Jul 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-867

 

અધ્યાય-૧૯-પાંડવસેનાની વ્યૂહરચના  


II धृतराष्ट्र उवाच II अक्षौहिण्यो दशैका च व्यूढा द्रष्टा युधिष्ठिरः I कथमल्पेन सैन्येन प्रत्यव्युहत पांडवः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-પાંડુપુત્ર યુધિષ્ઠિરે,અમારી અગિયાર અક્ષૌહિણી સેનાની વ્યૂહરચના જોઈને તેની સામે પોતાના અલ્પસૈન્યની કેવી વ્યૂહરચના કરી હતી? માનુષી,દૈવી,ગંધર્વ અને આસુરી વ્યૂહરચના જાણનારા ભીષ્મ સામે યુધિષ્ઠિરે કેવો વ્યૂહ રચ્યો હતો?

સંજયે કહ્યું-દુર્યોધનની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને,યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું કે-'હે તાત,બૃહસ્પતિનાં વચનોથી વિદ્વાનો કહે છે કે-થોડા યોદ્ધાઓ હોય તો તેમને ભેગા કરીને લઢાવવા અને ઘણા હોય તો વિસ્તારીને લઢાવવા.ઘણાની સાથે થોડાને લઢવાના પ્રસંગથી સૂચીમુખ વ્યૂહ રચવો.તે પ્રમાણે શત્રુઓના કરતાં આપણું સૈન્ય થોડું છે માટે તું બૃહસ્પતિના વચન પર લક્ષ્ય દઈને આપણા સૈન્યની વ્યૂહરચના કર'

અર્જુને કહ્યું-હે રાજશ્રેષ્ઠ,વજ્રધારી ઇન્દ્રે નિર્માણ કરેલો વજ્ર નામનો અચલ તથા દુર્જય વ્યૂહ હું રચું છું.આપણી સેનાનો નાયક પુરુષ શ્રેષ્ઠ ભીમસેન આપણી આગળ રહીને શત્રુના તેજને નાશ પમાડતો મોખરે યુદ્ધ કરશે.તેને જોઈને દુર્યોધન વગેરે કૌરવો ત્રાસ પામીને પાછા વળશે.જેમ,દેવતાઓ ઇન્દ્રનો આશ્રય કરે છે તેમ,ભીમરૂપી કિલ્લાનો આપણે નિર્ભય થઈને આશ્રય કરશું.કારણકે આ લોકમાં એવો કોઈ પુરુષ નથી કે જે ક્રોધે ભરાયેલા ભીમને જોવા પણ સમર્થ થાય.


આ પ્રમાણે સેનાની વ્યૂરચના કરીને તત્કાલ તે અર્જુન શત્રુઓની સામે જવા નીકળ્યો.સેનાની આગળ,ભીમસેન,ધૃષ્ટદ્યુમ્ન,

નકુલ,સહદેવ અને ધૃષ્ટકેતુ હતા.તેમની પાછૉ અક્ષૌહિણી સેનાથી વીંટાયેલા વિરાટ રાજા,પોતાના ભાઈઓ ને પુત્રો સાથે હતા.

નકુલ અને સહદેવ ભીમસેનના ચક્રરક્ષક હતા અને દ્રૌપદીના પુત્રો અને અભિમન્યુ પીઠરક્ષક હતા.ધૃષ્ટદ્યુમ્ન આદિ રથીઓ 

સેનાના શૂર પુરુષો સાથે તે રાજપુત્રોનું રક્ષણ કરતા હતા.અર્જુને રક્ષણ કરેલો શિખંડી,ભીષ્મના વિનાશ માટે સજ્જ થઈને પાછળ ચાલતો હતો.અર્જુનની પાછળ યુયુધાન રક્ષક હતો અને યુધામન્યુ તથા ઉત્તમૌજા એ બંને ચક્રરક્ષક હતા.

તેમજ કૈકેય,ધૃષ્ટકેતુ અને ચેકિતાન પણ તે જ કામમાં સહાયક હતા.


યુધિષ્ઠિર સેનાના મધ્યભાગમાં હતા.યજ્ઞસેન રાજા અક્ષૌહિણી સેના સાથે વિરાટની પાછળ ચાલતા હતા.તે પછી,ધૃષ્ટદ્યુમ્ન,

બીજાઓને દૂર કરીને પોતે પોતાના બંધુઓ તથા પુત્રોની સાથે યુધિષ્ઠિરનું રક્ષણ કરવા લાગ્યો.ભીમસેનના રક્ષક લાખો પાળાઓ હાથમાં તલવારો,શક્તિઓ તથા ઋષ્ટિઓ લઈને આગળ ચાલતા હતા.અસહ્ય એવો ભીમસેન,ભૂંગળના જેવી ભયંકર ગદા ઉપાડીને પોતાની પાછળ પોતાનું મોટું સૈન્ય લઈને આગળ ધસતો હતો.તેની સામે સર્વ યોદ્ધાઓ જોવા પણ સમર્થ થયા નહિ.

આમ,અર્જુનથી રક્ષાયેલા,વજ્ર નામનો વ્યૂહ રચીને પાંડવો,શત્રુ સામે આવીને ઉભા રહ્યા.


આ પ્રમાણે બંને સૈન્યો સજ્જ થઈને સૂર્યોદયની સંધિની વાટ જોઈને ઉભા હતા.એટલામાં વાદળ વિનાના આકાશમાંથી કડાકા ને ભડાકા સાથે જલબિંદુની સાથે વાયુ વાવા લાગ્યો.ત્યારે એટલી બધી ધૂળ ઉડી કે તેનાથી થયેલા અંધારા વડે જગત ઢંકાઈ ગયું.પૂર્વ તરફ મુખવાળું મોટું ઉંબાડીયું પડ્યું અને ઉદય પામતા સૂર્યની સાથે અથડાઈને મોટા શબ્દ સાથે છિન્નભિન્ન થઇ ગયું.

ત્યારે કાંતિરહિત સૂર્ય ઉદય પામ્યો અને મોટા ધડાકા સાથે પૃથ્વી ચલિત થઇ ગઈ અને ઠેકઠેકાણે ફાટી ગઈ.

સર્વ દિશાઓમાંથી પુષ્કળ અવાજ થવા લાગ્યા પતાકાઓથી યુક્ત ધ્વજો વાયુથી ઉડવા લાગ્યા 

અને ત્યાં તાડવનની જેમ સર્વત્ર ઝણઝણાટ થઇ રહ્યો.(45)

અધ્યાય-19-સમાપ્ત