More Labels

Oct 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-963

મહા-વિશાળ ચિદાકાશની અંદર આ સૃષ્ટિ વિવર્ત-રૂપે ભાસી રહી છે,બાકી વસ્તુતઃ તે પ્રકાશમય ચૈતન્ય જ છે.
જેમ,પાષાણમાં કોતરાયેલી મૂર્તિ,એ પાષાણ-રૂપ જ છે.તેમ,આ સૃષ્ટિ પરમાત્મામાં કલ્પાયેલી હોવાથી પરમાત્મા-રૂપ જ છે.આવી રીતે સૃષ્ટિનું વાસ્તવ-તત્વ જાણવામાં આવે તો,જગત એ અધિષ્ઠાન ચૈતન્યમાં જ લય પામી ગયેલું દેખાય છે.બહારની (કાયિક-વાચિક-વગેરે)અને અંદરની (માનસિક) ચેષ્ટાઓનો ત્યાગ કરવાથી સિદ્ધ થનારી સંકલ્પ-રહિત દશા વડે અનુભવમાં આવતું પરબ્રહ્મ જ (સંસારને બાધિત કરી) છેવટે અવશેષ રહે છે.

મીંચેલી આખોવાળા પુરુષની પાસે બાહ્ય-વિષયો (રૂપ-આદિ) હોતા નથી(એટલે કે તે કોઈ બહારના રૂપને જોઈ શકતો નથી) તેમ છતાં,તેના ચિત્ત (મન) માં,ભ્રમથી તેને તે (મિથ્યા) બાહ્ય વિષયોની પ્રતીતિ કરી શકે છે,
તે જ પ્રમાણે ખુલ્લી આંખોવાળા પુરુષને,સ્વપ્ન અને જાગ્રતમાં,પાસે ન રહ્યા હોય,તેવા રૂપ-આદિ (મિથ્યા) વિષયોને જુએ છે-તે એક મનનો ભ્રમ જ છે કે જે ભાવનાને લીધે અનુભવમાં આવે છે.

માટે ભાવનાને શાંત કરી દઈને,સ્વરૂપ-સ્થિતિમાં શિલાની જેમ અચળ રહેવું,
પણ અંદર શિલાના જેવા જડ ના રહેતાં,પોતાના સ્વરૂપનું જ અવલંબન રાખવું.
બોધ (જ્ઞાન) થવા માટે "બુદ્ધિ" વડે તમારા "અંતરાત્મા-રૂપ-પરમેશ્વર"ની વિવેક-રૂપી પૂજન-સામગ્રીથી પૂજા કરતા રહો.જો વિવેકથી પોતાના અંતરાત્માની પૂજા કરવામાં આવે,તો તે નિરતિશય આનંદ-રૂપી-વરદાન આપે છે.
અને આ અંતરાત્માની પૂજા આગળ શિવ-વિષ્ણુ-આદિ દેવોની પૂજા જીર્ણ ઘાસના તરણા જેવી તુચ્છ છે.

હે રામચંદ્રજી,પોતાના અંતરાત્મા-રૂપી-ઈશ્વરની જો વિચાર,શાંતિ અને સત્સંગ-રૂપી-પુષ્પના ઉપહાર વડે,પૂજા કરવામાં આવે તો તે તત્કાળ મોક્ષ-રૂપી ફળ આપે છે.સત્ય તત્વને દેખાડી આપનાર વિવેકથી જ જો પોતાના અંતરાત્માની પૂજા કરવામાં આવે તો તે અતિ-ઉત્તમ ફળ આપે છે.
આમ જો પોતાનો અંતરાત્મા જ ઈશ્વર-રૂપ છે તો પછી કયો મૂઢ પુરુષ બીજાનો આશ્રય કરે?

ક્ષુદ્ર ચિત્ત-વાળા દુષ્ટ પુરુષો દેશ-કાળ-પાત્ર વગેરેનો વિવેક રાખ્યા વિના,ભલે દેવ-પૂજન,તપ,તીર્થ કે અતિદાન કરે તો પણ તે નિરર્થક છે અને ભસ્મમાં હોમ કર્યા બરાબર છે.પરંતુ જો એ સર્વ પૂજન-વગેરે વિવેક વડે કરવામાં આવે તો જ તે સફળ થાય છે.આમ જો વિવેકનું જ પ્રાધાન્ય છે,તો પછી વિવેકને જ સ્પષ્ટ-પણે શા માટે સાધી ના લેવો?

પરબ્રહ્મનું યથાર્થ જ્ઞાન થાય,એ પછી વાસનાનો ક્ષય કરનારા ઉત્તમ પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કરવા માટે જે યત્ન કરવામાં આવે છે-તે "વિવેક" શબ્દથી કહેવાય છે.તે વિવેક ચિત્ત-શુદ્ધિ થતાં ઉદય પામે છે.

જે રીતે ફરીવાર વિષય-સંબંધી-ભ્રાંતિ-વડે એ વિવેક શોષાઈ ના જાય,તે રીતે,અંદર શાંતિ-રૂપી અમૃત વડે પોષણ આપી,તે વિવેકને વધાર્યા કરવો.તત્વનું યથાર્થ જ્ઞાન થતાં,દેહ-સત્તાનો અનાદર કરી દેવો અને લજ્જા,ભય,ખેદ,ઈર્ષા,સુખ તથા દુઃખ-એ સર્વેને એક સાથે જીતી લેવાં.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE