Oct 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-962

બાહ્ય-વિષયો (રૂપ-આદિ) અને માનસિક વિષયો (સંકલ્પ-વિકલ્પ-આદિ) ચિદાત્મા-રૂપી જળના એક પ્રવાહના તરંગો છે.જ્યાં સુધી ચિત્ત હોય,ત્યાં સુધી ચિદાકાશની અંદર તેની પ્રતીતિ (ઝાંઝવાના જળની જેમ) થયા કરે છે,
પણ જયારે ચિત્ત-રૂપ-સૂર્યનો અસ્ત થાય છે ત્યારે ભ્રાંતિ પણ અસ્ત થઈને જતી રહે છે.

જેમ,પવનમાં સ્વભાવિક રીતે જ ગતિ દેખાય છે,અને જે પ્રમાણે સ્વાભાવિકપણે જ પ્રકાશનો ફેલાવો થાય છે,
તેમ,સ્વાભાવિક રીતે જ પરમાત્માની અંદર ભ્રાંતિને લીધે આ જગતની પ્રતીતિ થાય છે.
પરમાત્માની અંદર આ જગત વિવર્ત-રૂપે અને કાંઇ અનિર્વચનીય રીતે રહ્યું છે.
અવિવેક (અજ્ઞાન) વડે જોતાં આ જગત આડંબર-વાળું લાગે છે,વિવેક વડે વિચારતાં જગત ક્ષણ-ભંગુર લાગે છે,
અને જ્ઞાન થયા પછી તો તે જગત આડંબર અને ક્ષણ-ભંગુરતા-એ બંને વિનાનું,ચૈતન્ય-રૂપે જ અનુભવાય છે.
શુદ્ધ,આદિ-મધ્ય-અંતથી રહિત,જ્ઞાન-સ્વરૂપ -ચૈતન્ય વિના બીજું કશું છે જ નહિ-એમ છેવટ નિર્ણય થઇ શકે છે.

એ તત્વ (ચૈતન્ય)ને કેટલાક (વેદાંતીઓ) પરમ-આનંદમય-શાંત-બ્રહ્મ-સ્વરૂપ કહે છે,
કેટલાએક (શૂન્ય-વાદીઓ) શૂન્ય-રૂપ કહે છે તો કેટલાએક (વિજ્ઞાન-વાદીઓ) વિજ્ઞાન-રૂપ (બુદ્ધિ-રૂપ)કહે છે.
એ અનંત-ચૈતન્ય-પરમ-તત્વ,"દૃશ્યના આકારની ભાવના"ને લીધે કેમ જાણે દૃશ્ય-રૂપે થઇ રહ્યું હોય અને
પોતાના વાસ્તવ-રૂપમાં રહ્યા છતાં કેમ જાણે અવિદ્યા-વડે ઢંકાયેલું હોય,તેમ બાહ્ય-વિષય-રૂપે ભાસવા માંડે છે.

જેમ,શૂન્ય-રૂપ-આકાશની સત્તા વિના વાયુનું બીજું કંઈ કારણ નથી અને વાયુની સત્તા વિના તેની ગતિનું કોઈ કારણ નથી,તેમ,ચેતનની (દૃષ્ટા કે જ્ઞાતાની)સતા વિના દૃશ્ય (જ્ઞેય) ની સતા નથી,અને તે દૃશ્યની સત્તા વિના ચિત્તની સત્તા નથી.આમ,નિરંતર  બ્રહ્મ-સત્તાને લીધે સત્તા-વાળી આ સૃષ્ટિ-રૂપી ભ્રાંતિમાં-અધિષ્ઠાન ચૈતન્ય-રૂપે "સત્ય-પણા"નો અને પોતાના સ્વરૂપ વડે "અસત્ય-પણા"નો-એમ બે રીતે નિર્દેશ કરવામાં આવે છે.
(નોંધ-આમ બે રીતે નિર્દેશ થતો હોવાથી,જે લોકોને વિરોધાભાસ લાગે છે,તેની સત્યતા આ છે)

જો કદાચિત જડ-ચેતનના દ્વિત્વ-કે એકત્વની "આપોઆપ સત્તા" હોય,તો આ સૃષ્ટિ-રૂપી-શાંતિમાં દેખાતો અર્થ હજી કંઇક પણ સંભવી શકત,પણ મહા-ચિદાકાશની અંદર દ્વિત્વ-એકત્વની કલ્પના કેમ થઇ શકે?
એટલે આ જગત,કે જે જોવામાં આવે છે,તે પરમ ચિદાકાશ જ વિવર્ત-ભાવથી ચોતરફ પ્રસરી રહેલ છે.
જગત અને જગદીશ્વર (પરમાત્મા) એ બંનેનું દ્વિત્વ (જુદા-પણું) એ કહેવા માત્ર જ છે.વસ્તુતઃ તે દ્વિત્વ નથી.

ત્રણે કાળ (ભૂત-ભવિષ્ય-વર્તમાન)માં નિરંતર,સત્ય-પરમ-તત્વ તો ચૈતન્ય જ છે,અને તેમાં દ્વિત્વ (બે-પણું)
અસંભવિત છે.પણ તે જ તત્વ અવિદ્યાને લીધે (જગતની કલ્પનાને લીધે) જગત આકારે ભાસ્યા કરે છે.
"કારણ-રૂપ-પરમાત્મામાં કાર્ય-રૂપે જગત,અમુક દેશ-કાળના યોગે સત્ય-રૂપે જુદું રહ્યું છે"
એવી શંકા અહી લાવવી પણ સંભવતી નથી,કેમ કે,તે અદ્વિતીય તત્વની અંદર કાર્ય-કારણ તથા ભેદ-અભેદ
એ બંને અસંભવિત જ છે.અને કદાચ કાર્ય-કારણ-ભાવ માનવામાં આવે તો તે "કલ્પિત" જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE