Feb 22, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1078



(૧૦૦) દેહાત્મવાદી પુરુષોને તત્વજ્ઞાન થવાની યુક્તિ

રામ કહે છે કે-કેટલાક (ચાર્વાક-વાદીઓ કે દેહાત્મવાદીઓ) માને છે કે 'પોતાનું મૃત્યુ કંઈ પ્રથમથી પ્રત્યક્ષ હોઈ શકતું નથી
અને ભસ્મ થઇ ગયેલા તથા સર્વ દુઃખની નિવૃત્તિ પામેલા દેહાત્માનું પાછું આવવું શી રીતે સંભવે?
માટે જ્યાં સુધી જીવવું ત્યાં સુધી સુખથી જીવવું' તો આવા દેહાત્મવાદને (ચાર્વાક વાદને) માનનારની
દુઃખ શાંતિ માટે આ સંસારમાં શી યુક્તિ છે?

વસિષ્ઠ કહે છે કે-પોતાનો અંતરાત્મા,અંદર જે જે નિશ્ચયને અખંડિતપણે ગ્રહણ કરી લે છે,તેવો જ અનુભવ થાય છે.
આ વાત નિર્વિવાદ છે.જેમ નિર્વિકાર આકાશ સર્વત્ર રહેલું છે તેમ,શાંત-નિર્વિકાર ચિદાકાશ સર્વની અંદર રહેલું છે.
અને તે જ પામર પ્રાણીઓની દૃષ્ટિમાં દેહ-આદિ દ્વૈત-પ્રપંચ-રૂપે ભાસે છે,છતાં વેદાંતી વિદ્વાનને તે અદ્વૈત જણાય છે.
ચિદાકાશ વિના બીજા પદાર્થો,અત્યંત અસંભવ જ છે.સૃષ્ટિના આદિકાળમાં કે મહાપ્રલયની અંદર પણ ચિદાકાશ વિના
બીજું કશું જણાતું જ નથી.આમ જગતના'કારણ'ના અભાવને લીધે બીજું કશું છે જ નહિ
પણ એક બ્રહ્મ (ચિદાકાશ કે ચૈતન્ય) જ સર્વત્ર (આકાશની જેમ) પ્રસરી રહ્યું છે.

જેઓ વેદ-શાસ્ત્રને માનતા નથી,તેવા મહામૂર્ખ પુરુષો,અમારી દૃષ્ટિમાં જીવતા છતાં મૂવા જેવા જ છે.
તેમને માટે આ કથા (ઉપદેશ) નથી.આ ઉપદેશ તો જિજ્ઞાસુ માટે છે.દેહ હો કે ના હો,પરંતુ નિરંતર અને નિત્ય
એવું આત્મચૈતન્ય,અંતઃકરણની અંદર વિવર્તભાવથી જેવા રૂપે સ્ફુરિત થાય છે,તેવા રૂપે જ તે પુરુષ થઇ રહે છે.
હે રામચંદ્રજી,જો તે જ્ઞાન-સ્વરૂપ-આત્મ-ચૈતન્યમાંથી,અંતઃકરણ-રૂપ-ઉપાધિના સંપર્કને લીધે,'હું દુખી છું' એવું સ્ફુરણ
ઉઠ્યું હોય તો તે પુરુષ દુઃખી છે.આત્મા પોતે આનંદ-રૂપ છે,તો પણ જ્યાં સુધી પોતે દુખી છે,એવા વિરુદ્ધ સંસ્કારનો,
જ્યાં સુધી દૃઢ અધ્યાસ છે-ત્યાં સુધી તે ખરેખર દુઃખી જ છે.

પરંતુ જગત કેવળ ચિદાકાશનો એક વિવર્ત છે,એવી ભાવના કરવામાં આવે,
તો સર્વ ચિદાકાશ-રૂપ હોવાથી તે દુઃખપણાનું સ્ફુરણ જ કેવી રીતે થાય ? દુઃખનું જ્ઞાન પણ કોને થાય ?
જેમ આકાશને રજકણો સ્પર્શી શકતાં નથી,તેમ જ્ઞાન-રૂપી-તાત્વિક-નિશ્ચયમાં જ પોતાના આત્માને સ્થિર રાખનારા
પુરુષોને કશાં પણ સુખ-દુઃખ સ્પર્શી શકતાં નથી.

પોતાનો 'અનુભવ' સત્ય હો કે અસત્ય હો,પણ તે અનુભવ અનુસાર જ નિશ્ચય બંધાય છે.આ બાબત સિદ્ધ છે.
તો તેનો નિષેધ કોણ કરી શકે? અને શી રીતે કરી શકે?
દેહ-પુરુષ-જીવ કે જગત એ કશું ચૈતન્યથી જુદું જણાતું નથી,છતાં એ જગતને જેવું જે કંઈ સમજે તેવું જ તેની
દૃષ્ટિમાં તે થઇ રહે છે.એ ચૈતન્ય ને સત્ય માનો કે ચાર્વાક-મત મુજબ અસત્ય માનો-
પરંતુ આ દેહનો અનુભવ તો તે ચૈતન્યથી જ થાય છે.તે વાત નિર્વિવાદ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE