અધ્યાય-૧૨-ઉત્તરદ્વીપ વગેરે સંસ્થાનોનું વર્ણન
II संजय उवाच II उत्तरेषु च कौरव्य द्वीपेषु श्रूयते कथा I एवं तत्र महाराज बृवतश्च निबोध मे II १ II
સંજયે કહ્યું-હે કૌરવ્ય,હવે ઉત્તરમાં આવેલા દ્વીપો સંબંધી કથા કહું છું.એ ઉત્તર દિશામાં ઘૃતસમુદ્ર,દધિમંડોદક સમુદ્ર,
સુરોદસમુદ્ર અને ચોથો જળસમુદ્ર છે.એ સર્વ દ્વીપો ઉત્તરોત્તર બમણા બમણા પ્રમાણના છે.મધ્યમ દ્વીપમાં ગૌર નામનો મોટો પર્વત છે.પશ્ચિમ દ્વીપમાં નારાયણનો સખાકૃષ્ણ નામનો પર્વત છે.કેશવ પોતે ત્યાં દિવ્ય રત્નોનું રક્ષણ કરે છે અને પ્રસન્ન રહીને ત્યાંની પ્રજાને સુખ આપે છે.કુશદ્વીપમાં એક દર્ભનું મોટું ધૂંગુ છે.શાલ્મલી દ્વીપમાં એક શીમળાનું ઝાડ છે.
ક્રૌંન્ચદ્વીપમાં રત્નસમૂહોની ખાણરૂપ મોટો ક્રૌંન્ચ નામનો પર્વત છે.હે રાજન,સર્વ ધાતુઓથી ભરેલો ગોમંતક નામના મોટા પર્વતમાં મુક્ત થયેલા પોતાના ભક્તોની સાથે નારાયણ પ્રભુ નિવાસ કરે છે.કુશદ્વીપમાં તેજ નામથી પ્રસિદ્ધ અને ચઢી ન શકાય તેવો પર્વત છે.બીજો દ્યુતિમાન,ત્રીજો કુમુદ નામનો પર્વત છે.ચોથો પુષ્પવાન,પાંચમો કુશેશય અને છઠ્ઠો હરિગિરિ નામનો પર્વત છે.આ છ પર્વતો મુખ્ય છે.તે પર્વતોની વચ્ચેના વિસ્તારમાં સાત ખંડો આવેલા છે.ઔદભિદ,વેણુમંડલ,સૂરથાકાર,કંબલ,દ્યુતિમાન,પ્રભાકર અને કાપિલ-આ સાત ખંડો (વિભાગો) છે.ત્યાંના સર્વ લોકો ગૌરવર્ણના અને સુકુમાર છે.
હે રાજા,હવે બાકીના સર્વ દ્વીપોનું જેવું વર્ણન મેં સાંભળ્યું છે તેવું હું કરું છું.ક્રૌંન્ચ દ્વીપમાં ક્રૌંન્ચ નામનો મોટો પર્વત છે,તેની ઉત્તરે વામનક,પછી અંધકારક,પછી મૈનાક,પછી ગોવિંદગિરિ ને પછી નિબિડ નામનો પર્વત આવેલો છે.તે પર્વતોના અંતરનો વિસ્તાર બમણો બમણો છે.ક્રૌંન્ચની પાસે કુશલ નામનો દેશ છે,વામનની પાસે મનોનુગ નામનો દેશ છે.મનોનુગના પછી ઉષ્ણ દેશ,ઉષ્ણ પછી પ્રાવરકદેશ,પ્રાવરક પછી અંધકારક દેશ,અંધકારક પછી મુનિદેશ,મુનિ પછી દુંદુભીસ્વન દેશ આવેલો છે.
આ દેશોનું દેવો ને ગંધર્વો સેવન કરે છે.
પુષ્કર દ્વીપમાં,મણિ અને રત્નોથી ભરેલો પુષ્કર નામનો પર્વત છે.ત્યાં નિત્ય બ્રહ્મદેવ પોતે રહે છે,અને દેવો તથા મહર્ષિઓ તેમની ઉપાસના કરે છે.જંબુદ્વીપથી આરંભીને સર્વ દ્વીપોમાં પ્રજાઓના આયુષ્ય,આરોગ્ય,બ્રહ્મચર્ય,સત્ય અને ઇન્દ્રિયદમન આ ગુણો અનુક્રમે બમણા બમણા છે.એ દ્વીપોમાં જુદા જુદા દેશો પણ એક દેશરૂપ જ ગણાય છે.અને ત્યાં ધર્મ પણ એક જ છે.
સાક્ષાત ઈશ્વર પ્રજાપતિ પોતે જ દંડ ઉગામીને એ દ્વીપોનું રક્ષણ કરતા ત્યાં નિત્ય નિવાસ કરે છે.તે પ્રજાપતિ પોતે જ રાજા,પિતા ને પિતામહ છે.ત્યાંની પ્રજા નિત્ય સ્વતઃસિદ્ધ પોતાની મેળે આવેલું ભોજન કરે છે.(31)
તે દ્વીપોની પેલી તરફ સમા નામની લોકનિવાસની ભૂમિ છે,તે ચોખંડી છે અને તેનો વિસ્તાર તેત્રીસ હજાર યોજન છે.
ત્યાં લોકમાન્ય,વામન,ઐરાવત,સુપ્રતીક-એ ચાર (હાથીઓ) દિગ્ગજો રહે છે.
હે રાજન,હવે તમે ગ્રહોનું વર્ણન સાંભળો.પ્રથમ સ્વર્ભા(રાહુ) ગ્રહ મંડળાકાર છે.તે મંડળનો વિસ્તાર બાર હજાર યોજન છે.અને પરિધિ છત્રીસ હજારથી અધિક છે એમ વિદ્વાન પૌરાણિકો કહે છે.ચંદ્રનો વિસ્તાર અગિયાર હજાર યોજન છે અને તેનો પરિધ વિસ્તાર તેત્રીસ હજાર ઓગણસાઠસો યોજન છે.સૂર્યમંડળનો વિસ્તાર દશ હજાર યોજન છે અને પરિઘ ત્રીસ હજાર અઠ્ઠાવીશસો યોજન છે.રાહુ,ચંદ્ર તથા સૂર્યથી મોટો છે,તેથી સંધિ મળતાં તે ચંદ્ર-સૂર્યને ઢાંકી દે છે.હે મહારાજ,શાસ્ત્ર દ્રષ્ટિ વડે સંક્ષેપથી આ સઘળું મેં તમને,તમારી ઇચ્છા પ્રમાણે(જગતનું ને સૃષ્ટિનું વર્ણન) કહ્યું છે.(52)
અધ્યાય-12-સમાપ્ત