Feb 28, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1084





તત્વજ્ઞ પુરુષો અંદર અનાસક્તિને લીધે,સ્ત્રી,પુત્ર,મિત્ર,બંધુ આદિ ઉપર કશી પ્રીતિ ના હોવાને લીધે,
અંદરથી સ્નેહ વિનાના હોય છે,છતાં જાણે તેમનું હૃદય અતિ ગાઢા સ્નેહથી બહુ આર્દ્ર થઇ રહ્યું હોય તેમ
સર્વની ઉપર પોતાની સ્નેહ (સ્નિગ્ધ વૃત્તિ) બતાવતા રહે છે.તત્વદર્શી પુરુષો,બહાર સર્વ શિષ્ટ પુરુષોના જેવા ઉત્તમ અને
યોગ્ય આચારને સારી રીતે કરતા રહે છે પણ અંદરથી તેઓ સર્વ વિષયોમાં શીતળતાવાળી સ્થિતિને ધારણ કરે છે.
તેમને અંદર, સંસારની કોઈ વાતમાં અભિનિવેશ (રસ) હોતો નથી,
છતાં બહારથી તેઓ,જાણે સંસારની સર્વ વાતોમાં અભિનિવેશથી યુક્ત જ હોય એમ દેખાય છે.

રામ કહે છે કે- હે મહારાજ,તત્વજ્ઞનું ઉપરના લક્ષણો-વાળી સ્વરૂપ સત્ય છે કે અસત્ય છે-તે કોણ જાણી શકે?
કેમ કે દંભ વડે,અજ્ઞાની પુરુષોમાં પણ આવો વ્યવહાર જોવામાં આવે છે.દુષ્ટ ચિત્તવાળા અને માન-પ્રતિષ્ઠા-આદિ ઇચ્છનારા
કેટલાક દામ્ભિક (દંભ-વાળા) પુરુષો પોતાના (ખોટે ખોટા) તપસ્વી-પણાની મિથ્યા ખ્યાતિ લોકોમાં થાય,એટલા માટે
મહાત્માઓ જેવો ખોટો આડંબર ધારણ પણ કરતા દેખાતા હોય છે.

વસિષ્ઠ કહે છે કે-તત્વજ્ઞ મહાત્માઓની અંદર રહેલી શીતળતાને,બીજા કોઈ અવિવેકી (અજ્ઞાની) જનો જાણી શકતા નથી,
પણ તેમના જેવા શુદ્ધ ચિત્તવાળા અને જાણવાનું જેણે જાણી લીધું છે તેવા (જ્ઞાતજ્ઞેય) પુરુષો જ તેમને ઓળખી લે છે.
હકીકતમાં તો સર્વથી ઉત્તમ એવા તે મહાત્માઓ પોતામાં રહેલાં ઉત્તમ લક્ષણોને છુપાવે છે કેમ કે,
નાના ગામડામાં મળનારા ધનથી ખરીદી ના શકાય તેવા મણિને ત્યાંના બજારમાં કોણ વેચવા કાઢે?
તત્વજ્ઞ મહાત્માઓને પોતાની અંદર રહેલા ગુણોને છુપાવવામાં જ તાત્પર્ય હોય છે,દેખાડો કરવામાં નહિ.

હે રામચંદ્રજી,તેમનામાં કોઈ જાતની વાસના હોતી નથી,દ્વૈતબુદ્ધિથી રહિત હોય છે અને કશું પણ અભિમાન હોતું નથી.
એ મહાત્માઓને એકાંત,નિરભિમાનપણું,અકિંચનપણું (દરિદ્રતા) અને મનુષ્યોની ઉપેક્ષા-એ સર્વ જેવું સુખ
આપે છે તેવું સુખ તેમને મોટી સમૃદ્ધિ પણ આપી શક્તી નથી.તેમનું વિદિતવેદ્યપણું,તેમના પોતાના અનુભવ વડે જ જાણી
શકાય તેવા નિરતિશય આનંદ વડે ભરપૂર હોય છે,કે જે તેમનાથી બીજાઓને જણાવી શકાતું નથી,
કે તેને બીજો કોઈ જાણી પણ શકતો નથી.

"મારા અમુક ગુણને મનુષ્યો જાણે અને મારી પૂજા કરે" એવી ઈચ્છા અહંકારવાળા દામ્ભિક પુરુષોમાં જ હોય છે,
મુક્ત-ચિત્તવાળાઓમાં નહિ.અવિવેકી (અજ્ઞાની) પુરુષોને પણ મંત્ર-ઔષધિ-આદિના બળથી આકાશગમન-આદિ
સિદ્ધિઓ પ્રાપ્ત થતી હોય છે.પરંતુ તત્વજ્ઞ પુરુષો સમજે છે કે આ સર્વ સિદ્ધિઓ તુચ્છ,ભ્રાંતિમાત્ર છે.
સિદ્ધિઓ પણ ચિદાકાશ-રૂપ હોવાથી અને તેઓ પોતે વાસના રહિત હોવાથી,તેવી સિદ્ધિઓ આપનારી
ક્રિયાઓ (મંત્ર-ઔષધ-આદિ) ને તેઓ શા માટે સાધે?

તે મહાત્માઓને આ સંસારમાં કર્મ કરવાનું કે નહિ કરવાનું,કશું પ્રયોજન  હોતું નથી.વળી સર્વ પ્રાણીઓમાંથી તેમને
બીજો કોઈ અર્થ (ધન-માન-આદિ) કાઢી લેવાનો હોતો નથી કેમ કે ત્રણે લોકમાં એવું કશું પણ નથી કે
જે તે ઉદાર ચિત્ત-વાળા તત્વવેત્તાને લોભ ઉત્પન્ન કરે.જેની નજરમાં આ ત્રૈલોક્ય એ તૃણ જેવું તુચ્છ છે,
તો પછી તેને (આત્મા સિવાયની) બીજી કોઈ અનાત્મ વસ્તુ ગ્રહણ કરવાને યોગ્ય દેખાય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE