Jul 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-864

 

અધ્યાય-૧૬-સૈન્ય વર્ણન 


II संजय उवाच II ततो रजन्यां वयुष्टायां शब्दः समभवन्महान I क्रोश्तां भूमिपालानां युज्यतां युज्यतामिति II १ II

સંજયે કહ્યું-પછી,રાત્રિ પુરી થતાં જ 'તૈયાર થાઓ' એ પ્રમાણે બૂમ મારતા રાજાઓનો મોટો શબ્દ થયો.હે ભારત,દુંદુભીના ધ્વનિઓથી,ઘોડાઓના હણહણાટથી,હાથીઓની ચીસોથી,રથના ઘડઘડાટોથી અને યોદ્ધાઓની ગર્જનાઓથી ત્યાં સર્વ તરફ ઘોંઘાટ થઇ રહ્યો.બને પક્ષની સેનાઓ સંપૂર્ણ રીતે સજ્જ થઈને ઉભી રહી ને સૂર્ય પ્રકાશમાં ઝળકી રહી.તે સર્વમાં તમારા પિતા ભીષ્મ પૂર્ણ ચંદ્રની જેમ શોભતા હતા.ત્યાં સેંકડો હાથીઓ,ઘોડાઓ,રથીઓ અને પાળાઓ,જાળની જેમ ફેલાઈ ગયા.

શકુનિ,શલ્ય,જયદ્રથ,વિંદ-અનુવિંદ,કૈકેય,સુદક્ષિણ,શ્રુતાયુધ,જયત્સેન,બૃહદબલ અને કૃતવર્મા-આ સર્વ રાજાઓ દશ અક્ષૌહિણી સેનાના અધિપતિઓ હતા,આ અને બીજા ઘણા રાજાઓ દુર્યોધનને આધીન હતા.તે સર્વે હથિયારો ધારણ કરીને,દુર્યોધન માટે મરી ફીટવાની દીક્ષા લઈને ઉભા હતા.દુર્યોધનની તે સેના સર્વ સેનાની આગળ હતી અને ભીષ્મ નેતા હતા.

શ્વેત ઘોડા,શ્વેત બખ્તર અને સર્વ શ્વેત સરંજામને લીધે.અમે ભીષ્મને ઉદય પામેલા પૂર્ણ ચંદ્ર જેવા જોયા.સોનેરી તાડના ચિહ્નવાળો ધ્વજ જેના ઉપર ઉભો કરેલો હતો,તેવા રૂપેરી રથમાં બેઠેલા ભીષ્મને,પાંડવોએ વાદળામાં રહેલા સૂર્યના જેવા દીઠા.


જેમ,સામે આવતા સિંહને જોઈને મૃગો ઉદ્વેગ પામે તેમ,ભીષ્મને જોઈને ધૃષ્ટદ્યુમ્ન વગેરે ત્રાસ પામવા લાગ્યા.હે રાજા તમારી અગિયાર અને પાંડવોની સાત અક્ષૌહિણી સેના,બંને એકમેકની સામે આવીને અભી રહી ત્યારે બે ઉછળતા સમુદ્રો ભેગા થયા હોય તેવો દેખાવ જણાતો હતો.આવો દેખાવ અમે પૂર્વે જોયો નહોતો કે સાંભળ્યો નહોતો.(27)

અધ્યાય-16-સમાપ્ત