Nov 12, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-978

આત્માના સ્વરૂપને ઓળખી ગયેલા (અને જેથી જડતાથી રહિત થયેલા) એ વિવેકી પુરુષને અંદર,સહુ પ્રથમ સંસાર પ્રત્યે વૈરાગ્ય જ ઉત્પન્ન થાય છે,અને પછી તે સત્સંગતિનો આશ્રય કરે છે.સત્સંગતિ વડે ઉદાર બુદ્ધિવાળો થયેલ તે મહાન પુરુષ શાસ્ત્ર-વિચાર અને શાસ્ત્રમાં બતાવેલ શમ-દમ-આદિ ગુણોમાં નિમગ્ન રહે છે.
તેવા વિવેકી પુરુષને પ્રથમ તો દ્રવ્ય (ધન) લેવાની (કમાવાની) ઈચ્છા પર વિરામ થઇ જાય છે
અને ઈશ્વરે,પોતાને જે કંઈ આપેલ હોય તેટલાથી જ સંતોષ પામે છે.

પારકું (બીજાનું) દ્રવ્ય લઇ લેવાની ક્રિયાથી પણ વિરામ પામેલો અને "સંતોષ"-રૂપી અમૃત વડે ભરપૂર થઇ રહેલો,
તે વિવેકી પુરુષ ક્રમે કરીને પોતાના "સ્વાર્થ"ની પણ ઉપેક્ષા કરવા ઈચ્છે છે.
કોઈ તેની પાસે યાચના કરવા આવે તો દાણા,શાક-વગેરે પોતાની પાસે જે કંઈ સર્વ હોય તે આપી દે છે.
વિવેકને અનુસરવાથી,ક્રમે કરીને પરમાત્મામાં જ વિલીન ચિત્ત-વાળા થયેલા વિવેકી પુરુષોનું અજ્ઞાન,
ધીરેધીરે હળવું થઈને,ક્રમથી નાશ પામે છે.અને તેમને પરમ-પદમાં વિશ્રાંતિ મળે છે.

દ્રવ્ય (ધન) ને ભેગું કરવું,તેનું રક્ષણ કરવું અને તેનો વ્યય થવો-વગેરેમાં રાજા (કર લઈને) ચોર (લુંટીને) વગેરેનો
ભય  જેવી અનેક આપત્તિઓને લીધે દ્રવ્ય અનેક અનર્થોથી વ્યાપ્ત છે અને ભોગો પણ મહા-રોગો જેવા છે.
વિવેકથી જોતાં એ સર્વ (સંપત્તિ-ભોગ-વગેરે) નિઃસાર છે.
જ્યાં સુધી ચિંતા અને વિષયાનુરાગ વડે પોતાનું દુષ્ટ પ્રયોજન સિદ્ધ કરવા માટે,
મનુષ્ય દ્રવ્ય(ધન)રૂપી-અર્થને ઈચ્છતો નથી,ત્યાં સુધી ત્રણ પ્રકારના તાપો વડે થનારા શોકને તે પ્રાપ્ત થતો નથી.

ઘણા લાંબા કાળ સુધીના (અનંત) મોક્ષ-સુખને જે ઈચ્છતો હોય,તેણે,ધનને તૃણ જેવું તુચ્છ સમજવું,તેમજ તૃષ્ણાને ત્યજી દઈને શાંત થઈને રહેવું.આ જગતમાં જરા અને મરણ વડે વીંટાયેલાં મનુષ્યોને અજરામર કરવા માટે
સંતોષ-એ પરમ રસાયણ (દવા) રૂપ છે.સંતોષ મહા-સુખને આપનાર છે,અને તેનાથી અંતઃકરણ પૂર્ણ થઇ રહે છે.
ધનનું ઉપાર્જન કરવામાં અને તેની રક્ષા કરવામાં રહેલી પીડાને જાણ્યા છતાં પણ,
જે મૂઢ પુરુષ,તેની ઈચ્છા કરે છે,તે પુરુષ-પશુનો ઓળો (પડછાયો) પણ લેવો નહિ.

જે વિવેકી પુરુષ ઇન્દ્રિયોના બાહ્ય (ચક્ષુ-આદિ) અને માનસિક (સંકલ્પ-વિકલ્પ-આદિ) વ્યાપારોને મૂળ-સહિત,
એક જ સમયે વૈરાગ્ય-રૂપી દાતરડા વડે છેદી નાખે છે,તેનું હૃદય-રૂપી ક્ષેત્ર,જ્ઞાનથી નિષ્કલંક ઝળકી રહે છે.
આમ,ઉપર મુજબ,પ્રથમ સંસાર સંબંધી વૈરાગ્ય-દશા મેળવવી,અને તે દ્વારા સત્સંગતિ મેળવી ઉત્તમ શાસ્ત્રોનો અભ્યાસ કરવો.આ ક્રમથી યોગ્ય અધિકારી પુરુષ પોતાના પારમાર્થિક સ્વરૂપને પ્રાપ્ત થાય છે.

(૪૮) વિવેકીની સ્થિતિ અને જ્ઞાનની દૃઢતા

વસિષ્ઠ કહે છે કે-સંસાર પરનો વૈરાગ્ય દૃઢ થવાથી,નિત્ય સત્સંગતિ રહેવાથી,બુદ્ધિ વડે શાસ્ત્રના શુભ અર્થની ભાવના કરવાથી,ભોગોની તૃષ્ણા ન રહેવાથી,સજ્જનતાનો ઉદય થવાથી,પ્રકાશ પ્રગટવાથી અને હૃદયમાં જ્ઞાનનો ઉદય થવાથી,વિવેકીઓ ધનની ઈચ્છા કરતા જ નથી,અને જે ધન હોય તેનો પણ ત્યાગ કરી દે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE