More Labels

Nov 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-970

એ વિવેક-રૂપી અંકુરમાંથી પોતાની મેળે જ (એક) શાસ્ત્રોવલોકન (શાસ્ત્રો વાંચવાં) અને (બીજું) સત્સંગ-એ નામનાં બે પાંદડાં ફૂટે છે,પછી તે અંકુરનું થડ બંધાય છે,કે જે થડની છાલ સંતોષ-રૂપી છે,અને તે વૈરાગ્ય-રૂપી-રસ વડે સીંચાયેલ છે.આમ તે અંકુરનું મૂળ દ્રઢ થઈને સારી રીતે વધવા માંડે છે. અને તે (પૂર્ણ વૃક્ષને) રાગ-દ્વેષ-રૂપી-વાંદરાઓ કંપાવે તો પણ તે જરા પણ કાંપતું નથી.

હવે તે વૃક્ષનો આકાર,(શ્રવણ-મનન-આદિથી થયેલા)પરોક્ષ જ્ઞાન-રૂપી-સિંચનથી સુંદર દેખાવા માંડે છે.તે વૃક્ષને (આત્મ-તત્વનો) અનુભવ,સત્યતા,આત્મ-નિષ્ઠા,ધીરતા,નિઃસંકલ્પતા,સમાનતા,શાંતતા,મૈત્રી,કરુણા,કીર્તિ
અને આર્યતા-રૂપી શાખાઓ નીકળવા માંડે છે.સદગુણ-રૂપી પાન-વળી અને યશ-રૂપી-પુષ્પને ધારણ કરી રહેલી તે સર્વ શાખાઓ વડે વિસ્તરી ગયેલું,એ જિતેન્દ્રિય-વિવેકી-પુરુષનું સમાધિ-રૂપ-વૃક્ષ,બહુ રમણીય દેખાય છે.
અને દિવસે દિવસે વધીને બ્રહ્મના-સાક્ષાત્કાર-રૂપી-ફળને આપી ઉત્તમતાને પામે છે.

આ સમાધિ-રૂપ-વૃક્ષ,મનુષ્યની સર્વ તૃષ્ણાઓ (આશાઓ) ને શાંત કરી દે છે,
સંસાર-સંબંધી સર્વ તાપોને શમાવી દે છે,શાંતિ-રૂપી છાયાનો વિસ્તાર કરે છે અને ચિત્તની સ્થિરતા લાવે છે.
તે વૃક્ષની છાયાના વિસ્તારથી -વિવેકી પુરુષનું હૃદય-રૂપી-વન શોભી રહે છે,
અને તે વનમાં આધ્યાત્મિક-આદિ તાપને હરણ કરનારી શીતળતા ચારે બાજુ ફેલાઈ જાય છે.

એ સમાધિ-વૃક્ષની છાયાની નીચે સંસાર-રૂપી-જંગલોની અંદર
ભટકી-ભટકીને થાકી ગયેલો,"મન-રૂપી-મૃગ" સુખેથી પોતાનો થાક ઉતારે છે.
જન્મથી માંડીને (વટેમાર્ગ-રૂપે) ભવાટવીમાં ભટકી-ભટકીને જીર્ણ થઇ ગયેલા આ મન-રૂપી-મૃગને,
દૈવ-યોગથી કોઈ વખત સારો માર્ગ મળી જાય છે,તો પણ જુદા જુદા અનેક પ્રકારના "વાદીઓ"ના
કોલાહલથી વ્યાકુળ થઈને તે,તે સન્માર્ગને ભૂલી જાય છે.તેના શરીરના "સત્તા-રૂપી-મૃગચર્મ"ને ઉખેડી લેવા
કામ-ક્રોધ-લોભ,મોહ,મદ,મત્સર (એ ષડવર્ગ)-રૂપી-પારધીઓ તેના પર ટાંપી રહ્યા હોય છે.

પોતાના રૂપને ઢાંકી દેવા તે મૃગ,(અનેક પ્રકારના આકારવાળાં) અસાર-શરીર-રૂપી-કાંટાઓની વાડમાં વારંવાર સંતાઈ જાય છે,પરંતુ રાગ-દ્વેષ-રૂપી કાંટાઓમાં તેનું મુખ આવી જવાથી તે સપડાઈ જાય છે.
તે સંસાર-રૂપી અરણ્યની અંદર પ્રસરી રહેલ વાસનાના પવનને આધીન થઈને રહે છે.એ અહંકાર-રૂપી-ઝાંઝવાની નદીને દેખી,તે તરફ દોડે છે.તૃષ્ણા-રૂપી દાહથી વ્યાકુળ થયેલ તે મૃગને થોડાથી સંતોષ થતો નથી,એટલે તે અતિ-વિસ્તાર-વાળા-ભોગોમાં જ આદર (ઈચ્છા) રાખે છે.વિષયો તરફ દોડીદોડી તેનું શરીર શિથિલ થઇ જાય છે.

પુત્ર-સ્ત્રી વગેરના સંબંધોમાં અને સમૃદ્ધિ (ધન) વગેરેમાં આસક્તિને લીધે,તે અનર્થો-રૂપી ખાડામાં પડીને,
તે લૂલો-લંગડો થઇ જાય છે.તૃષ્ણા-રૂપી-સુશોભિત-નદીમાં,તે સુખની આશાથી પડે છે,પણ ક્ષુધા,તૃષા,શોક,મોહ,જરા,મરણ-આદિ તરંગો તેને વારંવાર દૂર ફેંકી દે છે.વ્યાધિઓ-રૂપી-દુષ્ટ-પારધીઓના
હાથમાં સપડાઈ ના જવાય-તે સારુ,તે પોતાના અવયવોને સંકોચી,ભયાતુર બનીને આમતેમ દોડ્યા કરે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE