Nov 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-967

જે વિષયો (શબ્દ-આદિ)નો ભોગ અવિવેકી પુરુષને જાગ્રત-અવસ્થા-રૂપે અનુભવવામાં આવે છે,
તે ભોગ (પાસે હોયતો પણ) વિવેકી પુરુષની દૃષ્ટિમાં (ચિત્રમાં આલેખાયેલા નૃત્ય-વગેરેની જેમ) છે જ નહિ.
દુઃખ પેદા કરનારા આ ત્રણે લોક અવિવેકીઓને જ સત્ય ભાસે છે,વિવેકીઓને નહિ.
જેમ,સ્વપ્નમાં અનુભવાતા ભોગો "એ સ્વપ્ન હતું" એવું જ્ઞાન થયા પછી,(તે ભોગો) રુચિ પેદા કરી શકતા નથી,તેમ,જાગ્રત-રૂપી-સ્વપ્ન-અવસ્થામાં અનુભવાતા ભોગો "આ જાગ્રત પણ એક જાતના સ્વપ્ન જેવું છે"એવું જ્ઞાન થયા પછી (તે ભોગો) રુચિ પેદા કરી શકતા નથી

જે વિવેકી પુરુષના ચિત્તમાં ભોગો સ્ફૂરતા નથી કે ભોગોમાં જેને રુચિ થતી નથી,તેવો પોતાના આત્મ-સુખમાં
મગ્ન અને મુક્ત દશાને પહોંચી ગયેલ,સર્વત્ર સમ-દૃષ્ટિવાળો,કોઈની સાથે કશો પણ વિરોધ નહિ કરનારો,
અને પરમાત્મામાં શાંત થઇ ગયેલો -એ તત્વજ્ઞ સદાકાળ શીતળ અંતઃકરણવાળો જ રહે છે.
વિષયો તરફ નહિ ખેંચાતાં,તેવા વિવેકીની ધ્યાન વિના બીજી સ્થિતિ સંભવતી નથી,
અથવા તો,એવા પુરુષની ધ્યાન વિના પણ સદાકાળ એક-સરખી (શાંત) સ્થિતિ રહ્યા કરે છે.

બહારના પદાર્થો "મન-રૂપ" છે અને મન છે તે જ "બહારના પદાર્થો-રૂપ" છે.
તે ચિત્ત જ બહારના અને અંદર પદાર્થોના રૂપનો આભાસ આપે છે.અનેક અર્થ-અનર્થો વડે વીંટાયેલુ મન જ
બહારના અને અંદરના સર્વ પદાર્થોના આકારે પ્રસરી રહ્યું છે,અને બીજા કશા પદાર્થોનો તેમાં ભાસ નથી.
જેમ જળ અને તરંગ જુદા ના હોવાથી,બેમાંથી એકના અભાવથી બંનેનો અભાવ થઇ જાય છે,
તેમ,પદાર્થ અને મન જુદા ના હોવાથી એકનો અભાવ થતાં બંનેનો અભાવ થઇ જાય છે.

વિચાર કરતાં,જેનું સ્વરૂપ "સંકલ્પ-રૂપ" (આભાસ-રૂપ) જ છે-તેવા પદાર્થની,વિવેકી પુરુષે ઈચ્છા કરવી નહિ.
તેણે જ્ઞાન વડે મનને પણ નિયમમાં રાખવું,એટલે મન અને પદાર્થ-એ બંનેની શાંતિ થઇ જાય છે.
એ તત્વવેત્તા પુરુષની પરમાર્થ દૃષ્ટિમાં તો એ પદાર્થો અને મન-એ બંને,સદાકાળ બ્રહ્મ-રૂપે જ છે.
તત્વજ્ઞના વિચાર પ્રમાણે,બ્રહ્મ એ જ્ઞાનનો વિષય નથી,છતાં તે સ્વયંપ્રકાશ હોવાથી,જાણે પદાર્થોના આકારે
થઇ રહેલું ભાસે છે,અને તે સર્વના અધિષ્ઠાન-રૂપ-નિરાકાર બ્રહ્મ જ આ સૃષ્ટિમાં વિવર્ત-રૂપે ફેલાઈ રહેલું છે.

તેવી જ રીતે,મન પણ નામ-રૂપથી રહિત,વિભાગથી રહિત અને અનંત એવા પરમ-તત્વ-રૂપ છે.
કેમ કે,નિર્મળ બ્રહ્મ-તત્વ-રૂપી જળ જ જાણે મન-બુદ્ધિ-રૂપી-તરંગો-રૂપે થયેલ હોય તેવું છે.
તો પછી બહારના પદાર્થો અને મન (ખુદ બ્રહ્મરૂપ હોવાથી-છે જ નહિ તો) બ્રહ્મની અંદર હોવા ક્યાંથી સંભવે?
આ બધી કેવળ ભ્રાંતિ જ છે,માટે તમે પોતાના આત્મ-સ્વ-રૂપમાં જ સ્થિર થઈને રહો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE