Feb 4, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1060



વસિષ્ઠ કહે છે કે-એ સૂર્યપણાનો અનુભવ કાર્ય પછી મેં ચંદ્રપણાનો અનુભવ કર્યો,કે જે ચંદ્રપણું,રસાયણનો મોટો ધરો હતો,
જાણે આકાશનું મુખ હતું અને રાત્રિમાં વ્યવહાર કરનારા જીવોને પ્રકાશ આપતું હતું.
પછી મેં રત્નપણાનો અનુભવ કર્યો કે જે સમુદ્રના જળના તરંગો-રૂપી હાથથી ઉછાળાને પ્રાપ્ત થયું હતું.
(ચંદ્ર અને રત્ન જેવા પદાર્થો 'તેજ' (પ્રકાશ) ને ગ્રહણ કરીને ખુદ પ્રકાશે છે !!)
પછી હું સમુદ્રની અંદર જળ પી જનાર વડવાનલ-રૂપ બન્યો અને સર્વત્ર જળનું શોષણ કરનારા
'સૂર્ય-કિરણ-રૂપ' બની જઈ મેં મારા પોતાના શરીરમાં જ પ્રકાશનો અનુભવ કર્યો.

મેઘમાં વીજળી-રૂપે અને પર્વતમાં દાવાનળ-રૂપે પ્રવેશ કરી,તેમાં મેં પ્રકાશનો અનુભવ કર્યો,પછી અગ્નિભાવને પ્રાપ્ત થઇ,
કાષ્ઠને ચીરી તેને બાળી,અસ્ખલિત જવાળા-રૂપ બની રહ્યો.વળી યજ્ઞના અગ્નિરૂપ બની જઈ,
મેં જુદાજુદા પ્રકારનાં હૂતદ્રવ્ય (આહુતિ)ને ગળી જઈને તેથી થતા પરમ કલ્યાણનો અનુભવ કર્યો.
અગ્નિભાવને પ્રાપ્ત થઇ,ધનવાનોના ખજાનામાં રહેલ સુવર્ણ,માણેક,મોતી-વગેરે તેજનો પરાભવ કરી
તે ધનવાનોના ચિત્તમાં મોટો સંતાપ પેદા કર્યો હતો.

કોઈ સમયે મેં લોઢાના ગોળામાં અગ્નિ-રૂપે નિવાસ કર્યો હતો ને લોઢાના હથોડાઓનો અને પાષણોનો પ્રહાર વાગતા
મેં અગ્નિના તણખાઓ ઉડાડયા હતાં,તો કોઈ સમયે સર્વ પ્રાણીઓની નજરે ન પડે તેવી
મોટી શિલાઓની અંદર વજ્રમણિ-આદિ મણિઓ રૂપે રહી,મેં સેંકડો યુગો ગાળ્યા હતા.

રામ કહે છે કે-હે મહારાજ,પાષાણ-મણિ-આદિ અવસ્થામાં આપે સુખનો અનુભવ કર્યો હતો કે દુઃખનો?

વસિષ્ઠ કહે છે કે-તત્વ-વિચાર વડે મને આ સર્વ દૃશ્ય (જગત) નિર્વિકાર બ્રહ્મ-રૂપ જ જણાયું હતું,એટલે પછી તે બ્રહ્મપદમાં
રહેલા એવા મેં એ પોતાના આત્માને જ એ સર્વને આકારે વિવર્ત-રૂપ થઇ રહેલ દીઠો હતો.
પ્રકાશ-રૂપ એવો હું પંચમહાભૂતો-રૂપે જડ જ થઇ રહ્યો હોઉં,તો પછી મને એ સુખ-દુઃખનો અનુભવ શી રીતે મળે?
જીવ સુષુપ્તિ-અવસ્થામાં પણ 'ચેતન' છે,છતાં તે જીવ 'હું સૂતો છું' એવા દૃઢ ભાવને પ્રાપ્ત થાય છે.

આ નિંદ્રાના યોગે ઉદભવેલું તે 'અજ્ઞાન' જ (ચેતનતા ને બદલે) 'જડતા' ની પ્રતીતિને બરાબર રીતે ઉત્પન્ન કરે છે.
બાકી તે સુષુપ્તિની અવસ્થામાં પણ પ્રકાશમય કંઇક અવર્ણ્ય બ્રહ્મ-રૂપ-વસ્તુ તો પ્રકાશિત જ હોય છે.
જો આમ ના હોય તો સુષુપ્તિમાંથી જાગ્યા પછી 'હું સુખેથી સૂતો હતો મને કશી ખબર નહોતી'
એવો અનુભવ થવો સંભવતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE