Page list

Aug 12, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1191

નારાયણાસ્ત્ર મોક્ષપર્વ 

અધ્યાય-૧૯૩-દ્રોણાચાર્યના વધના વૃતાંતનું અશ્વત્થામાને નિવેદન 

II संजय उवाच II ततो द्रोणे हते राजन कुरवः शस्त्रपीडिताः I हतप्रवीरा विध्वस्ता भृशं शोकपरायणाः II १ II

સંજય બોલ્યો-હે રાજન,આમ દ્રોણાચાર્યનું મરણ થતા શસ્ત્રથી પીડાયેલા કૌરવો અત્યંત શોકપરાયણ થઇ ગયા હતા.તેમનો ઉત્સાહ નાશ પામ્યો હતો અને શોકને લીધે તેમનું તેજ હણાયું હતું,કારમી ચિચિયારીઓ પાડતા તે સર્વ તમારા પુત્રની આસપાસ વીંટાઈ વળ્યા.કૌરવોના કંઠો અશ્રુઓથી ગળગળા થઇ ગયા હતા.તેઓ બધા ધૂળથી ભરાઈ ગયા હતા,થરથર ધ્રુજતા હતા ને દશેય દિશાઓને નિહાળી રહ્યા હતા.તમારો પુત્ર જાણે ત્રાસ પામેલાં મૃગોનાં ટોળાઓથી વીંટાઈ ગયો હતો અને ત્યાં ઉભો રહેવાને પણ અશક્ત થઈને નાસી જવા તત્પર થયો.

ભુખ,તરસ અને ઉજાગરાથી લોથપોથ થયેલા તમારા યોદ્ધાઓ પણ ભયથી પલાયન કરવા લાગ્યા.શકુનિ,કર્ણ,શલ્ય,કૃપાચાર્ય,

કૃતવર્મા,ઉલુકરાજા,દુઃશાસન,વૃષસેન,સુશર્મા આદિ-સર્વ યોદ્ધાઓ,દ્રોણાચાર્યના મરણના સમાચાર સાંભળીને યુદ્ધભૂમિનો ત્યાગ કરીને પલાયન થતા હતા.સર્વ સૈન્ય નાસભાગ કરતું હતું.તે વખતે અનેક સેનાઓનો સંહાર કરીને યુદ્ધમાંથી મુક્ત થયેલા અશ્વત્થામાએ સૈન્યને નાસભાગ કરતુ જોયું એટલે તેણે એકદમ દુર્યોધન પાસે આવીને કહ્યું કે-'હે ભારત,આ સેના ભયભીત થઈને કેમ નાસભાગ કરે છે?તમે એને રણમાં સ્થિર કેમ કરતા નથી?તમે પોતે પણ આજે પૂર્વની જેમ મૂળ સ્વભાવમાં દેખાતા નથી.આ કર્ણ વગેરે યોદ્ધાઓ કેમ અહીં રણમાં ઉભા રહેતા નથી?તમારું સૈન્ય કુશળ છે ને?સેના આ રીતે કદી નાસભાગ કરી નથી,તો આજે કયો યોદ્ધો મરણ પામતાં તમારું સૈન્ય આ અવસ્થાએ આવી પડ્યું છે?તેનો મને ઉત્તર આપો'


ત્યારે દુર્યોધન તેને દ્રોણાચાર્યના મરણરૂપ ઘોર અપ્રિય કહેવાને સમર્થ થયો નહિ.તે શોકના મહાસાગરમાં ડૂબેલો હતો ને અશ્વત્થામાને જોઈને તે આંસુથી અંતરાઈ ગયો.ને તેણે શરમાતાં શરમાતાં કૃપાચાર્યને કહ્યું કે-'આ સૈન્ય કેમ નાસભાગ કરે છે-તે તમે પોતે જ અશ્વત્થામાને કહી સંભળાવો.તમારું કલ્યાણ થાઓ' ત્યારે કૃપાચાર્ય અશ્વત્થામાને સર્વ વાત કહેવા લાગ્યા.શ્રીકૃષ્ણના કહેવાથી ભીમસેને અશ્વત્થામા હાથીને મારીને 'અશ્વત્થામા હણાયો છે' એમ દ્રોણાચાર્યને કહ્યું પણ તેમણે તે વાત સાચી માની નહિ.પણ જયારે યુધિષ્ઠિરે પણ તે વાતમાં સાથ પુરાવ્યો ત્યારે દ્રોણાચાર્યે શસ્ત્રો ત્યાગ્યાં ને ધૃષ્ટદ્યુમ્ને દ્રોણાચાર્યના મસ્તકનો શિરચ્છેદ કર્યો ત્યાં સુધીની સર્વ વાત કૃપાચાર્યે અશ્વત્થામાને કહી સંભળાવી.ને કહ્યું કે-'હે નિર્દોષ,તમારા પિતાનું આ પ્રમાણે મૃત્યુ થયું છે ને એટલે ભયાકુળ થયેલું સર્વ સૈન્ય નિરુત્સાહ થઈને નાસી રહ્યું છે'

પોતાના પિતાનું આવું મરણ સાંભળીને અશ્વત્થામા તીવ્ર ક્રોધમાં આવી ગયો.ને હાથે હાથ ઘસીને દાંત 

કચકચાવીને સર્પની જેમ ફૂંફાડા મારવા લાગ્યો.તેની આંખો લાલચોળ થઇ ગઈ (77)

અધ્યાય-193-સમાપ્ત