Oct 15, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-950

આગળ કહ્યું તે પ્રમાણે,આત્મ-તત્વનું જ્ઞાન મેળવી લઇ,કોઈ વિવેકી પુરુષ,વિષને પણ (કોઈ યોગ્ય યોજના વડે) અમૃતમય કરી લે છે.એટલે કે- જે પુરુષ આત્માની ભાવના વડે દુઃખને પણ નિરતિશય આનંદ-રૂપ કરી લે છે અને જ્ઞાન વડે પોતાના આત્મામાં ધીરતા ધારણ રાખે છે-તે પુરુષ પ્રબુદ્ધ (જ્ઞાન-સંપન્ન) કહેવાય છે.
જ્ઞાન સિદ્ધ થયા પછી બ્રહ્મની અંદર જે જગતની સ્થિતિ જણાય છે-તે બ્રહ્મ-રૂપે જ જણાય છે.
અને અહંકાર-રૂપી ભ્રાંતિ પોતાની મેળે જ ક્ષય પામી જાય છે.

જે કંઈ આ સ્થાવર-જંગમ-જગત દેખાય છે,તે સર્વ શાંત ચિદાકાશ-રૂપ જ છે અને બીજા કોઈના મનોરાજ્ય વડે ખડા થઇ ગયેલા (કલ્પી કાઢેલા) શહેરના જેવું માત્ર મનોમય જ છે,અને તે કલ્પી કાઢેલ શહેરમાં,કોઈ ભીંત-વગેરે હોતું નથી (શૂન્ય છે) એટલે તે શહેરમાં,જેમ,તમારું જવું-આવવું નિર્વિઘ્નપણે,સુખથી થઇ શકે છે.
તેમ,આ જગત-રૂપી-ભ્રાંતિની અંદર પણ શૂન્યતાને લીધે,જ્ઞાનનિષ્ઠ પુરુષનું પોતાની ઈચ્છા પ્રમાણે,જવું-આવવું સિદ્ધ થાય છે,કેમ કે આત્મા(દૃષ્ટા) નું જ અંતઃકરણ દૃશ્ય (જગત) તરીકે પ્રસરી રહેલ છે.

બ્રહ્મ જ સત્ય છે અને તે જ અહંકાર પણ છે અને તે જ ભ્રાંતિને લીધે જગત-રૂપે (અસત્ય-રૂપે) ભાસે છે.
એ ભ્રાંતિ પોતાના (કોઈ જાતના) આશ્રય વિના જ સ્ફૂરી આવે છે,માટે તે અસત્ય છે.
આ જગતને સાચું (સદરૂપ) પણ કહી શકાતું નથી કે ખોટું (અસદરૂપ) પણ કહી શકાતું નથી.
તે (જગત) તો અનિર્વચનીય છે.ઇન્દ્રિયો વડે તેના વાસ્તવ તત્વનો નિર્ણય થઇ શકે તેવું નથી.

તત્વજ્ઞ પુરુષને તત્વજ્ઞાનના બળ (શક્તિ) ને લીધે,વિષયો મિથ્યા-રૂપે જણાય છે.
તેથી તેના માટે ઈચ્છા-અનિચ્છા એ બંને સરખાં જ છે.છતાં ઈચ્છાનો ઉદય જ ના થવા દેવો
એ વાત અનંત સુખનો અનુભવ કરાવવામાં હેતુરૂપ છે,માટે તેને જ હું વધારે શ્રેયસ્કર માનું છું.

શ્રુતિ કહે છે કે "આકાશાદ્વાયુ વાયોરગ્નિ" (આકાશની અંદર આકાશથી વાયુ થાય છે અને વાયુથી અગ્નિ થાય છે)
તેમ,ક્રમ પ્રમાણે જગત-અહંકાર-આદિ ઉત્પન્ન થયાની પ્રતીતિ થતી જોવામાં આવે છે.અને જેમ,પવનમાં તેના પોતાના સ્વરૂપમાં જ ગતિનો પ્રાદુર્ભાવ થતો દેખાય છે,તેમ,ચિદાત્મામાંથી તેના પોતાના સ્વરૂપમાં જ,
અજ્ઞાન-રૂપ-આવરણને લીધે,જગત-અહંકાર આદિ ઉત્પન્ન થતાં જોવામાં આવે છે.
આમાં બીજું કોઈ "કારણ" નથી.

ચિદાત્માનું બહિર્મુખ થઇ જવું એ જ ઈચ્છા-રૂપ છે,ચિત્ત-રૂપ છે અને સંસારરૂપ છે.
અને જો તે ચિદાત્મા બહિર્મુખ ના થાય અને કેવળ પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહે-તે મુક્તિ છે.
આ યુક્તિને સમજી લઇ,નિર્વિક્ષેપ અને શાંત થઈને રહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE