Oct 18, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-953

(૩૮) ભેદ-ભ્રાંતિનો નિષેધ અને જગતનું ચૈતન્ય-પણું
વસિષ્ઠ કહે છે કે-જેમ, "માયાને દેખાડનાર અંજન" આંખમાં આંજવાથી,તે આંખ (માયાને લીધે)
આકાશની અંદર પણ પર્વતોને,વનને-વગેરેને(જગતને) દેખે છે-તેમ,ચિદાત્મા (સાક્ષી-ચૈતન્ય) પણ (માયાને લીધે) "હું બ્રહ્મ-રૂપ નથી પણ જીવ-રૂપ છું" એવી જીવ-ભાવની ભ્રાંતિથી વિક્ષેપ પામી જઈ આ જગતને દેખે છે.

બ્રહ્મની અંદર "કલ્પાયેલી સૃષ્ટિ" અને ચિત્રમાં આલેખેલી "કાલ્પનિક સૃષ્ટિ" એ બંને સમાન છે,
કેમ કે,જેમ,ભીંત પર આલેખાયેલી ચિત્ર-સૃષ્ટિ એ પોતાના અધિષ્ઠાન-ભીંત-રૂપ જ છે,
તેમ,આ સૃષ્ટિ પણ તેના અધિષ્ઠાન ચૈતન્ય-રૂપ જ છે.
વળી જેમ,ચિત્ર-સૃષ્ટિમાં વિકારનો ભાવ દેખાવા છતાં,તેના અધિષ્ઠાનમાં વસ્તુતઃ વિકાર હોતો નથી,
તેમ,આ સૃષ્ટિમાં પણ વિકારો દેખાતા હોવા છતાં તેના અધિષ્ઠાન ચૈતન્યમાં કોઈ વિકાર હોતો નથી.
આમ,આ બંને ચિત્ર-સૃષ્ટિ અને સૃષ્ટિની,સદાકાળ પોતપોતાના અધિષ્ઠાન-રૂપે જ સ્થિતિ રહેલ છે.

જેમ,ભીંત પર આલેખાયેલી ચિત્ર-સૃષ્ટિ એ વસ્તુતઃ ભીંતથી જુદી નથી,છતાં ભ્રાંતિ-વાળા અવિવેકી પુરુષને
તે જુદે-રૂપે અનુભવમાં આવવાથી જુદી લાગે છે,તેમ,અધિષ્ઠાન-ચૈતન્યમાં કલ્પાયેલી આ સૃષ્ટિ પણ વસ્તુતઃ અધિષ્ઠાન ચૈતન્ય-રૂપ જ છે અને તે અધિષ્ઠાન-ચૈતન્યથી જુદી નથી,છતાં ભ્રાંતિ-વાળા-અવિવેકી પુરુષને
તે જુદા-રૂપે અનુભવમાં આવવાથી જુદી લાગે છે.(પણ તે જુદી નથી)
જો,આમ આ સૃષ્ટિ એ (અધિષ્ઠાન ચૈતન્યથી જુદી નહિ હોવાથી) પણ પોતે અધિષ્ઠાન-ચૈતન્ય-રૂપે જ
જોવામાં આવે તો -બહારના પદાર્થો (સૃષ્ટિ) પણ સત્ય છે-એમ તમે સમજો.

અને આ રીતે જો માનવામાં આવે તો બાહ્યાર્થ-વાદીઓ (નૈયાયિકો) અને વિજ્ઞાન-વાદીઓ (બૌદ્ધો) ના
મત જોડે વિરોધ નહિ રહેતાં એક-રૂપ થઇ જાય છે,કેમ કે બાહ્યાર્થ-વાદીઓના બહાર દેખાતા દ્રવ્ય-આદિ પદાર્થો
અને વિજ્ઞાન-વાદીઓનું વિજ્ઞાન-એ બંને પણ (સત્ય કે અસત્ય-જેમ પણ કહો-તેમ  હોવા છતાં)
અધિષ્ઠાન-સત્તાથી જુદી સત્તા-વાળા નથી.અને  તે બંને સદાકાળ ચિદાત્મા-રૂપ જ છે.

(નોંધ-ન્યાય-શાસ્ત્ર (નૈયાયિકો) અનુસાર-દ્રવ્ય,ગુણ,કર્મ,સામાન્ય,વિશેષ,સમવાય અને અભાવ-આ સાત પદાર્થોને સત્ય (સાચા) માનવામાં આવેલ છે.જયારે બુદ્ધ-મત (બૌદ્ધો) કહે છે કે-જે કંઈ દેખાય છે તે જ્ઞાન છે અને જ્ઞાન સિવાય આ જગતમાં બીજું કશું છે નહિ.જ્ઞાન એટલે બુદ્ધિ (વિજ્ઞાન) કે તે પોતાની અનાદિ વાસના અનુસાર અનેક-રૂપે દેખાય છે-તેથી બહારના જે સર્વ પદાર્થો સાચા નથી પણ બુદ્ધિના આભાસ-માત્ર છે.
તેવી જ રીતે જ્ઞાન (વિજ્ઞાન) સિવાય બીજો કોઈ આત્મા કે ઈશ્વર નથી.
આ બુદ્ધ-મત કે જે વિજ્ઞાન-વાદ,અનાત્મ-વાદ,નિરીશ્વર-વાદ કે શૂન્ય-વાદ તરીકે પણ ઓળખાય છે.
આમ અહી શબ્દોનો જ ફરક છે-અધિષ્ઠાન ચૈતન્યની સત્તા સ્વીકાર કે અસ્વીકાર નો જ સવાલ છે)
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE