ભૂમિ પર્વ
અધ્યાય-૧૧-શાકદ્વીપનું વર્ણન
II धृतराष्ट्र उवाच II जंबुखंडस्त्वया प्रोक्तो यथावदिह संजय I विष्कम्भमस्य प्रब्रूहि परिमाणं तु तत्वतः II १ II
ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,તેં મને જંબુખંડનું યથાર્થ વર્ણન કહ્યું,હવે એ ખંડનું માપ અને વિસ્તાર મને કહે.
વળી,શાકદ્વીપ,કુશદ્વીપ,શાલ્મલિદ્વીપ,ક્રૌંન્ચદ્વીપ,રાહુ,ચંદ્ર,અને સૂર્ય એ સર્વનું યથાર્થ વર્ણન મને કહે.
સંજયે કહ્યું-હે રાજા,જંબુપર્વતનો વિસ્તાર પુરા અઢાર હજાર ને છસો યોજનનો છે.અને ક્ષાર સમુદ્રનો વિસ્તાર
તેનાથી બમણો છે.તેમાં અનેક દેશો રહેલા છે તથા તે મણિ અને વૈડૂર્યથી સંપન્ન છે.એ સમુદ્ર મંડળાકાર છે.
શાકદ્વીપ,એ જંબુદ્વીપના કરતાં બમણા પ્રમાણનો છે અને તેનાથી પણ બમણા પ્રમાણવાળા ક્ષીરોદ સમુદ્રથી ઘેરાયેલો છે.
તે દ્વીપમાં પવિત્ર દેશો છે,ત્યાં મનુષ્યોનું મરણ થતું નથી તો દુષ્કાળ તો ક્યાંથી હોય? ત્યાંના લોકો ક્ષમા તથા તેજયુક્ત છે.
જંબુદ્વીપની જેમ શાકદ્વીપમાં પણ મણિ અને રત્નોની ખાણોવાળા સાત પર્વતો છે.તેઓનાં નામ મેરુ,મલય,જલધાર,
રૈવતક,શ્યામ,દુર્ગશૈલ અને કેસર છે.તે સાત પર્વતોની હદમાં સાત વર્ષો (ખંડો)છે એમ વિદ્વાનો કહે છે.
એમાંનો મહામેરુ આગળ આવેલો ખંડ મહાકાશ કહેવાય છે,મલય આગળ આવેલો ખંડ કુમુદોત્તર,જલધાર આગળ આવેલો ખંડ સુકુમાર,રૈવતક આગળ આવેલો ખંડ કૌમાર,શ્યામ આગળનો ખંડ મણિકાંચન,કેસરની આગળ આવેલો ખંડ મૌદાકી કહેવાય છે,અને તેની પેલી તરફ મહાયુવાન નામે ખંડ આવેલો છે.તેની વચ્ચે શાક નામનું મોટું ઝાડ છે કે જેની ઊંચાઈ અને પહોળાઈ,જંબુદ્વીપમાં આવેલા જંબુવૃક્ષના જેટલી જ છે.તે દ્વીપની પ્રજા તે વૃક્ષનું અને શંકરનું પૂજન કરે છે.
તે દ્વીપમાં,ચારણો ને દેવતાઓ જાય છે.ત્યાંની ચારે વર્ણની પ્રજા અત્યંત ધાર્મિક છે અને સ્વકર્મમાં તત્પર છે,ત્યાં કોઈ ચોર જોવામાં આવતો નથી.તે દ્વીપમાં પવિત્ર જળવાળી નદીઓ વહે છે અને ગંગા પણ અનેક રૂપથી વહે છે.કુમારી,શીતાશી,
વેણિકા,મહાનદી,મણિજળા-આદિ લાખો નદીઓ છે.તે દ્વીપમાં મંગ,મશક,માનસ અને મૃદંગ નામના ચાર દેશો આવેલા છે.
કે જેમાં અનુક્રમે,બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્યો અને શુદ્ર લોકો વસે છે.ત્યાં કોઈ રાજા નથી,દંડ નથી અને દંડપાત્ર નથી,કારણકે ધર્મજ્ઞ એવા તેઓ સ્વધર્મ વડે જ પરસ્પરનું રક્ષણ કરે છે.(40)
અધ્યાય-11-સમાપ્ત