Page list

Aug 13, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1192

 

અધ્યાય-૧૯૪-ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન 


II धृतराष्ट्र उवाच II अधर्मेण हतं श्रुत्वा ध्रुष्टध्युम्नेन संजय I ब्राह्मणं पितरं वृद्वंमश्वत्थामा किमब्रवीत II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,પોતાના વૃદ્ધ બ્રાહ્મણ પિતાને ધૃષ્ટદ્યુમ્ને અધર્મથી મારી નાખ્યા તે સાંભળીને અશ્વત્થામા શું બોલ્યો?જેમની પાસે માનવ,વારુણ,આગ્નેય,ઐંદ્ર,અને નારાયણ આદિ દિવ્ય અસ્ત્રો નિત્ય રહેતાં હતાં તે પોતાના ધર્મનિષ્ઠ આચાર્યને ધૃષ્ટદ્યુમ્ને અધર્મથી રણમાં મારી નાખ્યા-એ સાંભળીને તે અશ્વત્થામાએ શું કહ્યું હતું?

એ મહાત્માએ પરશુરામ પાસેથી સંપૂર્ણ ધનુર્વેદનો અભ્યાસ કર્યો હતો ને પોતાના પુત્રને તે દિવ્ય અસ્ત્રો શીખવ્યાં હતાં.ખરેખર,આ જગતમાં પુરુષો એક પોતાના પુત્રને વિષે જ ઈચ્છે છે કે તે પોતાના કરતાં સવાયો થાય.બીજા કોઈ વિષે નહિ.આચાર્યો પાસે જે જે કંઈ રહસ્યો હોય છે તે તે પોતાના પુત્રને કે અથવા પોતાને અનુસરીને ચાલનાર શિષ્યને આપે છે.અશ્વત્થામા તો દ્રોણાચાર્યનો પુત્ર છે જ ને એક ઉત્તમ શિષ્ય પણ છે.તેણે વિશેષે કરીને સર્વ રહસ્ય પિતા પાસેથી 

સંપાદન કર્યું છે.તેથી જ તે શારદ્વતી પુત્ર રણમાં દ્રોણાચાર્યની પછી આવે છે.


એ દ્રોણાચાર્ય,શસ્ત્રોમાં રામ સરખા,યુદ્ધમાં ઇન્દ્ર સરખા,વીર્યમાં કાર્તવીર્ય સરખા ને બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન હતા.તે જગતમાં પ્રથમ રથી હતા,દૃઢ ધનુર્ધારી હતા,યુદ્ધના શ્રમને જીતનારા હતા,ઝડપથી અસ્ત્રો ફેંકનારા હતા,યુદ્ધમાં વાયુની જેમ ઘુમનારા હતા ને કોપેલા કાળ સરખા હતા.તે સંગ્રામમાં કદી વ્યથા પામતા ન હતા.તે વેદસ્નાત,વ્રતસ્નાત,ધનુર્વેદનાં પારંગત હતા ને રામચંદ્રના જેવા પરાક્રમી હતા.તેવા આચાર્યને યુદ્ધમાં ધૃષ્ટદ્યુમ્ને અધર્મથી મારી નાખ્યા છે એવું સાંભળીને અશ્વત્થામાએ શું કહ્યું હતું?

જેમ,યાજ્ઞસેનનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યના મૃત્યુ રૂપે ઉત્પન્ન થયો હતો તેમ,દ્રોણાચાર્યે અશ્વત્થામાને ધૃષ્ટદ્યુમ્નના મૃત્યુરૂપે ઉત્પન્ન કર્યો છે તો તે ઘાતકી,ક્રૂર ધૃષ્ટદ્યુમ્નના હાથેથી આચાર્યને મરણ પામેલા સાંભળીને અશ્વત્થામા શું બોલ્યો હતો? (15)

અધ્યાય-194-સમાપ્ત