અધ્યાય-૭૬-ધૃતરાષ્ટ્રનો ઉદ્વેગ
॥ धृतराष्ट्र उवाच ॥ एवं बहुगुण सैन्यमेवं बहुविधं पुरा I व्यूढमेवं बहुविधं पुरा I व्यूढमेवं यथाशासममोघं चैव संजय ॥१॥
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,આપણું સૈન્ય અનેક ગુણોવાળું.અનેક પ્રકારનું તથા શાસ્ત્રોક્ત વ્યૂહોથી નિષ્ફળ ન થાય તેમ ગોઠવેલું છે.વળી હર્ષમાં રહેનારું,આપણને ઇચ્છનારું-નમનારું ને વ્યસનોથી રહિત છે તથા કસાયેલું છે.આપણા સૈન્યમાંના યોદ્ધાઓ અતિવૃદ્ધ નથી કે નાની ઉંમરના પણ નથી,નબળા નથી,ઝડપથી કામ કરી શકે તેવા છે,બળવાળા ને નિરોગી છે.આપણા સર્વ સૈનિકો કવચધારી અને અનેક શસ્ત્રો ધારણ કરનાર છે.તેઓ તલવાર યુદ્ધ,તોમર યુદ્ધમાં,શક્તિ યુદ્ધમાં,મુસળ યુદ્ધમાં,ધનુષ્ય યુદ્ધમાં અને મુષ્ટિ યુદ્ધમાં -આદિ અનેક પ્રકારના યુદ્ધ કરવામાં સમર્થ છે.
વળી,આપણા સૈનિકોએ યુદ્ધવિદ્યામાં સારું જ્ઞાન મેળવીને સારો એવો શ્રમ કરેલો છે,ને સર્વ પ્રકારની શસ્ત્ર ધારણ કરનારી વિદ્યાઓમાં પણ કુશળતા પ્રાપ્ત કરેલી છે.હાથી,ઘોડા,રથ વગેરે વાહનોમાં તો આપણા સૈનિકોની સારી રીતે પરીક્ષા ઘણી વખત કરેલી છે ને પરીક્ષા કર્યા પછી જ તેમને રાખેલા છે,તેમને સંતોષકારક પગાર અપાય છે.કોઈ પણ માણસને કોઈની ભલામણથી અથવા ઉપકાર બદલ કે સગાં વહાલાંઓના કારણથી રાખવામાં આવ્યો નથી તેમ જ અકુલીન માણસોને પણ રાખવામાં આવ્યા નથી.આપણા સૈનિકો કુલીન અને સમૃદ્ધ છે.તેમના કુટુંબોને પણ આપણા તરફથી સંતોષ્યા છે.તેઓના ઉપર આપણે ઘણા ઉપકારો પણ કર્યા છે.આપણું સૈન્ય આ લોકમાં ઘણું વિખ્યાત છે.
મહાસાગર જેવું આપણું સૈન્ય છે.ને અનેક રથો તથા હાથીઓથી ભરપૂર છે,ને આપણું સૈન્ય ભીષ્મ-દ્રોણ આદિ અનેક યોદ્ધાઓથી સુરક્ષિત છે છતાં પણ આ યુદ્ધમાં આપણા સૈનિકો માર ખાય છે એમાં પ્રાચીન ભવનાં કર્મો જ દોષપાત્ર દેખાય છે.હે સંજય,પૃથ્વી પર કોઈ પણ મનુષ્યોએ આવું યુદ્ધ કદી જોયું નહિ હોય.આપણું સૈન્ય શસ્ત્રો ને સંપત્તિથી યુક્ત છે છતાં યુદ્ધમાં માર ખાય છે એમાં ભાગ્ય સિવાય બીજું શું સમજવું? મારુ બધું વિપરીત જ જવા બેઠું છે એમ મને જણાય છે.કેમ કે આવું ભયંકર સૈન્ય પણ રણસંગ્રામમાં પાંડવોને જીતી શકતું નથી.
મને તો એમ જ લાગે છે કે પાંડવોને સહાય કરવા દેવતાઓ જ ત્યાં આવીને મારા સૈન્ય સામે યુદ્ધ કરતા હશે ને તેથી જ મારું સમગ્ર સૈન્ય માર્યું જાય છે.મને વિદુર હંમેશાં હિતકારક વચનો કહ્યા કરતો હતો ને લાભકારક સલાહ આપ્યા કરતો હતો પણ મંદ બુદ્ધિના દુર્યોધને માન્યું જ નહિ.હવે હું માનું છું કે વિદુરે પ્રથમથી જ આવું બનશે તેમ જાણી લીધું હશે.હે સંજય,આમ થવું તે ભાવિ જ હશે કારણકે વિધાતાએ જે નિર્માણ કરેલું હોય તેમ જ બને છે,તેમાં કોઈ રીતે પણ અન્યથા થતું નથી.(26)
અધ્યાય-76-સમાપ્ત