અધ્યાય-૨૮-કાળના મુખમાં ભગદત્ત
II संजय उवाच II यियासतस्तत: कृष्णः पार्थस्याश्वान्मनोजवान I संप्रेपिद्वेमसंछन्नान् द्रोणानिकाय सत्वरन् II १ II
સંજય બોલ્યો-એ પ્રમાણે અર્જુને જયારે ભગદત્ત તરફ જવાની ઈચ્છા કરી ત્યારે શ્રીકૃષ્ણે,અર્જુનના મન સમાન વેગવાળા તથા સુવર્ણના સાજથી ઢંકાયેલા ઘોડાઓને ઘણી ઝડપથી દ્રોણના સૈન્ય તરફ હાંક્યા.દ્રોણાચાર્યે દુઃખી કરેલા પોતાના ભાઈઓને સહાય કરવા માટે જયારે અર્જુને પ્રયાણ કર્યું ત્યારે સુશર્મા પોતાના ભાઈઓ સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી તેની પાછળ પડ્યો.તે જોઈ અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે અચ્યુત,એક તરફ ભાઈઓ સહીત આ સુશર્મા મને યુદ્ધ કરવા બોલાવે છે અને બીજી તરફ યુધિષ્ઠિરના સૈન્યનો સંહાર થઇ રહ્યો છે,આજે મારુ મન આ સંશપ્તકોને લીધે બે સ્થળે વહેંચાઈ ગયું છે,આ સંબંધમાં તમારો શું મત છે?કયા કાર્યમાં મારુ કલ્યાણ રહેલું છે?તે તમે જાણો છો માટે તમે જ કહો'
ત્યારે શ્રીકૃષ્ણે,જે સ્થળે ત્રિગર્તોનો રાજા અર્જુનને બોલાવી રહ્યો હતો તે સ્થળે રથને પાછો વાળ્યો.અર્જુને સુશર્મા પર સાત બાણોથી પ્રહાર કરીને તેને વીંધી નાખ્યો ને તેના ધ્વજ અને ધનુષ્યને પણ કાપી નાખ્યું ને બીજાં છ બાણો મૂકીને તેણે ત્રિગર્તરાજના ભાઈના ઘોડા ને સારથીને યમરાજને ઘેર મોકલી દીધો.સુશર્માએ એક લોખંડી શક્તિ ને તોમર અર્જુન તરફ ફેંક્યું,કે જે શક્તિને અર્જુને છેદી નાખી ને તોમરની પણ એ જ દશા કરી.ને જથ્થાબંધ બાણો છોડીને સુશર્માને મૂંઝવી નાખ્યો ને તેને પાછો હાંકી કાઢ્યો.હે રાજન,ઇન્દ્રની જેમ ધસી આવતા અર્જુનને તમારા યોદ્ધાઓમાંથી કોઈ વારી શક્યો નહિ.
આમ,બાણોથી સર્વ મહારથીઓને મારતો મારતો અર્જુન કૌરવો પાસે આવી પહોંચ્યો.અર્જુનના તે વેગને સહન કરવા કોઈ પણ યોદ્ધાઓ સમર્થ થઇ શક્યા નહિ.બાણોની વૃષ્ટીથી સર્વને ઘેરી લેતો તે અર્જુન ભગદત્ત સામે આવી પહોંચ્યો.ત્યારે યુદ્ધમાં શત્રુઓને અશ્રુપાત કરાવનારું ને કલ્યાણકારક ધનુષ્યને અર્જુને,હાથમાં લીધું ને શત્રુસેનાને એટલી બધી ખળભળાવી દીધી કે સેનામાં ભંગાણ પડ્યું.ત્યારે દશ હજાર ધનુર્ધરો 'રણમાં મારવું કે મરવું' નો નિશ્ચય કરીને અર્જુનને ઘેરી વળ્યા.સમર્થ અર્જુને તે યુદ્ધનો મોટો ભાર માથે લીધો,ને અત્યંત પ્રયત્ન કરીને તમારી સેનાને ખૂંદી નાખી.
આમ સેનાનો સંહાર થઇ રહ્યો હતો ત્યારે ભગદત્ત પોતાના હાથી સાથે અર્જુન પર ચડી આવ્યો.ને તેમની વચ્ચે તુમુલ યુદ્ધ શરુ થયું.ભગદત્ત અર્જુન પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યો ત્યારે અર્જુને તે સર્વ બાણોને વચમાં જ કાપી નાખ્યાં.ને સામે અનેક બાણો મૂકીને અર્જુને ભગદત્ત પર પ્રહાર કર્યો.ભગદત્તે પણ અર્જુનના બાણોનું નિવારણ કરીને પોતાના હાથીને અર્જુન તરફ હાંક્યો.કાળની જેમ ક્રોધાયમાન હાથીને પોતાની સામે આવતો જોઈને શ્રીકૃષ્ણે,રથને તેની જમણી બાજુ હાંક્યો.તે વખતે તે હાથીને પોતાના સવાર સહીત મૃત્યુને સ્વાધીન કરવાનો બરોબર લાગે હતો છતાં પણ ક્ષાત્રધર્મનું સ્મરણ કરીને અર્જુને તેમ કરવા ઇચ્છયું નહિ.તે હાથીએ સીધા જઈને કેટલાક હાથીઓ,રથો ને ઘોડાઓને ચગદી નાખી મૃત્યુલોકમાં મોકલી દીધા,તે જોઈને અર્જુન કોપી ઉઠ્યો (30)
અધ્યાય-28-સમાપ્ત