Oct 19, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-954


આકાશ,વાયુ,તેજ,પૃથ્વી,જળ-એ પંચમહાભૂતો ક્ષોભ (સંકોચ) પામવાના સ્વભાવ વાળા છે.તેથી તેમનો અભાવ સિદ્ધ થાય છે.એટલે બ્રહ્મ-સત્તા કે જે પરમ શાંતિવાળી છે અને શૂન્ય છતાં વિવર્ત-રૂપે મોટા આડંબરને ધારણ
કરી રહેલ છે-તે જ સર્વત્ર પ્રસરી રહેલ છે અને સર્વ જગત બ્રહ્મ-સત્તાથી જ થયેલું છે (બ્રહ્મ-જ સત્તા-રૂપ છે)
સર્વના પ્રયોજન-રૂપ,ફળ-રૂપ અને સર્વથી છેવટ રહેનાર -એ બ્રહ્મ સત્તા જ છે,
એટલે સર્વમય થઇ રહેલી અને સર્વના આત્મા-રૂપ એવી બ્રહ્મ-સત્તાને મારા નમસ્કાર છે.

અંતઃકરણમાં રહેલું "જોનાર-રૂપ ચૈતન્ય" (દૃષ્ટા) જયારે (પોતે) પ્રવાહ-રૂપે "વૃત્તિ-રૂપ-ચૈતન્ય" (વૃત્તિ) બની,
આંખ દ્વારા બહાર નીકળે છે અને "જોવાના પદાર્થ-રૂપ-ચૈતન્ય" (દૃશ્ય) સાથે એક થાય છે,
ત્યારે જ તે દૃશ્ય પદાર્થ દેખાય (દર્શન) છે.એટલે કે એ ત્રણે (દૃષ્ટા-દૃશ્ય-દર્શન) ચૈતન્ય-રૂપ જ છે.
આ ત્રણેના સંબંધથી ઉત્પન્ન થનારું તેનું "ફળ" એ સર્વ પણ જયારે ચૈતન્ય જ છે,ત્યારે
તે સર્વ (દૃષ્ટા-દૃશ્ય-દર્શન)નું પારમાર્થિક સ્વરૂપ-એ "અનુભવ-રૂપ-ચૈતન્ય" (અનુભવ) જ છે એમ સિદ્ધ થાય છે.

જેમ,શેરડી (દૃશ્ય) ને ખાતા  મનુષ્ય (દૃષ્ટા) ને (બંને ની એકતા થતાં) "હું શેરડીના સ્વાદનો અનુભવ કરું છું"
એવી પ્રતીતિ થાય છે.અને જેમ,જળ બીજા જળની સાથે યોગ થતાં એકતા પામે છે (બંને જળ એક થઇ જાય છે)
તેમ,"અનુભવ" કરનાર "દૃષ્ટા-ચૈતન્ય" એ "દૃશ્ય-ચૈતન્ય" સાથે એકતા પામે છે.
પણ,જો દૃષ્ટા અને દૃશ્ય-એ બંને ચૈતન્ય ના હોય (અને તેને જો જડ માનવામાં આવે) તો,
જેમ એક લાકડું એ બીજા લાકડાનું સજાતીય (એક) હોવા છતાં જડતાને લીધે એક થઇ શકતું નથી કે
સંધાઈ શકતું નથી,તેમ,દૃષ્ટા જો જડ (માન્યો) હોય તો જડ-દૃશ્ય નો અનુભવ કરી શકે નહિ.

આથી એ સિદ્ધ થાય છે કે-સર્વ "દૃશ્ય" અને "દૃષ્ટા" ચૈતન્ય-સ્વરૂપ છે
અને તે દૃષ્ટા "વૃત્તિ-વ્યાપ્તિ" દ્વારા,દૃશ્ય સાથે એકતાને પ્રાપ્ત થઈને તેનો અનુભવ કરે છે.
(નોંધ-ચક્ષુ-આદિ ઇન્દ્રિયોની વૃત્તિ દ્વારા પદાર્થોમાં દૃષ્ટાનું (ઉપર મુજબ) વ્યાપી જવું તે "વૃત્તિ-વ્યાપ્તિ")
આમ,જળ,વાયુ,પૃથ્વી-વગેરે સર્વ દૃશ્ય મહા-ચૈતન્ય-રૂપ છે અને દૃષ્ટામાં કલ્પાયેલાં મન,બુદ્ધિ,પ્રાણ,જીવ વગેરે
પણ મહા-ચૈતન્ય-રૂપ જ છે,કેમ કે મહા-ચૈતન્ય સિવાય બીજી કશી વસ્તુ છે જ નહિ.

પ્રાણ,મન,બુદ્ધિ-આદિની સત્તા પણ કેવળ ભાવનાને લીધે જ છે અને ભાવના એ એક જાતનો ચૈતન્યનો ચમત્કાર છે,અને ઈચ્છાને અનુસરીને ઉદય પામે છે.જેમ,વડના બીજની અંદર વડનો આત્મા સૂક્ષ્મ-રૂપથી રહેલ છે અને પાછળથી તે મોટા રૂપને ધારણ કરી લે છે,તેમ બ્રહ્મ-સતા વિવર્ત-ભાવથી આ જગતને આકારે થઇ રહેલ છે,
અને સુષુપ્તિ તથા પ્રલય-કાળમાં તે શાંત ભાવથી રહે છે.વસ્તુતઃ તો પરબ્રહ્મ નિરંતર પોતાના સ્વ-માં જ રહેલ છે.

જે જે કાર્યમાં સૂક્ષ્મ-પણાથી તેના કારણ-રૂપે રહ્યું છે,તે તે બ્રહ્મ-રૂપ જ છે.તે બ્રહ્મ અતિ-સૂક્ષ્મ આત્મા-રૂપે સર્વત્ર રહેલ છે અને તે જ પાછળથી વિવર્ત-ભાવ વડે મોટા રૂપને ધારણ કરીને,કાર્ય-વસ્તુ-રૂપે થઇ જાય છે.
એટલે સર્વત્ર બ્રહ્મ જ પ્રસરી રહેલ છે અને તે વિના બીજું કશું અસ્તિત્વ ધરાવતું નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE