Oct 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-951

વસ્તુતઃ વિચારતાં તો,ઈચ્છા કે અનિચ્છા ઉત્પન્ન થાઓ કે સૃષ્ટિ ઉત્પન્ન થાઓ કે તેનો લય થાઓ,
એ સર્વ પણ મિથ્યા હોવાથી કોઈની કશી ગતિ થતી જ નથી.કેમ કે -તે સર્વ "કલ્પિત" છે.
એટલે ભાવ-અભાવ,ઈચ્છા-અનિચ્છા,સત-અસત,સુખ-દુઃખ વગેરેની કશી પણ કલ્પના,
એ નિર્વિકાર ચિદાકાશની અંદર સંભવતી જ નથી.વિવેકથી અને શાંતિથી તૃપ્ત થઈને
જે પુરુષની ઈચ્છાનો ઘટાડો થતો જાય છે-તે મોક્ષ-ભાગી (મોક્ષ પામવાને ભાગ્યશાળી થયેલો) છે.

ઈચ્છા-રૂપી બાણથી વીંધાયેલા હૃદયમાં,શોક-મોહ-આદિ વેદના-રૂપ એવું તો તીવ્ર શૂળ(વેદના) થવા માંડે છે,
કે તે શૂળ માટે મંત્ર-ઔષધ-કે એવા કોઈ ઉપાયો પણ તેને દૂર કરી શકતા નથી.
કોઈ મનુષ્યનાં ભ્રાંતિ-જન્ય (ભ્રાંતિથી થયેલ ) દુઃખોને,બીજો કોઈ મનુષ્ય નિવારી શકતો નથી,પણ
પોતાના વડે જ જ્ઞાનથી અનુભવમાં આવતું "બ્રહ્મ જ સત્ય છે" એ તત્વજ્ઞાનથી પોતે તે દુઃખો નિવારી શકે છે.

જળ જેમ,અત્યંત જડપણાને લીધે,પોતાનું દ્રવ-પણું મૂકી દઈ ક્ષણ-માત્રમાં કરાઓ-રૂપ થઇ જાય છે,
તેમ,ચિદાકાશ,ક્ષણ-માત્રમાં જ અહંભાવને લીધે મન-રૂપ થઇ,દેહ-રૂપ બની જાય છે.
જેમ,આકાશની અંદર વાસ્તવિક રીતે કાળાશ ન હોવાથી તે કાળાશ અસત્ય છે,પણ આંખો વડે (ભ્રાંતિથી)_
તે કાળાશ અનુભવમાં આવવાથી તે સત્ય પણ જણાય છે,તેમ,આ પરમાત્માની અંદર જગત ભ્રાંતિથી ભાસી રહ્યું છે,તે જગત,સદરૂપ પણ નથી કે અસદરૂપ પણ નથી,પરંતુ કાંઇક અનિર્વચનીય છે.

જેમ,શૂન્ય-પણા અને આકાશનો -તથા- પવનનો અને તેની અંદર રહેલ ગતિનો કોઈ ભેદ નથી,
તેમ,બ્રહ્મ અને સૃષ્ટિ એકરૂપ છે -અને તે બંનેની વચ્ચે કોઈ ભેદ નથી.
ચિદાકાશની અંદર આ પૃથ્વી-આદિ સર્વ સૃષ્ટિ વસ્તુતઃ છે જ નહિ,પણ સ્વપ્નની જેમ આભાસ-માત્ર જ દેખાય છે,
કેવળ ચૈતન્ય-પરબ્રહ્મ પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને રહે છે અને વિવર્ત-રૂપે ભાસ્યા કરે છે.

"અમુક મનુષ્ય અમુક કામ કરે છે" એવા વ્યવહારમાં,બુદ્ધિ-આદિ અંદરની ઈન્દ્રિયોનું અને ચક્ષુ-આદિ બહારની ઈન્દ્રિયોનું,જે કાંઇ કારણ-પણું જણાય છે,તે પણ બુદ્ધિ-આદિનો વ્યાપાર છે,કે જેને (જે બુદ્ધિને) અને તે બુદ્ધિને ચેતનતા આપનાર આત્મ-તત્વ -વચ્ચે ભેદ કે અભેદ એવું કંઈ સંભવતું જ નથી.
વસ્તુતઃ તો એક આત્મ-તત્વ જ સદાકાળ હોવાથી,સર્વ (ઇન્દ્રિયો-વગેરે) માં તે જ અધ્યારોપ-દૃષ્ટિએ રહ્યું છે.

સ્વપ્નમાં જેમ,લાંબા કાળ વિના-હેતુ વિના-ક્રમ વિના-ક્ષણ-માત્રમાં,જન્મ-મરણ-આદિનો અનુભવ થાય છે,
તેમ,એ ચૈતન્યમાં કલ્પો-મહાકલ્પો તથા તેની અંદર થનાર વ્યવહારો-હેતુ કે ક્રમ વિના ભાસે છે.
પૃથ્વી,પર્વતો,ભીંતો,આ સર્વ લોકો અને સર્વ ક્રિયાઓ પણ ચિદાકાશ-રૂપ જ છે,કેમ કે ચિદાત્માને પોતાના વિશાળ સ્વરૂપમાં જ આ સૃષ્ટિનો આભાસ થાય છે.આ જગત-રૂપી-ચિત્ર,આકાશ-રૂપી-ભીંત પર ચિદાત્મા-રૂપી-રંગ વડે રંગાયેલ છે,તેનો ઉદય પણ થતો નથી કે અસ્ત પણ થતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE