Jul 10, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-862

 

અધ્યાય-૧૪-ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન-ભીષ્મ કેવી રીતે હણાયા?


II धृतराष्ट्र उवाच II कथं करुणामृषभो हतो भीष्मः शिखण्डिना I कथं रथात्स न्यपतत्पिता मे वासवोपमः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-કુરુકુળશ્રેષ્ઠ ભીષ્મ,શિખંડીના હાથે કેવી રીતે હણાયા?ઇન્દ્રસમાન પિતામહ રથમાંથી કેવી રીતે પડ્યા?

દેવતુલ્ય પરાક્રમી ભીષ્મથી રહિત થયેલા મારા યોદ્ધાઓની કેવી સ્થિતિ થઇ?તે જયારે હણાયા ત્યારે તારા મનની કેવી સ્થિતિ થઇ હતી? તેમને હણાયેલા સાંભળીને મારું મન મહાદુઃખમાં ડૂબી જાય છે.તે ભીષ્મ સાથે ને આગળ પાછળ તેમનું રક્ષણ કરતા કયા યોદ્ધાઓ ચાલતા હતા? શત્રુસેનાના કોણે તેમને ઘેરી લીધા હતા? તેં જે સર્વ જોયું તે મને કહે.

પાંડુપુત્રોએ ભીષ્મની સામે કેવી રીતે યુદ્ધ કર્યું?દ્રોણ ને કૃપ,સમીપમાં હતા,જીવતા હતા છતાં ભીષ્મ કેમ જીત્યા નહિ? 

જયારે પાંડવો,શિખંડીને આગળ કરીને ભીષ્મની સામે ચઢી આવ્યા ત્યારે સર્વ કૌરવોએ અસ્ખલિત શક્તિવાળા ભીષ્મનો ત્યાગ તો નહોતો કર્યો ને? પોતે કષ્ટ ભરેલી સ્થિતિમાં આવી પડ્યા છતાં કયા યોદ્ધાઓ એમની આજુબાજુ,આગળપાછળ રહી તેમનું રક્ષણ કરતા હતા? શત્રુસેનાના કોણ તેમની સામે યુદ્ધ કરતા હતા? ભીષ્મના પર પાંડવો કેવી રીતે પ્રહાર કરી શક્યા?


જેના વીર્યનો આશ્રય કરીને મારો પુત્ર દુર્યોધન પાંડવોને ગણતો નહોતો,તેમને શત્રુઓએ કેવી રીતે માર્યા? પૂર્વે દાનવોને હણવાની ઈચ્છા કરનારા દેવોએ,જે પરાક્રમી ભીષ્મની સહાયતા માટે આકાંક્ષા કરી હતી,અને જે શ્રેષ્ઠ પુત્રનો જન્મ થવાથી શાંતનુ રાજાએ શોક,દીનતા અને દુઃખનો ત્યાગ કરી દીધો હતો,તે લોકવિખ્યાત,જ્ઞાની સ્વધર્મનિષ્ઠ ભીષ્મ હણાયા,એમ તું કેમ કહે છે?

ભીષ્મને હણાયેલા જોઈને હું બાકીનું સૈન્ય હણાયેલું જ માનું છું.પાંડવો પોતાના વૃદ્ધ પિતામહને મારીને રાજ્ય કરવાની ઈચ્છા કરે છે-એ ઉપરથી મને લાગે છે કે અધર્મ બળવાન થયો છે.પૂર્વે પરશુરામને યુદ્ધમાં હંફાવનાર,સેનાધિપતિ ભીષ્મ હણાયા એમ તું કહે છે,એનાથી અધિક બીજું દુઃખ શું હોય?


જે વીર પરશુરામે,સંગ્રામમાં વારંવાર ક્ષત્રિય સમુહોને હરાવ્યા હતા,છતાં,ભીષ્મને હણી શક્યા નહોતા તેમને આજે શિખંડીએ 

માર્યા,એ ઉપરથી તે શિખંડી,પરશુરામ કરતાં પણ અધિક ઠરે છે.તેણે જયારે ભીષ્મને માર્યા ત્યારે કયા વીર પુરુષો ભીષ્મને અનુસર્યા હતા?અને ભીષ્મનું પાંડવો સાથે કેવું યુદ્ધ થયું હતું તે તું મને કહે.હે સંજય,આ લોકમાં મહાધાર્મિક અને મહાવીર્યવાન ભીષ્મ પિતામહને મરાવીને હવે અમારામાં જીવવાનું સામર્થ્ય પણ ક્યાંથી હોય? તું ભીષ્મને હણાયેલા કહે છે એ ઉપરથી હું  માનું છું કે-કોઈ અસ્ત્રવડે,શૌર્યવડે,તપવડે,બુદ્ધિવડે,ધૈર્યવડે,અને ત્યાગવડે મૃત્યુથી મુક્ત થતો નથી,ખરેખર,કાળ જ સર્વ લોકથી અવંદ્ય છે.ભીષ્મના પરમ રક્ષણની હું આશા રાખતો હતો,પરંતુ હું હવે મહાદુઃખમગ્ન થઇ ગયો છું.દુર્યોધને જયારે ભીષ્મને પૃથ્વી પર પડેલા જોયા ત્યારે તેણે શા ઉપાયની યોજના કરી? વિચાર કરતાં મને લાગે છે કે-આપણા અને શત્રુ પક્ષના રાજાઓમાંથી કોઈ જીવતો બાકી રહેશે નહિ.આ ક્ષાત્રધર્મ કેવો દારુણ છે ! પાંડવો ભીષ્મને મારીને અને અમે ભીષ્મને મરાવીને રાજ્યની ઈચ્છા રાખીએ છીએ! ક્ષાત્રધર્મમાં રહેલા પાંડવો કે મારા પુત્રો આ પ્રમાણે કરવાથી અપરાધી ઠરતા નથી કારણકે આપત્તિમાં આર્યપુરુષે એ પ્રમાણે જ કરવું જોઈએ.પરાક્રમ અને શ્રેષ્ઠ શક્તિ એ ક્ષાત્રધર્મમાં રહેલા જ છે.


હે સંજય,ભીષ્મ પિતામહને પાંડવોએ કેવી રીતે અટકાવી દીધા? ભીષ્મ હણાયા તે વખતે દુર્યોધન,કર્ણ,શકુનિ અને દુઃશાસન શું બોલ્યા? કયા રાજાઓ આ યુદ્ધમાં હાર્યા ને ક્યા રાજાઓ જીત્યા હતા? ભીષ્મને હણાયેલા સાંભળીને મારી શાંતિ નાશ પામી ગઈ છે.પુત્રોના વિનાશની મોટી પીડા મારા હૃદયમાં ચાલુ હતી તેને તું અગ્નિમાં ઘી નાખવાની જેમ પ્રદીપ્ત કરે છે.જેમણે યુદ્ધનો મોટો ભાર પોતાના માથે લીધો હતો તે ભીષ્મને હણાયેલા જોઈને મારા પુત્રો શોક કરતા હશે તેમ હું માનું છું.હું દુર્યોધને ઉત્પન્ન કરેલા તે દુઃખો સાંભળીશ.માટે હે સંજય,તું ત્યાં જે થયું હોય,તે સર્વ મને કહે.જયની ઈચ્છાવાળા અસ્ત્રકુશળ ભીષ્મે જે કર્યું હોય તે મને ક્રમથી સંપૂર્ણતાથી કહે.(80)

અધ્યાય-14-સમાપ્ત