Nov 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-975

વિવેકીને આ સંસારની સ્થિતિ મનોમય (મનથી બનેલ કે સ્વપ્ન જેવી) ભાસે છે અને પરમાત્માની અંદર આરોપિત થયેલી છે એમ તેને જણાય છે.જ્ઞાનનો ઉદય થતાં તેને જગતની સ્થિતિ કે અહંકાર-એ કશું પણ દેખાતું નથી.
તેનું શરીર જો કે પ્રારબ્ધનો નાશ થતા સુધી આભાસ-રૂપે બીજાઓની નજરે આવે છે,
પરંતુ તેની અંદરની સ્થિતિ કોઈ અપૂર્વ જ હોય છે.જેમ,સાતમી ભૂમિકામાં આરૂઢ થયેલો સમાધિ-નિષ્ઠ પુરુષ,જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિના સ્વભાવને જાણતો નથી,તેમ પરિપક્વ જ્ઞાનવાળો પુરુષ પણ લોકોત્તર સ્થિતિને પહોંચી ગયેલ હોવાથી જગતની સત્તા-અસત્તાને જોતો નથી.

વસ્તુતઃ તો વાસના જ મન-રૂપ છે -એટલે વાસના અને મન-એ બંને અવસ્તુ-રૂપ કે મિથ્યા હોવાથી,
જયારે  "પોતાના વિચાર" વડે તે બંને નાશ પામે છે,એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે.
મોક્ષની ઈચ્છા-વાળાઓ,એ મન-રૂપી-મૃગ,ઉપર કહ્યા પ્રમાણે ક્રમથી (પોતાની મેળે જ ધારણ કરી રહેલા
સમાધિ-રૂપ વૃક્ષના અંકુરથી ફળ સુધી) અખંડ બ્રહ્માકાર વૃત્તિ વડે અનુભવમાં આવતા પરમાનંદ-રૂપી,
અતિ શ્રેષ્ઠ ફળનું ભક્ષણ કરીને સંસાર-રૂપી-બેડીથી મુક્ત થઇ જાય છે.

(૪૬) સમાધિનું ફળ

વસિષ્ઠ કહે છે કે-પરમાર્થ-રૂપી-ફળનો સાક્ષાત ઉપભોગ કરવાથી મન (ચિત્ત) મોક્ષને પામે છે,
એટલે છેવટની આત્મ-સાક્ષાત્કાર કરનારી વૃત્તિ પણ અસત્ય ભાસે છે.અને એ મન-રૂપી-મૃગ,આત્મ-રૂપ
થઇ જાય છે.પછી તે મન-રૂપી-મૃગ-પણું પણ (ખૂટી ગયેલા તેલવાળા દીવાની જેમ) કોણ જાણે ક્યાંય જતું રહે છે,
અને તેને (મન-રૂપી-મૃગને) અનંત પ્રકાશ કરનારી પરમાર્થ-સ્થિતિ (બ્રહ્મ) જ પ્રાપ્ત થાય છે.

સમાધિ-રૂપી-કલ્પવૃક્ષના પરમાર્થ-રૂપી-ફળને પામ્યા પછી,મન આત્મભાવને પ્રાપ્ત કરે છે અને વજ્રના જેવી
અચળ સ્થિતિ ધારણ કરે છે.ત્યારે તે મનનું "બાહ્ય-પદાર્થોનું મનન કરે એવું મન-પણું" ક્યાંય ભાગી જાય છે.
અને શુદ્ધ બોધ (જ્ઞાન) જ અવશેષ રહે છે કે જે બોધનો કોઈ વખતે ય પણ બાધ થઇ શકતો નથી.
તે નિરઅવયવ (અવયવ વિનાનો),અનંત,પૂર્ણ છે અને કોઈ પણ વિભાગ વિનાનું ચૈતન્ય-સ્વરૂપ છે.

ચિત્તની અંદર જે ચિદાત્માની જે કંઈ સત્તા રહી છે-તે જ્ઞાન વડે ચિત્તનો બાધ થઇ જતાં,તેનાથી જુદી જણાય છે,
અને શુદ્ધ ચૈતન્ય-રૂપે (ચૈતન્ય-સત્તા-રૂપે) પાછી ઉદય પામતી હોય,એવી દેખાય છે.
આમ,તે (ચૈતન્ય-સત્તા) અનાદિ તથા અનંત-પણે "પરમાર્થનો પ્રકાશ-થવા-રૂપી સ્વચ્છ ફળ"ને આપે છે.

સર્વ ઈચ્છા-માત્ર નાશ પામી ગયા પછી,અનાદિ-અનંત-એવું "આત્મ-ધ્યાન" જ સહજ-રીતે-અવશેષ રહે છે,
અને તેમાં (તે ધ્યાન પામવામાં) કશો વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી.(આપોઆપ ધ્યાન થાય છે)
જ્યાં સુધી બ્રહ્મનું ખરું સ્વરૂપ ઓળખવામાં આવતું નથી અને પરમપદમાં શાંતિ મળી નથી,ત્યાં સુધી જ,
મન વડે બાહ્ય-પદાર્થોનું મનન થયા કરે છે,અને જેથી ધ્યાનનો અનુભવ થતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE