અધ્યાય-૪-પૃથ્વીના ગુણોનું વર્ણન
II वैशंपायन उवाच II एवमुक्त्वा ययौ व्यासो धृतराष्ट्राय धीमते I धृतराष्ट्रो पितच्छ्रुत्वा ध्यानमेवान्वपद्यत II १ II
વૈશંપાયને કહ્યું-બુદ્ધિમાન ધૃતરાષ્ટ્રને એ પ્રમાણે કહીને વ્યાસજી ચાલ્યા ગયા,પછી,ધૃતરાષ્ટ્રે બે ઘડી વિચાર કરીને નિસાસા નાખીને સંજયને પૂછ્યું કે-હે સંજય,યુદ્ધને અભિનંદન આપનારા આ શૂરા રાજાઓ,પૃથ્વીનું ઐશ્વર્ય મેળવવાની ઈચ્છાથી એકબીજાને સાંખી શકતા નથી અને શસ્ત્રો વડે એકબીજાનો નાશ કરે છે,એ ઉપરથી હું માનું છું કે પૃથ્વીમાં બહુ ગુણો રહેલા છે,તું મને તે પૃથ્વીના ગુણો કહે.હમણાં આ કુરુજાંગલ દેશમાં,જુદાજુદા દેશદેશથી ને નગરોથી આવેલા વીર પુરુષોના દેશોના ને નગરોના વાસ્તવિક માપને હું સાંભળવાની ઈચ્છા રાખું છું.તું વ્યાસના પ્રભાવથી દિવ્યદૃષ્ટિ યુક્ત થયો છે,તો તે મને કહે.