Jul 8, 2020

ભાગવત રહસ્ય -૩૨૬

દૂધ દોહવાનો સમય થાય એટલે બાંધેલાં વાછરડાંને છોડવામાં આવે છે,તે થોડું દૂધ પીવે પછી,દૂધ દોહવામાં આવે છે,પણ સમય ના થયો હોય અને તે પહેલાં વાછરડાંને છોડે તે શ્રીકૃષ્ણ.વાછરડાનો અર્થ થાય છે-વિષયાશક્ત જીવ.પરમાત્માની વિશિષ્ટ કૃપા થાય તો,બંધનમાંથી મુક્ત થવાનો સમય ના થયો હોય તો પણ –પરમાત્મા જીવાત્માને બંધનમાંથી છોડાવે છે.શાસ્ત્ર માં મુક્તિના બે પ્રકાર બતાવ્યા છે.(૧) ક્રમ મુક્તિ (૨) સદ્યોમુક્તિ.સમય આવ્યે (ક્રમથી સમય આવ્યે) મુક્ત કરે તે મર્યાદા પુરુષોત્તમ રામ.પણ કનૈયો તો પુષ્ટિ પુરુષોત્તમ છે.જીવ લાયક ના થયો હોય તો પણ જીવને ક્રમ પ્રમાણે નહિ,પણ તરત મુક્તિ આપે છે. આ પુષ્ટિ માર્ગ-કૃપામાર્ગ છે.

Jul 7, 2020

ભાગવત રહસ્ય -૩૨૫

શંકરાચાર્યજીએ કહ્યું છે-કે- પરમાત્માનો સાક્ષાત્કાર થાય પછી,તેવા જ્ઞાનીને હાથે પાપ થતું નથી,અને કદાચ થાય તો દોષ તેના માથે જતો નથી.પણ પરમાત્માનો સાક્ષાત્કાર જેને નથી થયો,તેવા અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે.ચોરી કરવી જોઈએ નહિ તેવી આજ્ઞા શાસ્ત્ર આપે છે.પરમાત્મા જેને અપનાવે છે-પછી આખું જગત તેનું -જ – થઇ જાય છે.પછી તે ચોરી કરતો નથી.જે પરમાત્મા (આત્મા)ને ઓળખે છે,જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે,તે જ્ઞાની માટે શાસ્ત્ર નથી,તે શાસ્ત્ર-વિધિ-નિષેધથી પર થઇ જાય છે. શાસ્ત્ર પશુ માટે પણ નથી,શાસ્ત્ર મનુષ્ય માટે છે.

Jul 6, 2020

ભાગવત રહસ્ય -૩૨૪

બાલકૃષ્ણ ધીરે ધીરે મોટા થયા છે.ત્રણ વર્ષ પૂરાં થયા અને ચોથું બેઠું છે.
મનસુખ,મધુમંગલ,શ્રીદામા –વગેરે મિત્રો સાથે રમવા જાય છે.કેટલાક ગરીબ ગોવાળ ના છોકરા બહુ દુર્બળ હતા.કનૈયો કહે છે-મનસુખ તું બહુ દુબળો છે,આવો દુર્બળ મિત્ર મને ગમે નહિ,તું મારા જેવો તગડો થા.મનસુખ રડવા લાગ્યો,કહે છે-કે- તું તો રાજા નો દીકરો છે,તારી મા તને રોજ માખણ ખવડાવતી હશે,કનૈયા અમે ગરીબ છીએ,માખણ ક્યાંથી ખાઈ શકીએ? લાલા,મને તો દૂધ પણ મળતું નથી,મારે તો છાશ પીવી પડે છે,મને પણ કોઈ માખણ ખવડાવે તો તારા જેવો તગડો થાઉં.