Feb 25, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1081





મનુષ્યને જેમ સ્વપ્નમાં ચિદાકાશ જ નગર-રૂપે જોવામાં આવે છે તેમ,એ ચિદાકાશ જ સૃષ્ટિના આરંભકાળથી માંડીને
વિવર્ત-રૂપે આ જગત-રૂપે થઇ રહેલ દેખાય છે.જેમ,સ્વપ્નમાં દેખાતી નગરની સ્થિતિમાં એક ચિદાકાશ વિના બીજાં
કશાં પણ સહકારી કારણ હોતાં નથી,તેમ જ સૃષ્ટિના આરંભકાળમાં જગતની સ્થિતિ થવામાં ચિદાકાશ વિના બીજાં
સહકારી કારણો (જેવાં કે પૃથ્વી-આદિપંચમહાભૂત) હોતાં નથી જ.
અને આમ જ સર્વ પ્રજા (પ્રાણીઓ) પણ ચિદાકાશ-રૂપ છે,અને તેમનામાં દ્વિત્વ કે એકત્વ કશું નથી.
કેમ કે શુદ્ધ ચિદાકાશમાં વળી બીજી કોઈ કલ્પના કેવી રીતે હોઈ શકે?

ચિદાત્મા બહિર્મુખ થાય છે એટલે સૃષ્ટિ ઉદય પામે છે અને અંતર્મુખ થાય છે ત્યારે સૃષ્ટિ અસ્ત પામે છે.
આમ સારી રીતે સમજી રહેલા અને પરમપદમાં વિશ્રાંતિ પામેલા મહાત્માઓ ચિત્ત શાંત રાખીને વિદ્યમાન છતાં
અવિદ્યમાન જેવા થઇ રહે છે.માન-મોહથી રહિત થઇ રહેલા,સંગ-દોષને જીતનારા અને પ્રાપ્ત થયેલાં કર્યો કરનારા
તત્વજ્ઞ પુરુષો કાર્ય (કર્મો)માં તથા વ્યવહાર દૃષ્ટિમાં,જાણે યંત્રના બનાવેલ પૂતળાં હોય તેવા થઇ રહે છે.

(૧૦૧) તત્વજ્ઞ પુરુષોની અભય સ્થિતિ

વસિષ્ઠ કહે છે કે-પુરુષ પોતે ચિન્માત્ર છે.ચિદ્રુપ (ચિદાકાશ)તત્વ જ વિવર્ત-રૂપે અનેક આકારે થઇ રહેલ છે.
તે ચિન્માત્ર (ચૈતન્ય) તત્વ નિર્મળ આકાશ (ચિદાકાશ) રૂપ છે અને દૃષ્ટા-દૃશ્ય એ બંને તેનો એક વિવર્ત છે.
આમ જો જગત એ ચિન્માત્ર જ હોય તો તેમાં ત્યાગ-બુદ્ધિ કે ઉપાદેય (સ્વીકાર) બુદ્ધિ ક્યાંથી હોય?
વળી ઇષ્ટ-બુદ્ધિ-અનિષ્ટ-બુદ્ધિ,રાગ-દ્વેષ-આદિ દોષો પણ ક્યાંથી હોય?

જે લોકો બૃહસ્પતિએ રચેલા બુદ્ધિ-શાસ્ત્રને અનુસરનારા વિજ્ઞાન-વાદીઓ છે,તેમના મતમાં વિજ્ઞાનથી જગત જુદું છે જ નહિ,
તો પછી તેમના મત પ્રમાણે રાગ-દ્વેષ-વગેરેનો કોઈ વિષય જ નહિ હોવાથી તેવો પ્રસંગ ક્યાંથી આવે?
તેમને ચિદાત્મા વિના બીજું શું સાર-રૂપ ભાસતું હશે કે તેઓ ચિદાત્માને નહિ માનતા હોય?

હે રામચંદ્રજી,ચિદાકાશ પોતે સાક્ષી-ચૈતન્યરૂપ કહેવાય છે,તેનાથી દૃશ્ય (જગત) જુદું નથી,
વિવર્ત-ભાવથી જો તે દૃશ્ય-રૂપે થઇ રહેલ છે તો તેમાં દ્વિત્વ-એકત્વનો ભાવ પણ ક્યાંથી હોઈ શકે?
અને જો આમ છે તો,ચિદાકાશથી બીજી નિત્ય હોય તેવી જુદી વસ્તુ કઈ હોઈ શકે? તે તમે જ કહો.
જો તે મરી જતું હોય,તો પછી આપણે અહી જે સર્વ બેઠા છીએ તે ક્યાંથી હોઈ શકીએ?
બૌદ્ધ કે ચાર્વાકવાદીઓ મુજબ પણ ચિદાકાશને છોડી દઈ તે બીજા કયા રૂપે હોઈ શકે તે તમે જ કહો.

એ ચિદાકાશ (ચૈતન્ય-કે ઈશ્વર) ને કેટલાક બ્રહ્મ કહે છે,કેટલાક જ્ઞાન-રૂપ કહે છે,કેટલાક શૂન્ય કહે છે,કેટલાક
મદ-શક્તિના જેવું કહે છે,કેટલાક પુરુષ-રૂપ કહે છે,કેટલાક શિવ-રૂપ કહે છે,અને કેટલાક આત્મા-રૂપ કહે છે.
આવી રીતે તે ચૈતન્ય (ચિન્માત્ર) તત્વને જુદાજુદા નામથી કહેવામાં આવે તો તે કંઈ જુદું થઇ જતું નથી.
કેમ કે સર્વમાં રહેલ તે ચૈતન્ય તત્વ પોતે જ સર્વ વિકલ્પના સાક્ષી-રૂપ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE