અધ્યાય-૧૫-દુર્યોધનની દુઃશાસનને આજ્ઞા
II संजय उवाच II त्वद्युक्तोयमनुप्रश्नो महाराज यथार्हसि I न तु दुर्योधने दोषमिममासंक्तुमर्हसि II १ II
સંજયે કહ્યું-હે મહારાજ,આ તમારો પાછળનો પ્રશ્ન યોગ્ય છે ને તમને ઘટે તેવો છે,પરંતુ તમારે આ દોષ દુર્યોધન પર મુકવો યોગ્ય નથી કારણકે જે મનુષ્યને પોતાના દુશ્ચરિત્રથી નઠારું ફળ પ્રાપ્ત થાય તેણે તે પાપ બીજાના માથે નાખવું યોગ્ય નથી.નિષ્કપટ બુદ્ધિવાળા પાંડવોએ તમારી તરફ જોઈને અપકાર અનુભવ્યો અને વનમાં લાંબા કાળ સુધી સહન કર્યો છે.હવે હું રાજાઓના સંબંધમાં જે કંઈ નજરથી તથા યોગબળથી જોયું છે તે તમે સાંભળો.મનમાં શોક કરશો નહિ,કેમ કે આ પ્રમાણે થવાનું દૈવ પૂર્વથી જ નિર્માયેલું હતું.હું વ્યાસજીને નમસ્કાર કરું છું કે જેમની કૃપાથી મને દિવ્ય દ્રષ્ટિ મળી છે.હવે હું યુદ્ધ વિસ્તારથી ક્રમથી કહું છું.
હે મહારાજ,બંને તરફથી સેનાઓ સજ્જ થઈને વ્યૂહરચનામાં ઉભી રહી તે જોઈને દુર્યોધને કહ્યું કે-હે દુઃશાસન,તું ભીષ્મની રક્ષણ કરનારા રથીઓની તત્કાળ યોજના કર ને સર્વ સેનાને શીઘ્ર પ્રેરણા કર.ઘણા વર્ષથી વિચારી રાખેલો આ યુદ્ધ પ્રસંગ પ્રાપ્ત થયો છે ત્યારે શત્રુ સૈન્યનો વિનાશ કરનાર ભીષ્મના રક્ષણ સિવાય બીજું કોઈ મોટું કાર્ય હું માનતો નથી.ભીષ્મ શિખંડીને મારવાના નથી એટલે તેનાથી ભીષ્મનું રક્ષણ કરવા આપણા સર્વ યોદ્ધાઓ તૈયાર થઈને ઉભા રહે.
વળી,પૂર્વ,પશ્ચિમ,ઉત્તર અને દક્ષિણ તરફના અસ્ત્રકુશળ યોદ્ધાઓ સર્વથા ભીષ્મપિતામહનું રક્ષણ કરો,કારણકે જેમ,રક્ષણ વિનાના સિંહને એક દીપડું મારી નાખે છે,તેમ શિખંડી રૂપી શિયાળવું,સિંહરૂપી ભીષ્મનો ઘાત ન કરે તે માટે સાવધ રહેવું જોઈએ.
અર્જુનના ડાબા ચક્રનું યુધામન્યુ અને જમણા ચક્રનું ઉત્તમૌજા રક્ષણ કરે છે ને એ બંને રક્ષકોની સાથે અર્જુન શિખંડીનું રક્ષણ કરે છે,માટે અર્જુનથી રક્ષાયેલો તે શિખંડી ભીષ્મને ન મારે તેમ તું યોજના કર.(20)
અધ્યાય-15-સમાપ્ત