Jan 19, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1044






આ બાબતમાં અખંડ દૃષ્ટાંત જોઈતું હોય તો,તે સ્વપ્નમાં દેખાયેલ પર્વતનું છે.
જે પરમ-ચિદાકાશ વિષે વારંવાર કહેવામાં આવેલું છે,તેનું જ અહીં રુદ્ર-રૂપે વર્ણન કરવામાં આવ્યું છે.
એ રુદ્ર (શિવ કે મહેશ) સદા કાળ અવિનાશી છે,એ જ વિષ્ણુ-રૂપ છે અને એ જ બ્રહ્મા-રૂપ છે.
મિથ્યા ભાવના (કલ્પના)ને લીધે,બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-આદિની સંજ્ઞાથી તે તેવા આકાર વડે દેખાય છે,
પણ એ સર્વ ચિદ-રૂપ છે,એવો બોધ થતાં,તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-આદિ સર્વ ચિદ-રૂપ જ જણાય છે.
આમ,વસ્તુતઃ ભેદ (અદ્વૈત-દ્વૈત) જેવું કશું છે જ નહિ,માટે જ્ઞાન વડે આ સમજી શાંત થઈને રહેવું.

જ્યાં સુધી જીવ,પોતાના પરમ-નિર્વિકાર-સ્વરૂપને જાણતો નથી અને તદ્રુપતાને પ્રાપ્ત થતો નથી,
ત્યાં સુધી જ તે આ સંસાર-રૂપી-મહાસાગરમાં પોતે અનેક તરંગ જેવો થઈને રહે છે.
પરંતુ જ્ઞાન થતા એવી પરમ શાંતિ મળે છે કે તેને મહાસાગર કે તરંગ એ કશું જ જણાતું નથી.
અને તેની દૃષ્ટિમાં તો આ સર્વ (જગત) યથાસ્થિત-પણે (સ્થિતિમાં) રહેલું હોવા છતાં,
શાંત અનંત અને પરમ ચિદાકાશ-રૂપ જ દેખાય છે.

(૮૩) કલ્પના-દૃષ્ટિથી ચિદાકાશ જ અનેક સ્વરૂપે ભાસે છે  

વસિષ્ઠ કહે છે કે-તે વખતે જે રુદ્ર-રૂપે નૃત્ય કરતા હતા અને જેને 'શિવ' એવા નામથી પણ કહેવામાં આવે છે,
તે પરમ ચિદાકાશ-રૂપ જ છે,એમ મારું કહેવું છે.એ રુદ્રની જે આકૃતિ કહેવામાં આવી હતી તે વસ્તુતઃ
આકૃતિ હતી જ નહિ પણ ચિદ-રૂપે સર્વત્ર ભરપુર થઇ રહેલું ચિદાકાશ જ એવા આકારે વિવર્તભાવથી થઇ રહેલું
જણાતું હતું.અને તે હું (તત્વજ્ઞપણાથી) જાણતો હતો,પણ બીજા અજ્ઞાનીથી આ વાત સમજી શકાતી નથી.

જેમ,એ પ્રલયકાળ,એ રુદ્ર,એ ભૈરવીદેવી (કાળરાત્રિ)  માયા-માત્ર છે એમ મને જ્ઞાન-દૃષ્ટિથી જાણાયું,
તેમ,આ સર્વ દૃશ્યમાત્ર એ માયામાત્ર છે એમ હું તત્વ-દૃષ્ટિથી સમજું છું.
પરમ ચિદાકાશ પોતે સર્વ પ્રપંચથી શૂન્ય છે,અને તે જ વિવર્ત-રૂપે ભૈરવ-ભૈરવી વગેરે આકારે દેખાતું હતું.
જો કે તે સર્વ કાલ્પનિક દૃષ્ટિથી જ મારી પાસે દેખાતું હતું,તો પણ 'શબ્દ અને અર્થ'ની કલ્પના કર્યા વિના,
નિર્વિશેષ પરબ્રહ્મનો બોધ થઇ શકે નહિ.આથી મેં જે કલ્પના-દૃષ્ટિથી જોયું તે વાણી વડે કહી બતાવ્યું છે.

હે રામચંદ્રજી,એવી રીતે ભૈરવ (રુદ્ર)-ભૈરવી (કાળ-રાત્રિ) નો જે આકાર જોવામાં આવ્યો હતો,
તે તત્વ-દૃષ્ટિથી નિરાકાર જ હતો,કે જેનું મેં વર્ણન કરી બતાવ્યું,
હવે તેમનું નૃત્ય,કે જે  પણ વસ્તુતઃ જોઈએ તો અનૃત્ય-રૂપ જ હતું,એ વિષે કહું છું તે તમે સાંભળો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE