Page list

▼

Sep 27, 2026

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-1233

 

અધ્યાય-૨૯-દુર્યોધન અને યુધિષ્ઠિરનું યુદ્ધ 


II धृतराष्ट्र उवाच II अतितीव्राणि दुःखानि दुःसहानि बहूनि च I तत्तोऽहं संजयाश्रौषं पुत्राणां चैव संक्षयम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે સંજય,મેં તારી પાસેથી ઘણાં તીવ્ર અને દુઃસહ દુઃખો સાંભળ્યાં તથા પુત્રોનો વિનાશ પણ સાંભળ્યો.તું જે પ્રમાણે યુદ્ધનું વૃતાંત કહે છે તેનો વિચાર કરતાં મારી બુદ્ધિ નિશ્ચય કરે છે કે કૌરવો કદી પણ બચવાના નથી.યુધિષ્ઠિરની સાથે યુદ્ધ કરતાં દુર્યોધન રથરહિત થઇ પડ્યો હતો ત્યારે યુધિષ્ઠિર શું કર્યું હતું?ને દુર્યોધને શું કર્યું હતું? તે દિવસના પાછલા પહોરમાં રુંવાં ખડાં કરી નાખનારું તે યુદ્ધ કેવી રીતે થઈ રહ્યું હતું તે તું મને કહે.તું વૃતાંત કહેવામાં ઘણો કુશળ છે.

સંજય બોલ્યો-હે રાજન,જયારે તે બધાં સૈન્યો સામસામાં ભેટ્યાં હતાં ત્યારે તમારો પુત્ર દુર્યોધન બીજા રથમાં બેઠો ને તેણે સારથિને યુધિષ્ઠિર સામે રથ લેવાનું કહ્યું.ત્યારે સારથિ તે રથને યુધિષ્ઠિર સામે લઇ ગયો ને તે બંને યોદ્ધાઓ સામસામા આવી જઈને એકબીજાના પર બાણોનો વરસાદ વરસાવવા લાગ્યા.દુર્યોધને,યુધિષ્ઠિરના ધનુષ્યને કાપી નાખ્યું તો સામે યુધિષ્ઠિરે પણ નવું ધનુષ્ય લઈને દુર્યોધનના ધનુષ્યને કાપી નાખ્યું.બંને અન્યોન્ય બાણોથી પ્રહાર કરીને સિંહનાદો કરતા હતા.ને અન્યોન્યના બાણોનો નાશ કરી નાખતા હતા.


દુર્યોધને એક તીક્ષ્ણ શક્તિ યુધિષ્ઠિર સામે ફેંકી,કે જેના સામે તીક્ષ્ણ બાણો મારી તે શક્તિના ટુકડા કરી નાખ્યા.દુર્યોધને નવ ભાલાઓથી પ્રહાર કર્યો ને યુધિષ્ઠિરને અત્યંત વીંધી નાખ્યા.ત્યારે યુધિષ્ઠિરે તુરત જ એક તીવ્ર બાણ છોડીને દુર્યોધનને અત્યંત ઘાયલ કર્યો.હવે ક્રોધે ભરાયેલા દુર્યોધને ગદા હાથમાં લીધી ને યુધિષ્ઠિર સામે ધસ્યો.કાળની જેમ ધસી આવતા તે દુર્યોધનને જોઈને યુધિષ્ઠિરે એક મહાદેદીપ્યમાન શક્તિ તેની સામે ફેંકી કે જેનાથી દુર્યોધન છાતીમાં અત્યંત વીંધાઈ ગયો તેનું કવચ તૂટી ગયું અને બેભાન થઈને રથમાં ઢળી પડ્યો.તે સમયે દુર્યોધનને મારવાની ભીમની પ્રતિજ્ઞાનું મનમાં સ્મરણ કરીને યુધિષ્ઠિરે દુર્યોધનને માર્યો નહિ ને તેની સામેથી પાછા ફર્યા.દુયોધનને સંકટમાં આવી પડેલો જોઈને કૃતવર્મા ત્યાં આવી પહોંચ્યો.ત્યારે ભીમસેન પોતાની ગદા લઈને તે કૃતવર્મા સામે યુદ્ધ કરવા દોડી ગયો હતો.હે રાજન, આપ્રમાણે યુદ્ધમાં વિજયની આકાંક્ષાવાળા તમારા પક્ષના યોદ્ધાઓનું દિવસના પાછલા પહોરે શત્રુઓ સાથે યુદ્ધ ચાલી રહ્યું હતું. (36)

અધ્યાય-29-સમાપ્ત