Oct 23, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-958

જેમ જળની અંદર દ્રવ-પણું રહેલ છે,
તેમ,બાહ્ય-વિષય (રૂપ-આદિ),માનસિક વિષય (સંકલ્પ-વિકલ્પ-આદિ) અને બુદ્ધિ,અહંકાર-વગેરે
સર્વ ચિદાકાશ-રૂપ જ છે અને આત્માના સ્વરૂપમાં જ "કલ્પાયેલાં" છે.
જેમ,કોઈ વાઘ જેવું પ્રાણી,પોતાની સત્તા વડે જ પોતાની સત્તા-વાળા અવયવો વડે,ક્રિયા કર્યે જાય છે,તેમ, ચિદાકાશ,પોતે ખરી રીતે કર્તા નહિ હોવા છતાં,પોતાની સત્તાથી જ સત્તાવાળાં-એવાં-પંચમહાભૂતો વડે અને ભૌતિક પદાર્થો વડે ક્રિયા કર્યે જાય છે.

જેમ,નૃત્યમાં નટીના પગ મૂકવાના ક્રમ પ્રમાણે તાલ બજાવવામાં કુશળ બજવૈયો તબલાં વગાડીને,
પોતાના અભિપ્રાય પ્રમાણે તાલ બજાવે છે (અને શબ્દ કે ગાયન બોલીને ગાય છે)
તેમ જડ-પણાને લીધે પોતાની મેળે વ્યવહાર કરવામાં અસમર્થ થયેલા,આપણા (જુદાજુદા નામ વાળા) દેહમાંથી,
પોતપોતાના અર્થને બતાવનાર "હું" વગેરે જે જે શબ્દ,જીભ-વગેરે ઇન્દ્રિય હલાવવાથી નીકળે છે,
તે તે  (શબ્દો) અંદર રહેલા ચિદાત્માની સત્તાથી અને તેની ઈચ્છા અનુસાર જ બહાર નીકળે છે.

વસિષ્ઠ કહે છે કે-જેમ સ્વપ્નાવસ્થાનો અનુભવ કરનારા પુરુષને સ્વપ્ન (સ્વપ્ન-પદાર્થ) સત્ય લાગે છે,
તેમ,સંસાર-રૂપી સ્વપ્નના પુરુષોને હું (વસિષ્ઠ) સત્ય-રૂપ લાગુ છું,પરંતુ તેઓ તો મારી દૃષ્ટિમાં (સુષુપ્તિમાં)
સ્વપ્ન સમાન જ દેખાય છે.અને જ્ઞાનથી તેઓ (વસ્તુતઃ) અસત્ય (મિથ્યા) જ છે.
એ સંસારી-પુરુષોનો મારી સાથે જે વ્યવહાર થયા કરે છે,
તે મારી દૃષ્ટિમાં બ્રહ્મનો એક વિવર્ત હોવાથી,બ્રહ્મ જ બ્રહ્મની અંદર રહેલ છે.

એ લોકો તે (મારા) વ્યવહારને,ભલે સત્ય કે અસત્ય ગણતા હો તો ભલે ગણે,પણ એમની દૃષ્ટિમાં માત્ર સત્ય
ગણતા એવા વ્યવહારોનું મારે કશું પ્રયોજન નથી.હું વસ્તુતઃ મારા આ પોતાના "વસિષ્ઠ"નામના દેહ-રૂપે રહ્યો નથી.એ બ્રહ્મ-સત્તા જ કેમ જાણે (અજ્ઞાનથી) તેમને માટે "વસિષ્ઠ-આકાર-વાળી" થઇ રહી હોય તેમ લાગે છે.
મારી આ વાણી (ઉપદેશ) પણ કેમ જાણે બ્રહ્મ-સત્તા જ વિવર્ત-ભાવે તેવે રૂપે (તેમને)થઇ રહી હોય એમ ભાસે છે.
બાકી મારી દૃષ્ટિમાં એ કશું વાસ્તવિક સત્ય નથી.

"વસ્તુમાત્ર પરમ આનંદમય આત્મા-રૂપ છે" એમ જાણવાથી "દુઃખ-આદિ ઉલટી વસ્તુ" ને પણ અનુકૂળ ગણનારા,અને ચૈતન્ય-રૂપ આત્મા સાથે વૃત્તિ-દ્વારા એકરસ થઇ રહેનારા વિવેકી-પુરુષના હૃદયમાં,
ભોગ કે મોક્ષની ઈચ્છા જ કદી સ્ફૂરતી નથી.મનુષ્યોનો બંધ-મોક્ષનો ક્રમ એ કેવળ તેમના પોતાના
"સ્વ-રૂપના જ્ઞાન કે અજ્ઞાન" ને આધીન છે.છતાં લોકો તેમાં કેવાં ગોથાં મારે છે!!

અહો ! મોહનો મહિમા કેવો પ્રબળ છે! મોહને લીધે જ એક ગાયના પગલામાં સમુદ્રની ભ્રાંતિ થાય છે !
પોતાના સ્વરૂપમાં રહેવાથી સિદ્ધ થનાર અને મિથ્યા અનુભવમાં આવનારાં સર્વ દુઃખોને શાંત કરનાર,
એવા મોક્ષને મેળવવામાં ધન-મિત્ર કે ક્રિયા-વગેરે  કશો ઉપકાર (મદદ) કરી શકતા નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE