Oct 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1284

શિષ્ય : હે મહારાજ,જો દૃશ્ય(જગત) નથી તો પછી દૃશ્યના આકારે શી વસ્તુ ભાસે છે?
અને પાછો બોધ થઇ ગયા પછી તે દૃશ્ય કેમ ભાસતું નથી?કઈ વસ્તુનું એ રૂપ છે? ચિદાકાશનું કે કોઈ બીજાનું?

ગુરૂ : જેમ,છીપ,પોતાના ચકચકિતપણાથી રૂપાના આકારે સ્ફુરે છે,તેમ પોતાની સત્તાના બળથી,
આ સ્વચ્છ ચિદાકાશ જ જે કંઈ વિવર્ત (આભાસ કે વિલાસ) ના આકારે સ્ફુરે છે-તે જ જગતના નામે ભાસે છે,
બાકી જગત એ કોઈ બીજી વસ્તુ નથી,પણ ચિદાકાશ-રૂપ-વસ્તુનું (આભાસથી ભાસતું) એક સ્વરૂપ જ છે.
જેમ એક જ અવયવીનું સ્વરૂપ,શ્વેત (સફેદ) અને કૃષ્ણ(કાળાશ) એ બંને વડે યુક્ત હોય છે,
તેમ,પરમાત્માનું પોતાનું ચિદાકાશ-રૂપી-શરીર જ સૃષ્ટિ અને પ્રલય-એ બંને-રૂપે રહેલું છે.
વસ્તુતઃ તો તેના વિવર્તનું પ્રસરવું (સૃષ્ટિ) અને તેનું સમેટાઈ જવું (પ્રલય) એવી જ 'કલ્પના' કરવામાં આવી છે.

Oct 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1283

(૨૧૩) સર્વ બ્રહ્મસ્વરૂપ છે
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,હમણાં તમે જે  જગતતત્વ ને આત્મતત્વ વિષે પૂછો છો,તે જ તમે મને પૂર્વજન્માંતરમાં
પૂછ્યું હતું.તે વખતે પણ આપણા બંનેનો ગુરૂ-શિષ્યભાવ હતો.કોઈ એક પૂર્વકલ્પમાં હું ગુરૂ-રૂપ અને તમે શિષ્ય-રૂપ
થયા હતા ત્યારે તમે મારી પાસે શિષ્ય-રૂપે બેઠા હતાં અને વિશાળ ધીર-બુદ્ધિવાળા હતા,
તે સમયે તમે મને નીચે મુજબ પૂછ્યું હતું.

શિષ્ય : હે મહારાજ,આ સર્વ જગતના સંબંધમાં મારો એક અતિશય સંશય છે,તે આપ નિવૃત્ત કરો.
મહાપ્રલયમાં શી વસ્તુ નાશ પામે છે? અને શી વસ્તુ નાશ પામતી નથી?

Oct 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1282

અદ્વિતીય એવું બ્રહ્મજ્ઞાન થયા છતાં પણ તમે અધ્યારોપ દૃષ્ટિનો અંગીકાર કરી લઇ,મારા ઉપદેશના શ્રવણમાં
આસક્ત-ચિત્ત થાઓ છો અને મિશ્ર-દૃષ્ટિના પક્ષને સ્વીકારી તમે દ્વૈતને સ્વીકારો છો.(એમ સમજો)
મિશ્ર-દૃષ્ટિમાં બ્રહ્મ એ સર્વ-રૂપ છે તથા સર્વમાં અંતર્ગત એવો જીવ કંઈ કંઈ કર્યા જ કરે છે ને અનુભવે છે.
હવે જો બ્રહ્મ જ એ સર્વના (જીવ)આકારે ક્રિયા કરતુ હોય ને અનુભવતું હોય,તો તે સર્વદા સર્વ પ્રકારે સર્વ કાર્ય
કર્યે જાય છે,પણ નિર્વિશેષ દૃષ્ટિથી જોઈએ તો તે કોઈ પણ દેશ-કાળમાં કશું કરતું નથી કે તેનાથી કશું ભિન્ન નથી.