Jul 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-865

 

અધ્યાય-૧૭-સૈન્ય વર્ણન (ચાલુ)


II संजय उवाच II यथा स भगवान्व्यासः कृष्णद्वैपायनोब्रवीत I तथैव सहिता: सर्वे समाजग्मुर्महिक्षित: II १ II

સંજયે કહ્યું-ભગવાન કૃષ્ણદ્વૈપાયન વ્યાસે જે પ્રમાણે કહ્યું હતું,તે પ્રમાણે સર્વ રાજાઓ એકઠા મળીને ત્યાં રણભૂમિ પર આવ્યા,તે દિવસે ચંદ્ર સહિત સાત ગ્રહો બળતા હોય તેવા લાલ જણાતા હતા તથા આકાશમાં એકબીજા પર ગતિ કરતા હતા.

ઉદય સમયે સૂર્ય બે ભાગ થઇ ગયેલા હોય તેવો જણાતો હતો અને પુષ્કળ જ્વાળાઓ કાઢતો ઉદય પામ્યો હતો.શિયાળો અને કાગડાઓ.માંસ અને રુધિર મળવાની લાલસાથી,દિશાઓમાં શબ્દો કરતા હતા.યુદ્ધ શરુ થયું ત્યારેથી હંમેશાં પિતામહ ભીષ્મ અને દ્રોણ,પ્રાતઃકાળમાં ઉઠીને 'પાંડુપુત્રોનો જય થાઓ'એમ એકાગ્ર મનથી કહી,પછી તે બંને શત્રુઓને દમનારા,તમારી સાથે કરેલા ઠરાવ મુજબ,તમારા માટે યુદ્ધ કરતા હતા.

યુદ્ધના આરંભ સમયે સર્વ ધર્મરહસ્યને જાણનારા ભીષ્મ સર્વ રાજાઓને એકઠા કરીને બોલ્યા-'હે ક્ષત્રિયો,સ્વર્ગમાં જવા માટે આ યુદ્ધરૂપી મોટું દ્વાર ઉઘાડું છે,એ દ્વારથી તમે ઇન્દ્ર અને બ્રહ્માના લોકમાં જાઓ.પૂર્વજોએ આ કાયમ માર્ગ સ્થાપ્યો છે,માટે તમે મનને સ્થિર કરીને યુદ્ધમાં પોતાને માનપાત્ર કરો.ક્ષત્રિયે ઘરમાં રહી વ્યાધિ વડે મરવું તે અધર્મ છે ને શસ્ત્રવડે મરવું ધર્મ છે.'

ભીષ્મે આમ કહ્યું ત્યારે કર્ણ સિવાયના રાજાઓ પોતપોતાના રથમાં બેસીને પોતપોતાની સેના તરફ ચાલ્યા ગયા.


પાંચ સોનેરી ફૂદડીઓવાળા પોતાના તાલધ્વજને ફરકાવતા,નિર્મલ સૂર્યના જેવા તેજસ્વી ભીષ્મ કુરુસેનાના ઉપરી તરીકે ઉભા હતા.પ્રથમ શૈબ્ય રાજા મોટા હાથી પર બેસી,સર્વ રાજાઓની સાથે રણભૂમિ પર ગયો.પછી અશ્વસ્થામા રથમાં બેસી નીકળ્યો અને સર્વની આગળ જઈને ઉભો રહ્યો.શ્રુતાયુધ,ચિત્રસેન,પુરુમિત્ર,વીવિંશતિ,શલ્ય,ભૂરિશ્રવા અને વિકરણ આ સાત ઉત્તમ બખ્તરવાળા મહાધનુર્ધારીઓ ભીષ્મની આગળ આવીને ઉભા.કમંડળ,ધનુષ અને સુવર્ણની વેદીથી ચિહ્નિત દ્રોણનો ધ્વજ હતો,દુર્યોધનનો ધ્વજ મણિમય હાથીના ચિહનવાળો હતો.પૌરવ,કાલિંગ,કામ્બજો,ક્ષેમધન્વા અને શલ્ય તેની આગળ ઉભા હતા.


વૃષભ ચિહ્નીત ધ્વજવાળા રથમાં બેસી કૃપાચાર્ય માગધ સેનનાં અગ્રભાગને લઈને નીકળ્યા હતા.કૃપ અને કર્ણપુત્ર વૃષસેન પૂર્વ તરફના મોટા સૈન્યનું રક્ષણ કરતા હતા.જયદ્રથના તાબામાં એકલાખ રથો,આઠ લાખ હાથીઓ અને સાથ હજાર ઘોડાઓ હતા.

સર્વ કલિંગોનો રાજા કેતુમાન,સાઠ હજાર રથો અને દશ હજાર હાથીઓ લઈને નીકળ્યો.


તેજ વડે દેદીપ્યમાન જણાતો ભગદત્ત રાજા ઉત્તમ હાથી ઉપર બેસીને શોભતો હતો.ભગદત્તના સમાન વિંદ-અનુવિંદ પણ હાથીઓ પર બેસીને કેતુમાનને અનુસરીને રણભૂમિ પર આવી પહોંચ્યા.પછી,દ્રોણ,ભીષ્મ,અશ્વસ્થામા,બાહલીક અને કૃપાચાર્યે રથ અને પાળાયુક્ત સૈન્યનો એવો પક્ષી વ્યૂહ ગોઠવ્યો કે જેમાં હાથીઓ ધડને ઠેકાણે,રાજાઓ મસ્તકને ઠેકાણે,ઘોડાઓ પાંખના ઠેકાણે હતા.સર્વ તરફ મુખવાળો તે પક્ષીવ્યૂહ હસતો હસતો શત્રુઓ પર ઉગ્રતાથી તૂટી પડતો હોય તેવો જણાતો હતો.(39)

અધ્યાય-17-સમાપ્ત