Jul 9, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-861

 

અધ્યાય-૧૩-ભીષ્મ પતનનું સંક્ષિપ્ત વર્ણન 


II वैशंपायन उवाच II अथ गावल्गणिर्विद्वान संमुगादेत्य भारत I प्रत्यक्षदशीं सर्वस्य भूतभव्यभविष्यवित् II १ II

વૈશંપાયને કહ્યું-'હે જન્મેજય,પછી,ભૂત,ભવિષ્ય તથા વર્તમાન જાણનાર અને સર્વ વાતને પ્રત્યક્ષ જોનાર,વિદ્વાન ગાવલ્ગણનો પુત્ર સંજય,એકાએક આવીને,વિચારમાં પડેલા ધૃતરાષ્ટ્રને,'પિતામહ ભીષ્મ હણાયા'-એ વાત દુઃખી થઇ કહેવા લાગ્યો'

સંજયે કહ્યું-'હે મહારાજ,હું સંજય આપને વંદન કરું છું.ભરતવંશીઓના શ્રેષ્ઠ શાંતનુપુત્ર ભીષ્મ હણાયા.તે આજે બાણ શય્યા પર સૂતા છે.જેના પરાક્રમ પાર આશ્રય કરીને તમારો પુત્ર દ્યુત રમ્યો હતો,તે ભીષ્મ સંગ્રામમાં શિખંડીથી હણાઇને પડ્યા છે.જે મહારથીએ કાશીમાં એક રથના આશ્રય વડે સર્વ રાજાઓને હરાવ્યા હતા અને જેમણે પરશુરામની સાથે યુદ્ધ કર્યું હતું,પણ જે પરશુરામથી હણાયા નહોતા તેમને આજે શિખંડીએ હણ્યા છે.

જેમ,સિંહને જોઈને ગાયનું ટોળું ભય વડે કંપી જાય,તેમ,યુદ્ધમાં તત્પર થયેલા જોઈને પાંડવોનું સૈન્ય કંપી ઉઠ્યું હતું,તે શત્રુ સેનાને હણનાર ભીષ્મ દશ દિવસ સુધી તમારી સેનાનું રક્ષણ કરીને સૂર્યની જેમ અસ્ત પામી ગયા છે.જે ઇન્દ્રના જેવા અડગ ભીષ્મે હજારો બાણોની વૃષ્ટિ કરીને યુદ્ધમાં દશ દિવસમાં એક લાખ યોદ્ધાઓનો નાશ કર્યો,તે ભીષ્મ આજે,વાયુએ ભાગેલા વૃક્ષની જેમ,હણાઇને પૃથ્વી પર સૂતા છે.હે ભારત,જે સ્થિતિને માટે ભીષ્મ યોગ્ય નહોતા તે સ્થિતિને,તમારા દુર્વિચારને પરિણામે તે પામ્યા છે.(13)

અધ્યાય-13-સમાપ્ત