Feb 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1079



જેમ,સ્વપ્નમાં,પાતાળમાં,આકાશમાં,જળમાં,અને સ્વર્ગમાં,સંકલ્પ-માત્રથી એ ચિદાત્મા સ્વતંત્રપણે દેહનો
અનુભવ કરે છે,તેમ,આ સ્થૂળ દેહનો અનુભવ તે ચિદાત્મા (ચૈતન્ય કે ચિદાકાશ કે ઈશ્વર) થી જ થાય છે.
તે ચૈતન્યને (આસ્તિકોના મતને અનુસરનારા) સત્ય માનો કે (નાસ્તિકોના મતને અનુસરનારા) અસત્ય માનો,
પરંતુ તે ચિદાકાશ સ્વરૂપ-નિર્વિકાર-નિરાકાર-શુદ્ધ આકાશ જેવો એ 'આત્મા' (ચૈતન્ય) જ છે.

તે ચૈતન્ય,અંદર જે નિશ્ચય બાંધે,તે તેની ભાવના પ્રમાણે સત્ય થાય છે ને વ્યવહારમાં સત્ય-પણે કાર્ય કરી આપનાર થાય છે.
એમાં કશો સંશય નથી.એ ચૈતન્ય વડે જ શાસ્ત્રનું 'પ્રમાણ' સિદ્ધ થાય છે અને સર્વ સિદ્ધાંતોનો સિદ્ધાંત
પણ તે જ છે,એમ અમારી બુદ્ધિમાં જણાય છે.તે ચૈતન્યમાં જે અવિદ્યા(માયા) આરોપિત-રૂપે રહેલી છે,
તે જ અવિવેકીઓની દૃષ્ટિમાં,તેમની ભાવના પ્રમાણે,દેહ-આદિના આકારે પરિણામ પામી જઈ,
તેવા રૂપે તે પ્રતીતિમાં આવે છે.પણ જો તે તત્વજ્ઞાન-રૂપે પરિણામ પામે તો મોક્ષ-ફળ આપનાર થાય છે.

તે અવિદ્યા (માયા) તત્વજ્ઞાન વિના કદી શાંત થતી નથી.કદાચિત તીર્થ-સ્નાન-દાન-આદિ ક્રિયા કરવાથી કે
રસાયણ-મંત્ર-ઔષધ-આદિ દ્રવ્યોથી કે વેદમાં નિરુપેલા સ્વર્ગ-આદિની ઈચ્છાના 'ભ્રમો'થી-
તે અવિદ્યા-રૂપી-શંકા ક્ષણવાર શાંત પડી જાય છે,પણ તત્વજ્ઞાન ના હોય તો પાછી તે આવિર્ભાવ પામે છે.

અંદર રહેલું ચૈતન્ય જ મનુષ્યના જીવ-રૂપ (આત્મા-રૂપ) છે,અને તે જે દૃઢ ભાવના બાંધે છે,તે અનુસાર તે સુખી કે દુઃખી
થાય છે.એવો નિશ્ચય છે.એટલે ચૈતન્ય-રૂપી આત્માનું જો અસ્તિત્વ છે તો તેનું ખરું સ્વરૂપ ઓળખવાથી બંધન ટળે છે,
અને જો તેને ઓળખવામાં ના આવે તો,શિલાના જેવું મૌનવાળું અંધપણું (બંધન) જ અવશેષ રહે છે.
આમ,પુરુષ ચૈતન્ય-રૂપ અને સ્વયંપ્રકાશ છે,પણ અંધાપા જેવા અજ્ઞાન વડે જ આ જગતને દેખે છે.

રામ કહે છે કે-હે મહારાજ,આ સંસારનો કોઈ દિશામાં કે ઉપર-નીચે કોઈ અંત નથી,તેમ જગતનો નાશ પણ નથી.
આ જગત તો સદાકાળ છે જ-આમ જેણે જગતના અભાવની બુદ્ધિ છોડી દઈને તેના અસ્તિત્વની ભાવના કરી હોય તથા
જેને તત્વજ્ઞાન ના થયું હોય તે,સર્વ જગતના નાશને ના દેખતાં 'જેવું આ જગત દેખાય છે તે સદાકાળ સત્ય જ છે' એમ
જે જોતો હોય,તેની આધિનો નાશ કરવાની શી યુક્તિ ? તે આપ ફરીવાર કહો.

વસિષ્ઠ કહે છે કે-આ સંબંધમાં એક યોગ્ય ઉત્તર તો પ્રથમ જ અપાઈ ગયેલો છે,હવે બીજો 'ન્યાયોચિત' ઉત્તર કહીશ.
તમે ઉપર કહ્યું મુજબનો નિશ્ચય-વાળો પુરુષ જે કહ્યો,તે જો તમારા માનવા પ્રમાણે પોતે ચિદાભાસ-રૂપ હોય,
તો ક્રમે કરીને તેને આત્મતત્વનો અનુભવ થાય છે.કેમ કે દેહ-આદિ આકાર-રૂપી ઉપાધિ (માયા) એ માત્ર
આભાસ-રૂપ છે અને તેનો (ઉપાધિ કે માયાનો) નાશ થતાં તે પરમાત્મામાં મળી જાય છે.
એટલે પછી ચિત્તમાં દુઃખ લાવવાનો કશો અવકાશ રહેતો નથી.એમાં સંશય નથી.કદાચિત તેના માનવા પ્રમાણે
તે સૂક્ષ્મ (આતિવાહિક) દેહને આત્મા-રૂપે માનતો હોય તો પછી દુઃખનો અવકાશ જ ક્યાંથી રહે?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE