અધ્યાય-૧૮૮-શિખંડીની ઉત્પત્તિ
II दुर्योधन उवाच II कथं शिखण्डी गान्गेय कन्या भूत्वा पुरा तदा I पुरुषोभुद्युधिश्रेष्ठ तन्मे ब्रुहि पितामह II १ II
દુર્યોધને પૂછ્યું-હે ગંગાપુત્ર પિતામહ,શિખંડી પ્રથમ કન્યારૂપે ઉત્પન્ન થઈને પુરુષરૂપે કેવી રીતે થયો?તે કહો
ભીષ્મે કહ્યું-દ્રુપદ રાજાની પ્રિય પટરાણી પુત્ર વિનાની હતી.ઉપરોક્ત અંબાનું પ્રકરણ ચાલતું હતું તે સમયે જ દ્રુપદ રાજાએ (મારા વધનો નિશ્ચય કરીને) પુત્રપ્રાપ્તિને માટે તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા હતા.શંકરે વર આપતાં કહ્યું કે-'પ્રથમ સ્ત્રીરૂપ પણ પછી પુરુષરૂપ એવું એક સંતાન તને પ્રાપ્ત થશે.તારા નસીબમાં આ જ પ્રમાણે છે,મારું કહેવું મિથ્યા થશે નહિ' આ પ્રમાણે વર મેળવીને દ્રુપદ પોતાના નગરમાં ગયો ને પોતાની ભાર્યાને શંકરના વર ની સર્વ વાત કહી.