Nov 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-969

વસિષ્ઠ કહે છે કે-કોઈ જાતના દુઃખને લીધે અથવા તો પ્રારબ્ધના યોગથી,પોતાની મેળે જ,
સંસાર પ્રત્યે જે ઉત્કટ વૈરાગ્ય થઇ આવે છે-તે સમાધિ-રૂપી-કલ્પવૃક્ષનું બીજ છે-એમ વિદ્વાનો સમજે છે.અને મન (ચિત્ત) એ કલ્પવૃક્ષના ઉગવાનું ક્ષેત્ર (ભૂમિ) છે.
આ બીજ(વૈરાગ્ય) વિવેક વડે શુદ્ધ થયેલી ચિત્ત(મન) ભૂમિ પર,આપોઆપ પડે છે.
પોતાની ચિત્ત-રૂપી-ભૂમિ (ક્ષેત્ર) માં પડેલા સમાધિના એ વૈરાગ્ય-રૂપી બીજને,વિવેકી (બુદ્ધિમાન) પુરુષે,કામ-ક્રોધ-આદિના વેગને સહન કરી,કશા ખેદને પ્રાપ્ત ના થતાં (નીચે કહેલ મુજબ)નિરંતર સિંચ્યા કરવું.

તેમાં (તે ચિત્તમાં) પ્રથમ,શુદ્ધ-પવિત્ર એવા સત્સંગ-રૂપી ક્ષીર વડે તેનું સિંચન કરવું,
પછી શ્રુતિનાં વચન (નેતિ નેતિ-વગેરે) વડે સર્વ દ્વૈતનો નિષેધ કરીને,
અંદર આત્મ-તત્વનો બોધ કરનારા શ્રવણ-મનન આદિ શાસ્ત્રાર્થ-રૂપી ઉત્તમ જળ વડે તેનું સિંચન કરવું.
આમ,આ "સંસાર પ્રત્યેનો વૈરાગ્ય -એ-સમાધિ-રૂપી-વૃક્ષના બીજરૂપ છે અને તે ચિત્ત-ભૂમિ પર પડે છે"
એમ સમજી,મહા-બુદ્ધિશાળી વિવેકી પુરુષે યત્નથી તેની રક્ષા કરવી.

એ બીજ (વૈરાગ્ય) ને ખીલવવા માટે ચિત્ત-ભૂમિમાં "તપ-રૂપી ખાતર" નાખવું,
અને "અમાનિત્વ-અદંભીત્વ-વગેરે જ્ઞાન-સાધનોના બળ-રૂપી-કાંટાની વાડ" કરી તેની રક્ષા કરવી.
અને આ મુજબ વૃદ્ધિના ઉપાય અને રક્ષણ વડે એ વૈરાગ્ય-રૂપી-બીજને ખીલવવું
અને પછી એ બીજના રક્ષણ માટે "સંતોષ-નામનો-પરિપાલક" (રખોપું કે ધ્યાન રાખનાર) રાખવો.

વૈરાગ્ય-રૂપી-બીજમાંથી થયેલ "સમાધિ-રૂપ-અંકુર" પર ઝડપ મારવાને પ્રથમથી જ તૈયાર ઉભેલા,
"આશા-આસક્તિ-કામ-ગર્વ-આદિ-રૂપી પક્ષીઓ"ને એ પરિપાલકે (સંતોષે) ઉડાડી મૂકવાં જોઈએ.
અહી,"અહિંસા" એ મુખ્ય હોવાથી (કોઈને મારવાના નથી પણ) કોમળતા-વાળી અને
"યમ-નિયમ-આસન-પ્રાણાયામ-ઈશ્વરભક્તિ-આદિ શુભ-કર્મરૂપ" દંતાળી (માટી ખોદવાનું સાધન) વડે
અંકુરની આસપાસ ખોદીને,તે અંકુરના ક્ષેત્રમાંથી "રજોગુણ-રૂપ-કચરા" ને દુર ફેંકી દેવો.
વળી,"વિવેક-રૂપી-સૂર્ય" ના તડકા વડે "અજ્ઞાન-રૂપી અંધકાર"ને પણ ત્યાંથી હટાવી દેવો.

આમ,જયારે,વિવેકી પુરુષની ઉત્તમ ચિત્ત-ભૂમિમાં,એ વૈરાગ્ય-રૂપી-બીજના અંકુર ફૂટે છે,ત્યારે તેની ઉપર પાપ-રૂપી-વાદળોએ નીચે નાખેલા પાપ-રૂપ-પાણીના,સંપત્તિઓ-સ્ત્રીઓ-વગેરે-રૂપી પ્રહારો પડે છે.
તે વખતે "પ્રણવના અર્થરૂપ-ત્રિશુળ"ને ધારણ કરીને,ધૈર્ય,ઔદાર્ય,અને દયા-રૂપી "મંત્રો"થી,
અને જપ,તપ તથા ઇન્દ્રિય-દમનથી--તે પ્રહારો (સંપત્તિ-સ્ત્રી-વગેરે)ને દૂર કરવા.

આવી રીતે વૈરાગ્ય-રૂપી-બીજમાંથી થયેલ સમાધિ-રૂપ-અંકુરની રક્ષા કરવામાં આવે તો,
(બીજા) "વિવેક-રૂપી-અંકુર"નો ઉદય થાય છે
અને તે ચિત્ત (ભૂમિ) તે વિવેકના પ્રકાશથી વિકસિત થઇ અતિ દેદીપ્યમાન બની રહે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE