અધ્યાય-૧૧૭-દશમો દિવસ (ચાલુ) સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ शिखंडी तु रणे भीष्ममासाद्य पुरुषर्षभम् I दसभिर्निशितैर्मल्लैराजधान्सतनांतरे ॥१॥
સંજયે કહ્યું-શિખંડીએ રણસંગ્રામમાં પુરુષશ્રેષ્ઠ ભીષ્મ પાસે આવીને તીક્ષ્ણ એવાં દશ બાણોથી તેમને છાતીમાં પ્રહાર કર્યો.ત્યારે ભીષ્મ ક્રોધથી પ્રજ્વલિત થયેલી આંખો વડે જાણે શિખંડીને બાળી નાખતા હોય તેમ તેને જોવા લાગ્યા અને 'આ સ્ત્રી છે'એમ કહીને તેની પર તેમણે પ્રહાર ન કર્યો.તે વેળા,અર્જુન શિખંડીને કહેવા લાગ્યો કે-'હે વીર,તમે જલ્દી ભીષ્મ સામે ધસો ને તેમને હણી નાખો.હું તમને વારંવાર શું કહું? યુધિષ્ઠિરના સસૈન્યમાં તમારા સિવાય બીજો કોઈ યોદ્ધો જોવામાં આવતો નથી કે જે ભીષ્મ સામે યુદ્ધ કરવા શક્તિમાન થાય,આ હું તમને સત્ય કહું છું.'





