Jul 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-868

 

અધ્યાય-૨૦-સૈન્યવર્ણન 


II धृतराष्ट्र उवाच II सूर्योदये संजय के नु पूर्व युयुत्सवो हृष्यमाणा इवासन I 

मामका वा भीष्मनेत्राः समीपे पांडवा वा भीमनेत्रानदानिम II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,સૂર્યોદય થયો ત્યારે યુદ્ધ કરવાની ઈચ્છાથી ઉત્સુક થઈને પ્રથમ કોણ આગળ આવ્યા હતા?

કયી સેના તરફ ચંદ્ર,સૂર્ય અને વાયુ અશુભસૂચક હતા? કયી સેના તરફ પશુઓ અમંગળ શબ્દ કરતાં હતાં? અને 

કયી સેનાપક્ષના યુવાનોનો મુખનો રંગ પ્રસન્ન હતો?તે સઘળું તું મને યથાર્થ રીતે કહે.

સંજયે કહ્યું-બંને સેના ઘણી મોટી અને ભયંકર દેખાવવાળી હતી.કૌરવો પશ્ચિમ તરફ મુખ કરીને ઉભા હતા તો પાંડવો પૂર્વાભિમુખ હતા.કૌરવોની સેના દૈત્યસેનાના જેવી દેખાતી હતી તો પાંડવોની સેના દેવેન્દ્રની સેના જેવી દેખાતી હતી.

વાયુ પાંડવોની પાછળ વાતો હતો અને કૌરવોની બાજુએ પશુઓ શબ્દ કરતાં હતાં.દુર્યોધનના મસ્તક પર સોનાની માળાવાળું  શ્વેત છત્ર શોભી રહ્યું હતું.ભીષ્મના મસ્તક પર પણ શ્વેત છત્ર હતું.તેમણે શ્વેત છત્ર અને તલવાર ગ્રહણ કર્યા હતા.તેમના મસ્તક પર શ્વેત પાઘડી હતી,તેમના શ્વેત રથનો ધ્વજ શ્વેત હતો અને શ્વેત રંગના ઘોડાઓ જોડાયેલા હતા.


ભીષ્મના સૈન્યમાં સર્વ ધૃતરાષ્ટ્ર પુત્રો,બાલહિકોનો એક ભાગ,અંબષ્ટ અને સિંધુ દેશના ક્ષત્રિયો,અને સૌવીર તથા પંજાબના યોદ્ધાઓ હતા.ગુરુ દ્રોણ,લાલ ઘોડાઓ જોડાયેલા સુવર્ણ રથમાં બેસી અડગ પર્વતની જેમ સૈન્યની પાછળ ચાલતા હતા.

સૈન્યની મધ્યમાં ભૂરિશ્રવા,જય,શાલ્વ,મત્સ્ય આદિ દેશના યોદ્ધાઓ સાથે કેકય ભાઈઓ હતા.સૈન્યના ઉત્તરભાગનું રક્ષણ કરનારા કૃપાચાર્ય,શક,કિરાત,યવન આદિ સૈન્ય સાથે હતા.દક્ષિણ ભાગમાં યાદવો અને કૃતવર્મા આદિથી રક્ષાયેલું સૈન્ય હતું.

અસ્ત્રકુશળ દશ હજાર સંશપ્તક રથીઓ અને શૂરા ત્રિગર્તો જ્યાં અર્જુન હતો ત્યાં જતા હતા.


હે રાજન,તમારી સેનામાં થોડા વધારા સાથે એક લાખ હાથીઓ હતા,પ્રત્યેક હાથીઓની સાથે સો સો રથો હતા,પ્રત્યેક રથોની સાથે સો સો ઘોડાઓ હતા,પ્રત્યેક ઘોડાઓની સાથે દશ દશ ધનુર્ધારીઓ હતા અને પ્રત્યેક ધનુર્ધારી સાથે સો સો ઢાલવાળાઓ હતા.આ પ્રમાણે ભીષ્મે તમારા સૈન્યની વ્યૂરચના કરી હતી.તમારી સેના અસંખ્ય હોવાથી ભયંકર દેખાતી હતી.પાંડવોની સેના તેવી ન હતી,તો પણ તેના નેતા શ્રીકૃષ્ણ અને અર્જુન હોવાથી તે ઘણી મોટી અને પરાભવ ન પામે તેવી હતી એમ હું માનું છું.

અધ્યાય-20-સમાપ્ત