Oct 1, 2013

Sat-Sloki-Gujarati-18


શત-શ્લોકી-18-(આદિ) શંકરાચાર્ય રચિત
જાગ્રત અવસ્થામાં બહારના વ્યવહારો થી થાકેલું આ મન,
તે સર્વ વ્યવહારો સમેટી લઇ સુષુપ્તિ અવસ્થામાં (નિંદ્રામાં)
આત્મ-સ્વરૂપ ની અંદર રમણ કરવા તૈયાર થાય જ છે,
પણ વચ્ચે, સ્વપ્નાવસ્થામાં
તે જાગ્રત અવસ્થા ના સંસ્કારો થી યુક્ત થઇ,વિષયો (સંસાર નું કારણ)
તરફ પાછું ફરવા ઈચ્છે છે.(પાછું સંસારિક વિષયો નો અનુભવ કરવા તૈયાર થાય છે)

અને પછી ફરી પાછું તે વિષયો ને ત્યજી ને સુષુપ્તિ માં આત્મ-સ્વરૂપ માં લીન થવા
તત્પર બની, એ સુષુપ્તિ (નિંદ્રા) અવસ્થામાં પુષ્કળ વિશ્રાંતિ પામે છે. (૭૫)

(અહીં એક શંકા થાય છે કે) સ્વપ્નમાં સુખ-દુઃખ વગેરે ભોગો કયાં સાધન થી થાય છે ?
કારણ કે ભોગ ભોગવવાનું સાધન,શરીર તો તે વખતે બેભાન સ્થિતિ માં પડ્યું હોય છે.
આના સમાધાન માટે જો, એમ કહીએ કે-
“સ્વપ્ન માં બીજું શરીર ઉત્પન્ન થાય છે અને સ્વપ્નાવસ્થા ના વ્યવહાર કરે છે”
તો તે બરોબર નથી,કારણકે,સ્થૂળ શરીર,પુરુષ અને સ્ત્રીના સંયોગ વગર પેદા થઇ શકતું નથી.

વળી જો એમ કહીએ કે-એ શરીર સંકલ્પો થી જ ઉત્પન્ન થયું હોય છે,તો,
સ્વપ્ન માં સ્વપ્ન ની સ્ત્રી જોડે ના સમાગમ પછી,સ્વપ્ન-દોષ પ્રત્યક્ષ કેમ દેખાય છે?
કારણકે,સંકલ્પો થી બનેલું શરીર,જો સંકલ્પો થી જ સમાગમ કરે તો તેનું પરિણામ પણ
સંકલ્પ-રૂપી જ હોવું જોઈએ.હકીકત માં નહિ. (૭૬)

આ ઉપરાંત પણ સ્વપ્નાવસ્થા માં આ સ્થૂળ શરીર બકે છે,હસે છે,રડે છે-વગેરે ક્રિયાઓ પણ
હકીકત માં બને જ છે.એટલે, આ બધા નું ખરું કારણ એ છે કે-
જીવનું સ્થૂળ શરીર સ્વપ્નાવસ્થામાં બેભાન થયું હોય છે,
તો પણ તે શરીર જાગ્રત અવસ્થા ના સંસ્કારો એકદમ છોડી શકતું નથી.
એટલે કે-જાગ્રત અવસ્થામાં જે જે વસ્તુ (સ્ત્રી,વાઘ,દેશ-વગેર-સંસ્કારો) તેણે (સ્થૂળ શરીરે)
અનુભવ્યા હોય,તેને જ ફરીથી સ્વપ્નાવસ્થામાં
“સૂક્ષ્મ-સંસ્કાર-શરીર” નો આશ્રય કરી “સંસ્કાર સ્વ-રૂપે” ઉત્પન્ન કરે છે. (૭૭)

સ્વપ્નાવસ્થા,તે જાગ્રત અને સુષુપ્તિના સંધિકાળ માં, જાગ્રત અવસ્થા ના અનુભવો થી જ જણાય છે.
તેમાં (સ્વપ્નાવસ્થામાં) જીવ સર્વ ઇન્દ્રિયો ને સમેટી લઇ “આત્મ-જ્યોતિ રૂપે “ જ રહેલો હોય છે.
સ્થૂળ શરીર ને પથારી માં સુવાડી,એનો અંતરાત્મા,પોતાના પ્રકાશ દ્વારા,નવાનવા સંસ્કાર-રૂપ વિષયો,
જોતો જોતો કોઈ પણ સ્થળે જતો રહે છે.તેમ છતાં પથારીમાં પડેલું શરીર મડદું ન બને એ માટે માત્ર
શ્વાસ-રૂપે બાકી રહેલા પ્રાણ દ્વારા તેની રક્ષા તો કરે જ છે.
વળી એ સ્વપ્નાવસ્થામાં તે પોતાના જાગ્રત સમય ના સંસ્કારો થી જ,
સ્ત્રીઓ,પુત્રો,મિત્રો અને ઘોડા,રથ,તળાવ,પર્વત વગેરે ના આકારો ઉત્પન્ન કરે છે,
કોઈ વેળા હાથી,વાઘ,ચોર શત્રુ,સર્પ વગેરે આકારો  ને ઉત્પન્ન કરે છે,
કોઈ વાર તે પ્રેમાળ સ્ત્રીઓ સાથે રમે છે,હસે છે,વિહાર કરે છે,
કોઈ વાર મિષ્ટાન્ન જમે છે,કોઈ વાર વાઘ વગેરે ના ભય થી નાસભાગ કરે છે.

તો કોઈ વાર વાઘ પોતાને ખાઈ રહ્યો છે એમ સમજી રડે છે.  (૭૮-૭૯-૮૦)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE    


Sat-Sloki-Gujarati-17









શત-શ્લોકી-17-(આદિ) શંકરાચાર્ય રચિત
(૧) સ્થૂળ-સૂક્ષ્મ પ્રપંચ (maya) નો લય,(૨) ઇન્દ્રિયો સાથેનો સંબંધ ના હોવો,અને
(૩) સત્ય સુખ ની પ્રાપ્તિ-
આ ત્રણે જીવન-મુક્તિ (સુષુપ્તિ-સમાધિ) અને સુષુપ્તિ (નિંદ્રા) માં એક સરખા હોય છે.
તો પણ તેમાં તફાવત છે.
સુષુપ્તિમાં (નિંદ્રામાં) રહેલો આત્મા પૂર્વના –એટલે કે જાગ્રત અવસ્થાના સંસ્કાર થી ફરી જાગી,
જાગ્રત અવસ્થામાં સંસારમાં પાછો આવે છે,
પણ જે આત્મા સુષુપ્તિ (સમાધિ) પામી ને જીવન-મુક્ત થયો હોય,
તેના સર્વ સંસ્કારો નાશ પામેલા હોવાથી ફરીથી સંસારમાં
આવતો નથી,એટલે કે સંસાર તેને અસર કરતો નથી.(સંસાર થી મુક્ત બને છે)  (૭૦)

સર્વ સંપત્તિ અને સમૃદ્ધિવાળો રાજા જે સર્વ આનંદો અનુભવે છે,
તે બધા આનંદો ના કરતાં સો ગણો,અને એક એવો આનંદ પિતૃદેવોનો છે,
આ પિતૃદેવોના આનંદથી સો-સો ગણો આનંદ બ્રહ્મ-લોક સુધીના દેવ-લોકો નો છે.

અને આ ઉપરનાં સર્વ આનંદો પણ જેમાં સમાઈ જાય છે,એવો જો કોઈ આનંદ હોય તો તે કેવળ
(સમાધિ દ્વારા મેલવાયેલ-પરમાનંદ) બ્રહ્માનંદ જ છે.
કે જેની આગળ વિષયનાં સર્વ સુખો,તો તેના માત્ર એક અંશ-રૂપ જ હોય છે. (૭૧)

નીચેની સ્તુતિ-રૂપ કરાયેલી વેદવાણી આવા “બ્રહ્માનંદ” ની (પરમાનંદ ની) સર્વોપરિતાની સાક્ષી છે.
“હે ચંદ્રદેવ,
જે બ્રહ્માનંદ (પરમાનંદ) માં મનુષ્ય-લોક ના,પિતૃલોકના અને દેવલોકના  આનંદો,સમાઈ જાય છે, અને
જે બ્રહ્માનંદ પ્રાપ્ત થવાથી સર્વ કામનાઓ પ્રાપ્ત થઇ જાય છે,પ્રપંચ (માયા) નો વિરામ થવાથી
કેવળ જે પરબ્રહ્મ-રૂપ ની સ્થિતિ હોય છે,તે
પરમાનંદ વ્યાપ્ત-બ્રહ્માનંદ –રૂપ પદ માં મને લાંબા કાળ સુધી અમર કરો. અને
બે ભ્રમર ની વચ્ચે (જીવાત્મા-આત્મા-રૂપે) રહેલા એ અમૃત-પૂર્ણ ની અમૃતધારા આપો” (૭૨)

આત્મા કેવળ “સ્થિર અને સુખ” -રૂપે જ પ્રકાશે છે,અને
તેનાથી જુદી જે માયા છે તે તો તેનાથી ઉલ્ટી જ સ્ફૂરે છે (માયા અસ્થિર અને દુઃખ-રૂપ છે)
આ આત્મા ની સ્થિરતા (સુખ) અને માયા ની અસ્થિરતા (દુઃખ) “મન” માં પરિણામ પામે છે.
(મન માં કોઈ વાર સ્થિરતા અને કોઈ વાર ચંચળતા જણાય છે તે આત્મા અને માયા ના ધર્મો છે)

આ રીતે મન ની ચંચળતા (માયાને લીધે ઉદભવેલી અસ્થિરતા) એ દુઃખ નું કારણ છે.
(ઈચ્છાઓ અને કામનાઓ ને લીધે) જ્યાં સુધી ઇચ્છિત પદાર્થ ની પ્રાપ્તિ ના થાય, ત્યાં સુધી
તે મન ચંચળ રહે છે,અને પછી જયારે ઈચ્છિત પદાર્થ મળે છે,ત્યારે
આશ્ચર્ય ની વાત એ છે –મનમાં જ્યાં સુધી થોડો સમય સ્થિરતા રહે છે ત્યાં સુધી જ
તે વિષય નું ક્ષણિક સુખ ટકે છે, (અને બીજી કામનાઓ-ઈચ્છાઓ નો ઉદ્ભવ થવાથી
સ્થિરતા જતી રહે છે અને મન ની પૂર્વવત ચંચળતા પાછી આવે છે.)
આ રીતે વિષયસુખ નાશવંત અને થોડા સમયનું જ હોવાથી તેનો કોઈ અર્થ નથી. (૭૩)

આ ક્ષણિક વિષયસુખ પણ એ બ્રહ્માનંદ નો અતિ અલ્પ (થોડો-ક્ષણિક ) અંશ છે તે સમજાવતાં કહે છે કે-
જેમ સ્ત્રી-પુરુષ ના રતિસુખ (મૈથુન) ના અંત સમયે આંખ ના પલકારા જેટલું સુખ અનુભવાય છે
કારણકે મન તે વખતે એક-રસમાં એક-તાન (સ્થિર) થયું હોય છે,(તેવી જ રીતે)
સુષુપ્તિ માં પણ જ્યાં સુધી મન ની સ્થિરતા હોય છે ત્યાં સુધી જ અતિ સુખ અનુભવાય છે,

જયારે જીવનમુક્ત નું મન સદા ને માટે અત્યંત શાંત અને સ્થિર થયેલું હોય છે,તેથી તેને ક્ષણિક સુખ નહિ,
પણ નિત્ય-સુખ  નો પરમ-આનંદ (બ્રહ્માનંદ) રહે છે,

આ ઉપરથી જણાય છે કે-સુખ અને મન ની સ્થિરતા એ બંને નું સાહચર્ય છે.
(જેટલી મન ની સ્થિરતા તેટલું જ તેની સાથે સુખ હોય છે)
અને એથી એમ કહી શકાય કે-વિષય-સુખ “ક્ષણિક” હોવાથી
નિત્ય ના બ્રહ્માનંદ નો અતિ થોડો (અલ્પ) માત્ર અંશ જ છે.  (૭૪) 

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-16


શત-શ્લોકી-16-(આદિ) શંકરાચાર્ય રચિત
જેને (જે મનુષ્યને) સમજાયું છે કે-જગતમાં ઈશ્વર જ્ઞાન-સ્વરૂપ અને બુદ્ધિમાં રહેલા છે,
અને આકાશ ની પેઠે,એક, હોઈને સર્વ ભૂતો (પ્રાણીઓ) ની અંદર અને બહાર ચારે બાજુ વ્યાપી રહેલા છે,
એવા,તે પરમાત્માના આ શરીર માં જ જો (આત્મા તરીકે) સાક્ષાત દર્શન કર્યાં હોય, વળી,
બ્રહ્મ થી જુદું જણાતું,આ સમગ્ર જગત,માત્ર આભાસ-રૂપ જ છે,એમ જો દેખાયું હોય,તો,
સર્વ (ઇન્દ્રિયોના) વ્યાપારો નો ત્યાગ કરી “હું શુદ્ધ બ્રહ્મ છું” (શુદ્ધ અહં બ્રહ્માસ્મિ) –
એમ નિરંતર અનુભવી,એ બ્રહ્મ-ભાવ માં જ સ્થિતિ કરવી જોઈએ.  (૬૪)

જમણા નેત્રમાં તેના દેવ-તરીકે ઇન્દ્ર અને ડાબા નેત્રમાં તેની દેવી તરીકે ઇન્દ્રાણી રહે છે,
આ બંને જયારે –બે ભ્રમર ની વચ્ચે હોય,ત્યારે જાગ્રત અવસ્થા,
અને જો હૃદયાકાશ માં હોય તો,તે સ્વપ્નાવસ્થા,
અને આ અવસ્થામાં (સ્વપ્ન ની અવસ્થામાં) તે બંને શૈયા સુખ ભોગવતાં હોય,
અને તે સુખની અંત અવસ્થા-તે સુષુપ્તિ અવસ્થા.(નિંદ્રા અથવા સમાધિ અવસ્થા)

આ અવસ્થા (સુષુપ્તિ ની સમાધિ અવસ્થા) માં જે અતિ ગહન પદ પ્રાપ્ત થાય છે તે જ “આનંદ-કોશ” છે.
એ આનંદ-કોશ (સમાધિ ની સુષુપ્તિ અવસ્થામાં) માં નિરતિશય સુખ માં લીન થયેલો
જીવાત્મા કંઇ જાણતો નથી,(એટલે કે કોઈ પદાર્થ નું તેને ભાન હોતું નથી)
એ સમયે તેને જો જગાડ્યો હોય તો તે દુઃખી થાય છે,
આવા કારણ થી જ ઉત્તમ-બુદ્ધિ-વાળો સજ્જન-તેવા (સમાધિમાં) સૂતેલા ને જગાડતો નથી, (૬૫)

જેમ,સુષુપ્તિમાં (નિંદ્રામાં) સર્વ જીવો,સમાન સ્થિતિવાળા થઇ,કેવળ આનંદ ને જ અનુભવે છે,
તેમ,જાગ્રત અવસ્થામાં,તે જીવ,કે જે સર્વ પર ઉપકાર કરવા વાળો છે અને
ઇન્દ્રિયો ને અંતર્મુખ કરી (નિદિધ્યાસન માં) સુખ ને પ્રાપ્ત કરનારો છે,
તે જ કેવળ “પરમાનંદ” ને અનુભવે છે.

પરંતુ જાગ્રત અવસ્થા માં જે જીવ,સ્ત્રી-પુત્રાદિ વગેરે ના પેટ ભરવા માટે બહિર્મુખ વૃત્તિઓ વાળો રહે છે,
(ઇન્દ્રિયો ને બહિર્મુખ રાખે છે) તે અનેક જાતના દુઃખો અનુભવે છે,અને
ઇન્દ્રિયો ને વશ થઇ,શોક અને મોહ ને પામે છે.  (૬૬)

જાગ્રત અવસ્થામાં જીવાત્મા વિષયોના સુખ માટે અનેક જાતના યત્નો કરે છે.
પછી જયારે સર્વ ઇન્દ્રિયો નો સમુદાય થાકી જાય છે ત્યારે
તે જાગ્રત અવસ્થા માં -થોડાક પણ મેળવેલા એ વિષય-સુખ ને  પણ ભૂલી જઈ વિશ્રાંતિ
લેવા  અને થાકેલી ઇન્દ્રિયો ને સુખ આપવા માટે નિંદ્રા પામે છે, ત્યારે,
તે નિંદ્રા ના સમયે,ઇન્દ્રિયો થી અલગ થઇ કેવળ આત્મ સ્વ-રૂપ મા જ સ્થિતિ થાય છે, અને.
નિંદ્રા નું તે અતિશય સુલભ અને વિના પ્રયત્ને આવી મળેલું,પરમ સુખ પ્રાપ્ત કરે છે.
એ ઉપરથી સિદ્ધ થાય છે કે,
ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા અલ્પ સુખ કરતાં
ઇન્દ્રિયો ના સંબંધ વિના નું આત્મ-સ્વ-રૂપ નું (નિંદ્રા વખતના સુખ જેવું) સુખ શ્રેષ્ઠ છે.  (૬૭)

જેમ,આકાશમાં ઉડતા પહેલાં પક્ષી બંને પાંખો પહોળી કરી વારંવાર હલાવી વાયુ (શૂન્યાવકાશ) ઉત્પન્ન કરે છે,અને તે દ્વારા ઉંચે આકાશ માં પહોંચી,ત્યાં રહેલા (મહાન)વાયુ ને પામી ને પોતાની પાંખો પ્રસારીને,
સ્થિર કરીને થાક દૂર કરે છે,અને આનંદથી આકાશમાં ફરે(ઉડે) છે.
તેમ,જાગ્રત અને સ્વપ્ન અવસ્થા ના વિષયો માટે,અનેક જાતના સંકલ્પ-વિકલ્પો વડે હેરાન થયેલું
આ ચિત્ત (મન) થાકી ને વિશ્રાંતિ લેવા માટે –જયારે સુષુપ્તિ અવસ્થામાં (નિંદ્રામાં) હાથ-પગ પહોળા કરી અને  લાંબો સમય સુધી સૂઈ જાય છે અને ત્યારે,તે વેળા આનંદ માં મગ્ન બને છે, (૬૮)

પણ જેમ,પરદેશથી ઘેર આવેલો કામી પુરુષ,પોતાની સ્ત્રીને એકદમ ગાઢ આલિંગન કરી સુખ પામે છે,
ત્યારે ઘરનું કે બહારનું કોઈ વસ્તુ નું કે વ્યક્તિ નું તેને ભાન રહેતું નથી,
તેમ,સુષુપ્તિમાં (સમાધિ માં) એકાએક પરમાત્મા ને ભેટી ને તદ્રુપ થઇ ને પરમાનંદ પામેલા,જીવાત્માને,
બહારનું કે અંદરનું,કોઈ વસ્તુ નું ભાન રહેતું નથી.તે વેળા તેના સર્વ વ્યવહાર,પુણ્ય-પાપ ના પરિણામ,
શોક,મોહ અથવા ભય –એ બધું અસ્ત પામે છે,અને તે સમ-વિષમ કંઈ પણ જાણતો નથી.(૬૯)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-15

શત-શ્લોકી-15-(આદિ) શંકરાચાર્ય રચિત

જેમ,કેવળ વરસાદનું પાણી,જુદી જુદી સર્વ ઔષધિઓ ની અંદર,જુદા જુદા અમાપ રસો,ગંધો,વગેરે-
પરિણામ-રૂપે (વિપાક-રૂપે) આપે છે,
તેમ,એક જ આત્મા (પરમાત્મા) અનેક પ્રાણીઓ-અનેક પદાર્થો,અને તેઓના જુદા  જુદા સ્વભાવ-રૂપે-
પરિણામે પ્રગટે છે.
વળી તે આત્મા ને લીધે જ પૃથ્વી વિશ્વ (જગત) ને ધારણ કરી રહી છે.
તે આત્મા ને લીધે જ, વરસાદ સારી રીતે વરસે છે,અગ્નિ રાંધવાની તથા બાળવાની ક્રિયા કરે છે,
પરમાત્મા ક્યાં નથી? પરમાત્મા એ સર્વ માં-સર્વ જગ્યાએ- વિરાજેલા છે.(૫૯)

સર્વ પ્રાણીઓમાં અને પદાર્થો માં એક જ આત્મા (પરમાત્મા) નાં દર્શન કરવાં,અને
સર્વ ને (પ્રાણીઓ અને પદાર્થો ને) પરમાત્મા માં જ ઓતપ્રોત રહેલા જોવા.
કારણકે,જેમ,પાણી નાં દરેક મોજાં લગભગ પાણી ને  જ અનુસરી ને રહે છે.
મોજાં કોઈ જુદી વસ્તુ નથી, અને એ બધું પાણી જ છે,
તેમ,આ બધું જગત કેવળ આત્મા જ છે,એમ સર્વ સમયે જોવું.
ઉપનિષદો માં પણ એ જ માનવામાં આવ્યું છે કે-બ્રહ્મ,એક અને અદ્વિતીય છે,તેના કોઈ અનેક જાતના ભેદ જ નથી. છતાં જે મનુષ્ય આ બ્રહ્મ માં જગત-રૂપ ભેદ ને જુએ છે(એટલે કે બ્રહ્મ ને જગત થી જુદું માને છે)
તે આ સંસાર માં મૃત્યુ પછી મૃત્યુ પામ્યા કરે છે (એટલેકે તેનો કદી મોક્ષ થતો નથી)  (૬૦)

જેમ,આ આકાશ ઘડાની પહેલાં અને પાછળ (ઘડાની અંદર અને બહાર) એક સર્વ કાળે હોય છે,
આવું (આ સત્ય) જ્ઞાન છે છતાં,ઘણા અજ્ઞાનીઓ ને એવું માને છે કે-
આકાશ ઘડાની ઉત્પત્તિ વખતે ઉત્પન્ન થાય છે,ઘડો નાશ પામે ત્યારે (આકાશ) નાશ પામે છે,
ઘડા ને એક ઠેકાણે થી બીજી જગ્યાએ લઇ જવાય,ત્યારે આકાશ તેની સાથે એક જગ્યાએ થી બીજી જગ્યાએ જાય છે,અને ઘડો જેવો,નાનો-મોટો,વાંકો-ચૂંકો,ઊંડો-છીછરો હોય,તો આકાશ તેના જેવું થાય છે.

તેમ,આ આત્મા ચારે બાજુ વ્યાપક છે અને દેહાદિ (દેહ-વગેરે) ના પહેલાં અને પાછળ (અંદર અને બહાર)
રહેલો જ છે, આવું સત્ય જ્ઞાન હોય છે છતાં ઘણા અજ્ઞાનીઓ એવું માને છે કે-
આત્મા,દેહાદિ ની ઉત્પત્તિ ની સાથે ઉત્પન્ન થાય છે,અને તે દેહનો નાશ થતાં,તે (આત્મા) નાશ પામે છે,
દેહ એક ઠેકાણે થી બીજે ઠેકાણે જાય ત્યારે આત્મા પણ એક ઠેકાણે થી બીજે ઠેકાણે જાય છે,
અને દેહ –વગેરે જેવા નાના-મોટા,લાંબા-ટૂંકા,વાંકા-ચૂંકા –હોય તેવો જ આત્મા હોય છે.(૬૧)

જેમ ગોળ નો પિંડો જેવડો હોય છે,તેટલી અને તેવડી (આખી) મીઠાશ જ છે, અથવા,
કપૂર નો ગાંગડો જેવડો હોય છે,તેટલી અને તેવડી જ તેમા સુગંધ ભરેલી હોય છે,
તેમ,વૃક્ષો,પર્વતો,શહેરો,બાગ-બગીચા,દેવ-મંદિરો થી સુંદર દેખાતું આ જગત ,
જેટલું અને જેવડું દેખાય છે,તેટલું અને તેવડું કેવળ એક ચૈતન્ય જ પ્રકાશે છે.
આમ,(આવું) આત્મ-તત્વ નું જ્ઞાન થયા પછી,બધું જ -કેવળ આત્મા-રૂપે જ બાકી રહે છે.(૬૨)

જેમ,વાજિંત્ર (જેમ કે નગારા) માંથી નાદ ઉત્પતિ નો જે અનુભવ થાય છે,તે વાજિંત્ર ઉપર કરવામાં  
આવેલ દાંડી ના પ્રહાર થી જ જણાય છે,પણ વાજિંત્ર,તેના પર કરેલો દાંડી નો પ્રહાર અને તેનામાંથી નીકળતો નાદ (અવાજ)-એ ત્રણે નો અનુભવ જુદો જુદો થતો નથી,
પરંતુ ત્રણે એક સાથે જ અનુભવાય છે,
તેમ,માયા,બ્રહ્મ(ઉપાદાન કારણ) ,અને આ જગત –એ ત્રણે નો અનુભવ જાણે એક સાથે થતો હોય તેમ લાગે છે. અને માયા તથા જગત, તે બ્રહ્મ ની સાથે જ રહેલાં હોય તેમ જણાય છે.
પણ ખરી  રીતે,(એમ ના સમજતાં) જો એ બ્રહ્મ ને પ્રત્યેક માં (માયા અને જગતમાં) વ્યાપ્ત જાણવામાં આવે,અને એ બ્રહ્મ સિવાય બીજું કશું નથી,એમ જો અનુભવાય,તો,
તે જગત ને માયા એવી કોઈ વસ્તુ જણાય જ નહિ.(રહે જ નહિ) (૬૩)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 

