્તિ છે.

આ જગતમાં કોઇપણ પદાર્થનો કશો "સ્વભાવ" છે જ નહિ.
જગત (સૃષ્ટિ) સંબંધી સર્વ અનુભવો,સર્વના અધિષ્ઠાન-રૂપ-મહા-ચૈતન્ય-રૂપી-જળના "દ્રવ-રૂપે" છે,
તે મહાચૈતન્ય-રૂપી-પવનની "લહર-રૂપે" છે,અધિષ્ઠાન-દૃષ્ટિએ "ચિદાકાશ-રૂપ" છે
અને અધ્યસ્ત-દૃષ્ટિએ "શૂન્ય-રૂપે" છે.આ વિવેકને પોતાની સૂક્ષ્મ-દૃષ્ટિ વડે સમજવાનો છે.
પવન અને તેની ગતિ -એ બંને જેમ અભિન્ન છે-તેમ,પરબ્રહ્મ અને સૃષ્ટિ-એ એકબીજાથી અભિન્ન છે.

જ્યાં સુધી અંતઃકરણમાં તત્વ-સંબંધી યોગ્ય વિચાર પ્રગટ ના થાય ત્યાં સુધી ભ્રાંતિ રહ્યા કરે છે,પરંતુ જેવો
તાત્વિક વિચાર ચિત્તમાં ઉદય પામે છે,ત્યારે તે ભ્રાંતિ પણ બ્રહ્મથી જુદી ના રહેતાં,બ્રહ્મ-રૂપ થઇ જાય છે.
તત્વ-દૃષ્ટિથી જોતાં,ભ્રાંતિનું સ્વરૂપ જ દેખાતું નથી.પણ તેમાં સત્તા-સ્ફૂર્તિ-રૂપી (બ્રહ્મનો)અંશ,
તો બ્રહ્મથી જુદો પડી શકતો નથી.આમ વિચાર કરતાં,છેવટે અતિ-સ્વચ્છ નિર્વિકાર પરબ્રહ્મ જ અવશેષ રહે છે.

(૩૪) દૃષ્ટ-સૃષ્ટિ ટાળવાનો ઉપાય

વસિષ્ઠ કહે છે કે-સુખદુઃખ પ્રાપ્ત થતાં જે પુરુષનું મન તેનાથી લેપાય છે,તે આ સંસાર-સંબંધી જન્મ-મરણ-આદિ અનર્થ-પરંપરામાં ઘસડાયા કરે છે,પણ જે પુરુષ તેનાથી લેપાતો નથી,તે વિવેકને લીધે આત્મા-રૂપ જ છે.
આ સંબંધમાં શાસ્ત્રોના ઉપદેશની કશી જરૂર નથી.
જે પુરુષની અંદર ઈચ્છાનો ઉદય થાય છે,તેને સુખ-દુઃખ-આદિ થયા વિના રહેતાં નથી,માટે ઈચ્છાનો ત્યાગ કરો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE