Feb 26, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૦

આગળ બતાવ્યા પ્રમાણેના યોગનો (અથવા બીજા કોઈ પણ જાતના યોગનો)-જે મનુષ્ય
અભ્યાસ (યમ,નિયમ,પ્રાણાયામ-વગેરે)  કરતો નથી- અને-જેના માં વૈરાગ્ય (અનાશક્તિ) નથી –તેનું મન કદી પણ વશ થઇ શકવાનું નથી.
વિષયો (સ્વાદ-વગેરે) માં લંપટ થયેલા ટેઢા -“મન” ને –
અભ્યાસ (યોગ) અને વૈરાગ્યની ચીમટી ખણીને,તેના કાન મચેડીને –સીધું કરવાનું છે.

શ્રીકૃષ્ણ કહે છે-કે-મનો નિગ્રહ ના જે સાધનો (યોગ-વગેરે) બતાવ્યા છે-તેનો એક વખત તું 
આરંભ (શરૂઆત) તો કર-અને પછી જો-કે મન કેમ વશ થતું નથી ?(મન જરૂર વશ થશે). 
શું આ સર્વ યોગ-સાધનો ખોટાં છે ?
પણ તું  “યોગ સાધનાનો અભ્યાસ જ થતો નથી “ એમ કહી તે સાધન કરવા તૈયાર થતો જ નથી.

એક વાર જો –આ યોગ સાધના ચાલુ થઇ તો તેના યોગ-બળ આગળ મનની કોઈ જ વિસાત નથી.
જો -આ યોગ બળથી તો સર્વ કંઈ સ્વાધીન થાય છે-તો- મનની તો વળી શું હેસિયત ??!!!

અર્જુન કહે છે-કે-હે પ્રભુ, હવે મારા મનમાં એક બીજો જ સંશય ઉભો થયો છે-
જેની નિવૃત્તિ કરવા આપ સિવાય બીજો કોઈ સમર્થ નથી.
જો કોઈ મનુષ્ય મોક્ષ-પ્રાપ્તિ માટે,શ્રદ્ધા પૂર્વક વૈરાગ્યથી અભ્યાસ કરવા લાગે,અને જો મોક્ષપ્રાપ્તિ
પહેલાં જ તે અભ્યાસને પડતો મૂકે કે પછી અચાનક મૃત્યુ આવી જાય તો -તેવો મનુષ્ય કેવી ગતિને પામે ?

કવખતે આવેલું વાદળું,જેમ ટકતું પણ નથી અને વરસતું પણ નથી, તેમ તેને કોઈ પણ લક્ષ્ય સાધ્ય ના
થાય, મોક્ષ તો દૂર રહ્યો,પણ શ્રદ્ધા ના બળે (વૈરાગ્ય થી) છોડેલો સંસાર-વ્યવહાર પણ તે ચુકે-
આવા મનુષ્યની શી ગતિ થતી હશે ?

શ્રીકૃષ્ણ કહે છે-કે-જેને મોક્ષ-પ્રાપ્તિ ની ઈચ્છા છે-તેને મોક્ષ સિવાય કોઈ ગતિ છે જ નહિ.
માત્ર તેને મધ્યમાં થોડી વિશ્રાંતિ લેવી પડે છે –એ જ 
–પરંતુ વિશ્રાંતિમાં જે સુખ મળે છે –તે –દેવો ને પણ દુર્લભ છે.
જે મનુષ્ય એક વાર મોક્ષ માર્ગ પર ચાલવા માંડે પછી, જો આયુષ્યના અંત પહેલાં –તે ત્યાં પહોંચી  જ
જાય છે,પણ જો તેની ગતિ (વેગ-સ્પીડ) ઓછી હોય તો તેને વિસામો લેવો પડે છે,
પણ અંતમાં તો-તેની મોક્ષપ્રાપ્તિ નક્કી જ છે. (૪૦)

જો મનુષ્યે એક વાર યોગમાર્ગ પર પગ મુક્યો-અને મોક્ષ મળે તે પહેલાં જ જો તેના આયુષ્યનો અંત
આવી જાય-તો તેવો “યોગભ્રષ્ટ” મનુષ્ય –તેને યોગમાર્ગ પર ચાલવાથી મળેલા પુણ્યના આધારે,
ઇન્દ્રલોકમાં જઈ-ત્યાં રહી –જયારે પુણ્યોનો ક્ષય થાય-એટલે તે ફરી પાછો મૃત્યુલોક (પૃથ્વી) પર
કોઈ પવિત્ર તથા શ્રીમંત કુટુંબમાં જન્મ લે છે.(૪૧)

અથવા તો કોઈ બુદ્ધિમાન યોગીના કુળમાં જ –આ યોગભ્રષ્ટ મનુષ્યનો જન્મ થાય છે.
આવા પ્રકારનો જન્મ આ લોકમાં અતિ દુર્લભ છે,
પૂર્વ-જન્મની યોગ-બુદ્ધિનો તેનામાં વિકાસ થાય છે અને યોગ-સિદ્ધિ માટે તે ફરીથી પ્રયત્ન કરે છે.(૪૨-૪૩)

આવા યોગીની બુદ્ધિ,સામાન્ય મનુષ્યને જલ્દી સમજમાં ન આવે તેવા મુદ્દાઓ –સમજી શકે છે,
અને નિયમ-પૂર્વક પ્રયત્ન કરીને –સર્વ પાપોમાંથી મુક્ત થઇ,અનેક જન્મોથી એજ પ્રયત્નો કરતો રહી-
છેવટે-પરમ ગતિને  (મોક્ષને) પ્રાપ્ત થાય છે (૪૪-૪૫)

શ્રીકૃષ્ણ કહે છે-
તપસ્વી,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં પણ યોગી અધિક શ્રેષ્ઠ છે-માટે “હે અર્જુન તું યોગી થા”  (૪૬)

સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધાપૂર્વક –મારામાં (પરમાત્મા માં) લીન થઇ-(આત્મા-પરમાત્મા નું ઐક્ય-મોક્ષ)
સર્વદા-સર્વ કાળે મને (પરમાત્માને) ભજે છે-તે સર્વથી અધિક-યોગ-યુક્ત છે –
એવો મારો મત (માનવું) છે.(૪૭)

અધ્યાય-૬-આત્મસંયમ યોગ –સમાપ્ત

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત