Page list

▼

Sep 26, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1232

 

અધ્યાય-૨૮-મહાસંહાર 

II संजय उवाच II युधिष्ठिरं महाराज विसृजन्तं शरान् बहुन्:I स्वयं दुर्योधनो राज प्रत्यगृहणादभीतवत  II १ II

સંજય બોલ્યો-હે મહારાજ,યુધિષ્ઠિરને ઘણાં બાણો છોડી રહેલા જોઈને રાજા દુર્યોધન પોતે તેમની સામે યુદ્ધ કરવા ચઢી ગયો.તેને આવતો જોઈને યુધિષ્ઠિરે તેને ઝપાટાબંધ વીંધી નાખ્યો ને 'ઉભો રહેજે નાસતો નહિ' એમ કહ્યું એટલે દુર્યોધને ચિઢાઇને તીક્ષ્ણ બાણોથી યુધિષ્ઠિરને વીંધી નાખ્યા.હવે યુધિષ્ઠિરે સામે તેને વીંધીને,તેના ચારેય ઘોડાઓને,ને સારથિને મારી નાખ્યા ને તેના ધ્વજને કાપી ને તેના ધનુષ્યને પણ કાપી નાખ્યું.દુર્યોધને હાથમાં તલવાર લીધી,પણ તે તલવારને પણ યુધિષ્ઠિરે કાપી નાખી.તે વખતે સંકટમાં આવી ગયેલો દુર્યોધન રથ પરથી કૂદીને પૃથ્વી પર ઉભો રહ્યો.તેને આવી રીતે સંકટમાં આવી પડેલો જોઈને કર્ણ,કૃપાચાર્ય તથા અશ્વત્થામા આદિ મહારથીઓ તેનું રક્ષણ કરવા એકાએક ધસી આવ્યા.પેલી તરફ યુધિષ્ઠિરની મદદે પણ સર્વ પાંડવ યોદ્ધાઓ આવી પહોંચ્યા ને તેઓ બધા વચ્ચે તુમુલ યુદ્ધનો પ્રારંભ થયો.

પાળાઓ,ઘોડેસ્વારો,હાથીસવારો અને રથીઓ,પરસ્પર એકબીજાનો સંહાર કરવા લાગ્યા હતા.તે તુમુલ યુદ્ધમાં જોતજોતામાં તો બંને પક્ષના યોદ્ધાઓ વચ્ચે સેળભેળ થઇ ગઈ હતી ને સંકુલ યુદ્ધ ચાલતું હતું.રણભૂમિ સેંકડો ને હજારો મસ્તકોથી છવાઈ ગઈ હતી.ભાતભાતના શસ્ત્રોના ખણખણાટથી ભરેલું તે યુદ્ધ મહાદારુણ થઇ પડ્યું હતું.સર્વ યોદ્ધાઓ પોતાના કોણ ને પારકા કોણ? એ જોયા વિના વિજયની લાલસા મનમાં રાખીને જે સામે આવે તેનો પરસ્પર સંહાર કરી રહ્યા હતા.માત્ર 'યુદ્ધ જ કરવું છે'એવો મનમાં નિશ્ચય કરીને રાજાઓ પરસ્પર લડી રહ્યા હતા.બધું યુદ્ધ વ્યાકુળ થઇ રહ્યું હતું.


હે રાજન,જાણે ક્ષણવારમાં તો ભાંગી પડેલા રથોથી,મરેલા હાથીઓ અને ઘોડાઓથી ને મરેલા યોદ્ધાઓથી રણભૂમિનું સ્વરૂપ અગમ્ય થઇ પડ્યું હતું.લોહીના પ્રવાહોની નદી ત્યાં ચાલી નીકળી હતી.એ લડાઈમાં કર્ણે ઘણા પાંચાલ યોદ્ધાઓને મારી નાખ્યા હતા ને અર્જુને ત્રિગર્ત યોદ્ધાઓનો ઘાણ કાઢી નાખ્યો હતો.ભીમસેને ઘણા કૌરવોનો ને હાથીસૈન્યનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો.સૂર્ય બરાબર દિવસના પાછળ પહોરમાં આવ્યો ત્યારે કૌરવ-પાંડવ સૈન્ય વચ્ચે દારુણ સંહાર થયો હતો.(48)

અધ્યાય-28-સમાપ્ત