Jul 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-866

 

અધ્યાય-૧૮-સૈન્ય વર્ણન (ચાલુ)


II संजय उवाच II ततो मुहूर्तात्तुमुल: शब्दो ह्रदयकंपनः I अश्रूयत महाराज योधानां प्रयुयुत्सताम II १ II

સંજયે કહ્યું-હે મહારાજ,તે પછી બે ઘડી થતાંજ યુદ્ધ કરવાની તીવ્ર ઈચ્છાવાળા યોદ્ધાઓનો હૃદયને કંપાવી નાખે તેવો તુમુલ શબ્દ સંભળાવા લાગ્યો.શંખો-દુંદુભીઓના ધ્વનિઓથી,હાથીઓના ચિત્કારોથી અને રથોના ઘડઘડાટોથી પૃથ્વી ફાટી જતી હોય એમ જણાવા લાગ્યું.ઘોડાઓના હણહણાટો ને યોદ્ધાઓની ગર્જનાઓથી એક ક્ષણમાં જ પૃથ્વી ને આકાશ ભરાઈ ગયાં.

પરસ્પર મળેલી સેનાઓ કંપવા લાગી.જાતજાતનાં આયુધો અને ધનુષ્યોવાળા મહાધનુર્ધારી કુરુઓના શ્રેષ્ઠ યોદ્ધાઓ સૈન્યના મોખરા પર શોભતા હતા.

ભીષ્મના પીઠ રક્ષક તરીકે દુઃશાસન,દુર્વિષહ,દુર્મુખ,દુઃસહ,વિવિશતિ,ચિત્રસેન,વિકર્ણ,સત્યવ્રત,પુરુમિત્ર અને જય-એ તમારા પુત્રો તથા ભૂરિશ્રવા અને શલ હતા.તેઓની પાછળ વીસહજાર રથો,તેમજ શૂરસેનો,શિબિઓ,વસાતિઓ,શાલવો,મત્સ્યો,

ત્રૈગર્તો,કેકયો,સૌવીરો,કૈતવો અને પૂર્વ,પશ્ચિમ તથા ઉત્તરવાસીઓ મળીને બાર દેશના શૂરા યોદ્ધાઓ ભીષ્મનું રક્ષણ કરતા હતા.

એ રથસમૂહની પાછળ જ વેગવાળા દશ હજાર હાથીઓનું સૈન્ય લઈને મગધ દેશનો રાજા ચાલતો હતો.એ સેનામાં રથોના ચક્રરક્ષકો તથા હાથીઓના પાદરક્ષકો જ સાઠ લાખ હતા.ભાલાઓથી અને લોઢાના વાઘનખોથી લઢનારા લાખો પાળાઓ હાથમાં ધનુષ તથા ઢાલ તલવારો લઈને સેનાની આગળ ચાલતા હતા.હે રાજન,તમારા પુત્રોની અગિયાર અક્ષૌહિણી સેના,યમુના નદી યુક્ત ગંગા નદીના જેવી વિશાળ જણાતી હતી (18)

અધ્યાય-18-સમાપ્ત