Sat-Sloki-Gujarati-14

શત-શ્લોકી-14-(આદિ) શંકરાચાર્ય રચિત

 જેમ કોઈ કારીગર (કઠપુતળી વાળો) એક જ લાકડી પર તાર થી બાંધેલી જુદી જુદી પૂતળીઓ ના જુદા જુદા હાવ-ભાવ,વ્યવહાર  એક સાથે કરી બતાવે છે,વળી બીજો કારીગર તેની સાથે જુદા જુદા અવાજો અને સંગીત થી પ્રસંગ ને જીવિત કરી બતાવે છે,
તેમ,સર્વ સ્થળે ઓતપ્રોત (પરોવાઈ ને) રહેલા,અને જુદી જુદી અને નવી નવી શક્તિઓ દ્વારા,જગત ના જે વ્યવહારો માં જેટલી જરૂર હોય તે પ્રમાણે
“કારણ” તરીકે અનુસરતા “સૂત્રાત્મા” નામના “પર-બ્રહ્મ” ને લીધે જ -
“ભૂર(લોક)-ભુવઃ(લોક)-સ્વઃ(લોક)  અને મહર્લોક” સુધી નું સર્વ જગત વ્યવહાર કરી રહ્યું છે. (૫૫)

જે પ્રાણ,દિશા,આકાશ -વગેરે નાશ પામતા નથી,તેથી તે સત્ય કહેવાય છે,પણ,
ખરી રીતે તો એ બધાં “સત્ય-દ્રવ્યો” તેમના અધિષ્ઠાન “બ્રહ્મ” માં જ લય પામે છે,
તેથી (આ કારણથી) તે “બ્રહ્મ” સત્ય નું પણ સત્ય કહેવાય છે.
તે (બ્રહ્મ) ના જેવી કે તેનાથી અધિક બીજી કોઈ વસ્તુ છે જ નહિ.
“સત્” એટલે કે પૃથ્વી,જળ અને તેજ -જેવા મૂર્ત દ્રવ્યો (દેખી શકાય તેવા દ્રવ્યો) અને
“ત્યત” એટલે કે વાયુ ને આકાશ-જેવા અમૂર્ત દ્રવ્યો (દેખી ના શકાય તેવા દ્રવ્યો)-જોકે
વ્યવહારમાં સત્ય કહેવાય છે,પણ તે બધાં બ્રહ્મ માં જ લીન થાય છે.(તે બ્રહ્મ માં આરોપણ કરાયેલા છે)
માટે બ્રહ્મ જ સત્ય નું પણ સત્ય છે.(૫૬)

જેમ છીપ માં રૂપું,દોરીમાં સાપ અને સુર્યના કિરણો થી બનતું ઝાંઝવાનું જળ-વગેરે જેવા
અસત્ય પદાર્થો, વ્યવહારમાં ભ્રાંતિથી (ભ્રમથી) સત્ય જણાય છે,
આવા તે બધા કેવળ વ્યવહાર માં જ સત્ય ગણાતાં (રૂપું,દોરી,મૃગજળ) એ
છીપ ,દોરી,કિરણો વગેરે ના આશ્રય થી જ જણાય છે.
અને જ્યાં સુધી છીપ-વગેરે નું જ્ઞાન હોતું નથી ત્યાં સુધી જ જણાય છે.આવો લોક પ્રસિદ્ધ નિયમ છે.

તે જ પ્રમાણે,બધું મિથ્યા જગત, એ સત્ય ના સત્ય (અને મૂળ-અધિષ્ઠાન રૂપ) બ્રહ્મ ના આશ્રય થી જ
પ્રગટ્યું છે,અને જયારે બ્રહ્મનું જ્ઞાન થાય છે,ત્યારે તે (જગત) મિથ્યા જણાય છે.
આથી,તે બ્રહ્મ ને જ્ઞાનીઓ સત્ય કહે છે. (૫૭)

જે (બ્રહ્મ)માં આકાશ નો અવકાશ (પોલાણ) માત્ર એક અંશ-રૂપ જણાય છે,
પૂર્ણ કાળ (સમય) પણ આંખના માત્ર- એક પલકારા જેટલો જ જણાય છે,
દિશાઓ નો છેડો,પણ જેને (બ્રહ્મને) વિષે (જેનાથી) જણાય છે,
સૌથી પહેલા નો વિરાટ પુરુષ પણ જે (બ્રહ્મમાં) જાણે આજકાલ પ્રગટ્યા હોય તેવા (અર્વાચીન) લાગે છે,
અને સૂત્રાત્મા હિરણ્ય-ગર્ભ પણ જે (બ્રહ્મ) ને વિષે (જે –બ્રહ્મ-નાથી) જ પ્રગટ્યા છે,
માટે, તે બ્રહ્મ જ -મહાન થી મહાન છે.અને,
જેમ,સમુદ્ર જોકે સંપૂર્ણ ગણાય છે,પણ ખરી રીતે તો પ્રલયકાળે સર્વ એકઠું થયેલું સર્વ સમુદ્રો નું પાણી જ
વ્યવહાર માં પૂર્ણ ગણાય છે,તેમ ખરી રીતે બ્રહ્મ જ સર્વ પૂર્ણ થી પૂર્ણ છે. (૫૮)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE 

Sat-Sloki-Gujarati-13

શત-શ્લોકી-13-(આદિ) શંકરાચાર્ય રચિત

જેમ, સૂર્ય એક જ છે પણ જુદા જુદા જળમાં પ્રતિબિંબ રૂપ થવાને કારણે અનેક સૂર્ય-પણા ને પામે છે,
અને તે જળ-રૂપ ઉપાધિ જેવી સ્થિતિ કે ગતિમાં હોય તેની સમાનતા ને પણ પામેલો જણાય છે.
તેમ,પરમાત્મા નાના-મોટાં અનેક પ્રાણીઓ-રૂપ ઉપાધિ માં (જીવ રૂપે),પ્રતિબિંબીત થઇ,
અનેક રૂપે ભાસે છે,વળી (અને)
તે ઉપાધિ ની સ્થિતિ પ્રમાણે,ગતિ પ્રમાણે –તેની સમાનતા ને પામેલા જણાય છે,અને
અનેક સ્વ-ભાવો થી યુક્ત થયેલા જણાય છે.

પરંતુ,ખરી રીતે,જેમ,સૂર્ય ,જળ ના કોઈ પણ ધર્મ થી યુક્ત થયા વિના,પોતાના મૂળ-રૂપે સ્પષ્ટ-પણે
પ્રકાશે છે,તેમ પરમાત્મા પણ,તે તે ઉપાધિઓ ના કોઈ પણ સ્વભાવ કે ધર્મ થી યુક્ત થયા વિના,
શુદ્ધ સ્વ-રૂપે,અને સ્પષ્ટ પ્રકાશે છે,  (૫૨)

જેમ,ચંદ્ર ની અંદર પ્રતિબિંબિત થયેલાં સૂર્ય નાં જ કિરણો થી રાત્રિ નું ગાઢું અંધારું નાશ પામે છે,અથવા,
જેમ,દિવસે કાંસા ના વાસણમાં પ્રતિબિંબિત થયેલાં સૂર્ય નાં જ કિરણો થી જ ઘરનું અંધારું નાશ પામે છે,
તેમ, બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી અને ઇન્દ્રિયો દ્વારા ફેલાતી,પરમાત્મા ની કાંતિ (તેજ) વડે,
ચારે બાજુ નામ-રૂપ વાળા પદાર્થો નિરંતર પ્રકાશે છે.(૫૩)

જેમ, એક જ આકાશ,ત્રણ પ્રકારનું જણાય છે,(૧) જળ યુક્ત આકાશ (૨)જળ માં પ્રતિબિંબિત આકાશ.
(૩) જળ ની અંદર અને બહાર રહેલું આકાશ.
તેમ,એક જ “આત્મ-તત્વ” (અવિદ્યા-અજ્ઞાન-માયા થી) ત્રણ પ્રકારનું દેખાય છે.
(૧) પૂર્ણાત્મા (પરમ તત્વ) (૨) અનાત્મા (જડ પદાર્થો) (૩) ચિદાભાસ (ચિત્ત નો અભાસ)

આમાંનું પહેલું સ્વ-રૂપ તે જ પરમતત્વ છે. બીજું બુદ્ધિ થી યુક્ત (જડ પદાર્થો) છે અને
ત્રીજું,તે બુદ્ધિ માં માત્ર આભાસ રૂપે જણાય છે.

આમાં પૂર્ણ સ્વરૂપ અને બુદ્ધિ થી યુક્ત,-એ બંને ની એકતા નું જયારે જ્ઞાન થાય છે,
ત્યારે અવિદ્યા (અજ્ઞાન) પોતાનાં કાર્યો (ચિદાભાસ) વગેરે ની સાથે જ નાશ પામે છે.(૫૪)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE